ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રોબિન્સન ક્રૂઝો
રોબિન્સન ક્રૂઝો : (૧૭૧૯/૨૦) મૂળે હોઝરીના નિષ્ફળ વેપારી પણ પછીથી રાજનીતિના તિકડમબાજ પત્રકાર અને ખાનગી જાસૂસ તરીકેની કારકિર્દી ધરાવતા ડેનિયલ ડિફોએ સાઠ વર્ષની વયે લખેલી રોમાંચક અંગ્રેજી સાહસકથા. લેખકની રઝળપાટભરી જિંદગીના ખાટામીઠા અનુભવ ઉપરાંત એલેકઝેન્ડર સેલકિર્કએ ૧૭૦૪-૧૭૦૯ દરમ્યાન વસ્તી વિનાના ટાપુ પર ગાળેલાં એકલવાયાં વર્ષોનું સંઘર્ષપૂર્ણ વર્ણન પણ આ કથાનું પ્રેરકબળ છે. કથાનાયક પોતાની આપવીતીનું સિલસિલાવાર બયાન કરતો હોય એવી ફરેબી નિરૂપણશૈલીએ લખાયેલી આ રોમાંચકથામાં, તેનો નાયક રોબિન્સન ક્રૂઝો મધદરિયે સફરી જહાજ તૂટતાં લાકડાના પાટિયે વળગીને તણાતો તણાતો અજાણ્યા ટાપુ પર પહોંચે છે. એ નિર્જન ટાપુ પર તે ૨૮ વર્ષ, ૨ માસ અને ૧૯ દિવસની એકાકી જિન્દગી જીવે છે. માનવસભ્યતા અને સુખસગવડો વિનાની એ જિંદગીમાં ક્રૂઝો પશુપાલન, ખેતીવાડી તેમજ લુહારી-સુથારી વણાટ અને મોચીકામ જેવા નાનાવિધ હુન્નરો આપઉકલતથી શીખીને મનુષ્યવિહોણા એ ટાપુ પર માનવસભ્યતાનું નિર્માણ શી રીતે કરે છે. અને ‘મેનફ્રાઈડે’ના રૂપમાં તેને સાથી-સેવક શી રીતે મળી આવે છે એવા વસ્તુનું અહીં રોચક નિરૂપણ થયું છે. કોર્ટમાં ચાલતી જુબાની જેવું ગદ્ય, ઐતિહાસિક તથ્યોની રજૂઆત જેવી ચોકસાઈ અને લક્ષ્યગામી ગતિશીલતા એ આ સાહસકથાની વિશેષતા છે. ર.ર.દ.