ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવેચન
વિવેચન : અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં વ્યાપકપણે યોજાતી રહેલી ‘વિવેચન’ સંજ્ઞા અંગ્રેજી સાહિત્યની કેટલીક કેન્દ્રવર્તી સંજ્ઞાઓ પૈકીની એક, અને સમાન્તરે અન્ય માનવવિદ્યાઓમાં ય મહત્ત્વની બની રહેલી, criticism સંજ્ઞાની જેમ, ગુજરાતી ‘વિવેચન’ સંજ્ઞાય શિથિલપણે વપરાતી રહી છે. ચર્ચાવિચારણાના અનેક સંદર્ભે એ સંજ્ઞા (‚), પરંપરાગત કાવ્યશાસ્ત્ર (Traditional Poetics)/આધુનિક સાહિત્યસિદ્ધાન્ત (Modern Literary Theory)/અને (¸), સાહિત્ય-કૃતિઓના આસ્વાદ-અવબોધ અર્થઘટન અને મૂલ્યાંકનરૂપ લખાણો(Practical Criticism) એમ બંને પ્રકારનાં લખાણોને સમગ્રતયા સૂચવે છે; અને એ રીતે, વિસ્તૃત સર્વગ્રાહી અર્થમાં એ યોજાય છે. અન્ય સંદર્ભોમાં એ સંજ્ઞા માત્ર સિદ્ધાન્તચર્ચાનાં કે માત્ર કૃતિ વિષયક લખાણો પૂરતી જ એ સીમિત હોય એમ જણાશે. હકીકતમાં, આ બંને ક્ષેત્રોનાં લખાણો સ્વરૂપપ્રયોજન અને પદ્ધતિની બાબતમાં જુદાં પડે છે. બંનેનું કાર્યક્ષેત્ર અલગ છે. આથી, વિવેચકો અને વિદ્વાનોનું એક જૂથ સાહિત્ય વિષયક ચર્ચાવિચારણાઓને ‘સાહિત્યસિદ્ધાન્ત’(Theory of Literature)ની અલગ વિદ્યાશાખા તરીકે રેખાંકિત કરી, ‘વિવેચન’ કે ‘સાહિત્યવિવેચન’ સંજ્ઞાને માત્ર કૃતિ વિષયક લખાણો માટે યોજવા ચાહે છે છતાં ‘વિવેચન’ કે ‘સાહિત્ય-વિવેચન’ સંજ્ઞા જાણ્યે અજાણ્યે એના વિસ્તૃત સર્વગ્રાહી અર્થમાં યોજાતી રહી છે. સાહિત્યક્ષેત્રમાં વ્યવસ્થા અને ચોકસાઈ આણવા માટે સાહિત્યસિદ્ધાન્ત અને કૃતિવિવેચન એ બંને ક્ષેત્રોને અલગ પાડીએ એ જરૂરી છે, પણ બંને ક્ષેત્રની પ્રવૃત્તિઓ, વાસ્તવમાં, પરસ્પર અવલંબિત છે, અને બંને ગાઢ રીતે સંકળાયેલી છે. અને એ સમગ્ર સાહિત્યવિવેચનને વર્તમાન સાહિત્યસર્જન સાથે, નજીકના કે દૂર ભૂતકાળના સાહિત્ય સાથે, તેમ વિવેચન પરંપરા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ અનુબંધ રહ્યો હોય છે. સાહિત્યના ઇતિહાસના વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, દરેક યુગના સર્જન-વિવેચનની પ્રવૃત્તિઓને એનો આગવો સામાજિક, સાંસ્કૃતિક અને દાર્શનિક સંદર્ભ હોય છે. ભૂતકાળના સાહિત્ય અને તેની સાથે સંબંધિત વિવેચનપ્રવૃત્તિની અનુકાલીન સર્જન વિવેચનની પ્રવૃત્તિઓ પર ઓછોવત્તો પ્રભાવ પડે છે. આગલા યુગના સાહિત્યવિષયો આકારપ્રકારો રીતિઓ શૈલીઓ રચનાપ્રયુક્તિઓ અનુગામી સર્જનમાં પ્રેરણારૂપ બની રહે છે. તો પૂર્વકાલીન વિવેચન સાહિત્યની વિશિષ્ટ વિભાવનાઓ અને કૃતિમૂલ્યાંકનના સિદ્ધાન્તો ધોરણો અને આદર્શો પૂરા પાડે છે. ભૂતકાળની મહાન અને પ્રશિષ્ટ લેખાતી કૃતિઓ અનુગામી સાહિત્ય અર્થે અક્ષય્ય પ્રેરણાસ્રોત બની રહે છે. મહાન સાહિત્યના નિર્ણય અર્થે કેટલાક સાર્વત્રિક સિદ્ધાન્તો અને ધોરણો એમાંથી પ્રાપ્ત થાય છે. બીજી બાજુ, પ્રતિભાશાળી સાહિત્યકારો સતત કશુંક મૌલિક, કશુંક નવીન અને કશુંક અપૂર્વ નિર્માણ કરવા પ્રવૃત્ત રહે છે. નવા