ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોકકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



લોકકથા: લોકકથાની મૂળભૂત આવશ્યકતાઓ ચાર : કથક, શ્રોતા (‘હોંકારીઓ’), વાતનો પ્રસંગ અને ત્યારે સ્ફુરતું કથાવસ્તુ. એનું કથન પણ આ ચાર આવશ્યકતાઓમાંથી આવે. ‘એક હતો ચકો ને એક હતી ચકી’ કે ‘એક રાજા હતો. એને બે રાણી : એક માનીતી ને બીજી અણમાનીતી’ એમ ગદ્યમાં હોય; કે પછી ‘વાડી રે વાડી!’ / ‘બોલો, દલા તરવાડી!’ / ‘રીંગણાં લઉં બેચાર?’ / ‘લો ને દસબાર’ એમ પદ્યમાં હોય કે વ્રતકથા જેવામાં ચોક્કસ લય-લઢણમાં હોય કે દુહાસોરઠા-ગીતમાં પણ હોય. એની કથનરીતિ વિવિધ હોય, જેવી પેલી ચતુર્વિધ આવશ્યકતાઓ. પણ, બધી જ કહેવા માટેની લઢણો ને પરંપરાઓ પ્રયોજાય. દા.ત., આરંભે ‘વારતા રે વારતા....’ જેવું કોઈ આરંભિયું (જોડકણું) હોય કે અંતે ‘ગોખલામાં ગોટી....’ જેવું સમાપણિયું (જોડકણું) હોય પણ કથામાંની ઘટના તો કાળક્રમ પ્રમાણે જ કહેવાતી આવે એમાં આઘાપાછી ન થાય. લોકકથાનું સૌથી આગવું લક્ષણ તત્ક્ષણ-રૂપક્ષમતા. કેટલાક નાટ્યપ્રયોગોમાં અને આપણા ભવાઈના પ્રયોગોમાં પણ, સુધારાવધારા થઈ શકે એવો અવકાશ હોય છે, પણ ‘અવકાશ’ જ; અહીં તો ઊપજ એ જ આધાર. તત્ક્ષણ સૂઝે તે જ જીભેથી નીસરે. કથાબીજ મનમાં હોય, એ ફૂટતાં-ફાલતાં-ખીલતાં-લ્હેરતાં જાય. ‘ઊપજ’ એક પ્રકારની સર્જનાત્મક મુક્તિ છે. પરંપરાગત વસ્તુને જાળવીને પરંપરાનુસાર જ થતો કલ્પનાનો વિનિયોગ છે. સંગીત સિવાય, ‘ઊપજ’ને જેટલો અવકાશ લોકકથામાં છે એટલો બીજે ભાગ્યે જ જોવા મળશે. એનો આધાર હોય છે બહાર : શ્રોતા ને પ્રસંગ. એ વાતને બહેલાવે છે! લોકકથા વાતપ્રધાન પ્રકાર છે; ‘વાત’ શબ્દ અહીં જરાક, તાત્ત્વિક અર્થમાં પ્રયોજ્યો છે. ‘વાત’ એટલે ‘discourse’. એમાં ‘વાર્તા’ (story) અનિવાર્ય નથી. વાત તો નિકટતા અનુભવાય એ પ્રકારનો વાણી-વ્યવહાર. એકવાર નિકટતા સ્થપાય પછી જ કથક ખીલે, ને તે પછી પણ કથન તો એને આધારે જ ચાલે. વાતમાં પછી રસ પડે. અહીં કથક-શ્રોતાને એક કરનાર તત્ત્વ ‘વાત’ છે. વાતનો આધાર વાર્તા છે ને વાતનું કોઈ કારણ પ્રસંગ છે. આ દૃષ્ટિએ વિચારતાં લોકકથા ‘સ્વરૂપ’(Form)ના નથી, એક એવી ઘટના છે જેના ઘટકો આંતરસંબંધે એકરૂપ બનીને લોકકથા-ઘટનાનું રૂપ લે છે. ઘટકો આ પ્રમાણે છે : શ્રોતા; કથક; પ્રસંગ(Context); પ્રસ્તુતિ કે પ્રયોગ (Performance) વાત(discourse); કથાકથન(Narration); વાર્તા (Story) અને સંરચના(Structure) આ આઠેયનો મેળ ખાય ત્યારે લોકકથા નામે ઘટના બને. એવી બીજી વાર, પાછી એવી ને એવી જ, એવે જ રૂપે, એવી જ વાણીમાં ન જ બને. એટલે લોકકથા અનિબદ્ધ રહે છે. બંધાય છે તે તો તેનું એક સમયે અનુભવવા મળેલું એક રૂપ જ. લોકકથાનાં સ્વરૂપો મુખ્ય ત્રણ છે : દંતકથા-ઇતિહાસકથા (Legends and traditions); પુરાકલ્પનકથા(Myth) અને ઘરગથ્થુ કહાણીઓ-પરીકથા કે અદ્ભુતકથા(Folktales). ઘરગથ્થુ કહાણીઓમાં ઘણા ઘણા પ્રકારની કથાઓ આવશે : માનવકથા, પ્રાણીકથા, ચાતુરીકથા, અડવાકથા, વ્રતકથા, બોધકથા, દૃષ્ટાંતકથા, પરીકથા વગેરે. કેટલાક વિદ્વાન આ ત્રણને સ્થાને પાંચ મુખ્ય સ્વરૂપ બતાવે છે : દંતકથા(legend); મિથ (Myth); અદ્ભુતકથા(Fairy tales), પ્રાણીકથા(animal tales) અને બોધકથાદૃષ્ટાંતકથા(Fables-Parables). ક.જા.