આકારપ્રકાર અને નવી શૈલીનું સાહિત્ય એ રીતે અસ્તિત્વમાં આવે છે. એ નવીન સાહિત્યને અનુલક્ષીને સાહિત્યની પ્રચલિત વિભાવનાની પુનર્વ્યાખ્યા કરવાના અને નવા ઉપસ્થિત થતા પ્રશ્નોની ચર્ચાવિચારણા કરવાના પ્રસંગો આવે છે. કૃતિવિવેચન અર્થે એ સાથે નવી અંતર્દૃષ્ટિ કે નવો અભિગમ પ્રાપ્ત થાય છે. વિવેચનના બદલાતા પરિપ્રેક્ષ્યમાં જૂનીનવી કૃતિઓનું પુનર્મૂલ્યાંકન આરંભાય છે. પેઢીએ પેઢીએ મર્મજ્ઞ વિવેચકો અને વાચકો સત્ત્વસભર કૃતિઓ વિશે પોતાના પ્રતિભાવો જે રીતે પાડતા રહે છે, અભિપ્રાયો જે રીતે વ્યક્ત કરતા રહે છે તેમાં બદલાતી સાહિત્યરુચિનો અને મૂલ્યાંકનનાં બદલાતાં ધોરણોનો આલેખ મળે છે. વિવેચન મૂલ્યાંકનમાં ઘણા મતભેદો છતાં, કેટલાક તો આત્યંતિક કોટિના, કૃતિવિવેચનના કેટલાક વ્યાપક સિદ્ધાન્તો અને ધોરણો વિશે બહુમતી સધાતી આવે છે. સાહિત્યની સિદ્ધાન્તચર્ચા આવા બહુમાન્ય ખ્યાલોની ઉપેક્ષા કરીને આગળ વિકસી શકે નહીં. સાહિત્યસિદ્ધાન્ત, કૃતિવિવેચન અને સાહિત્યસર્જન ત્રણેય ઘટનાઓ, આમ, પરસ્પર ક્રિયાપ્રતિક્રિયા સાથે વિકસતી ને પરિવર્તિત થતી રહે છે. સાહિત્યસિદ્ધાન્તના ક્ષેત્રમાં સૌથી મૂળભૂત પ્રશ્નો આ પ્રમાણે છે. સાહિત્યનું સ્વરૂપ શું છે? સાહિત્યનું જીવિત શેમાં રહ્યું છે? સાહિત્યનું મૂળભૂત પ્રયોજન શું છે? સાહિત્યની ઉપયોગિતા શી છે? વગેરે. સાહિત્યકળા વિશેના બીજા અસંખ્ય પ્રશ્નો કોઈક રીતે આ મૂળભૂત પ્રશ્નો સાથે અનુસન્ધાન કેળવીને વિસ્તરે છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રની દીર્ઘ પરંપરામાં સાહિત્યના રમણીયતત્ત્વનું હાર્દ સ્પષ્ટ કરવાની દિશામાં આચાર્યોએ રસ, અલંકાર, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ અને ઔચિત્ય જેવા પાયાના સિદ્ધાન્તો રજૂ કર્યા. સાહિત્યવિશ્વની અનન્યતા અને અલૌકિકતા પર તેઓ સતત ભાર મૂકતા રહ્યા. ભાષા, વ્યાકરણ અને તર્કશાસ્ત્ર જેવાં શાસ્ત્રોની તેમણે સહાય લીધી જ છે. પણ સાહિત્યની રમણીયતાના અનુભવને જ તેઓ દૃષ્ટિકેન્દ્રમાં રાખીને ચાલ્યા છે. પાશ્ચાત્ય વિવેચનમાં સાહિત્યવિચારની ભૂમિકા વિસ્તરતી રહી છે. (‚) સાહિત્ય બહારના જગતનું અનુકરણ કરે છે. (પ્લેટો એરિસ્ટોટલને અભિમત અનુકરણ સિદ્ધાન્ત). (¸) સાહિત્ય વાચકોના ચિત્ત પર નૈતિક પ્રભાવ પાડે છે. (તોલ્સ્તોય આદિને અભિમત સાહિત્યનો ઉપયોગિતાવાદ.) (ˆÅ) સાહિત્ય એના સર્જનની નિજી અનુભૂતિની અભિવ્યક્તિ છે. (વર્ડ્ઝવર્થ આદિ રોમેન્ટિક કવિઓનો અભિવ્યક્તિ સિદ્ધાન્ત), અને (”) સાહિત્ય એ શબ્દના માધ્યમમાં રચાયેલી આકૃતિ છે. (આકારવાદ). પાશ્ચાત્ય વિવેચનના આ પાયાના સિદ્ધાન્તો રહ્યા છે : પરંપરાગત વિવેચન એનાં ગૃહીતો અને ધારણાઓ પર મંડાયેલું છે. એમાં સાહિત્યકૃતિઓના બાહ્ય જગત સાથેના સંબંધના પ્રશ્નો કૃતિ વાંચનારની નૈતિક ચેતના પર પડતા પ્રભાવના પ્રશ્નો, કૃતિના સ્રોત સમા સર્જકની મનોઘટના કે આંતરવ્યક્તિત્વના પ્રશ્નો અને કૃતિના સર્જનાત્મક ભાષા સાથેના અને તેની અપૂર્વ રૂપરચનાના પ્રશ્નો એમ અનેક દિશાના પ્રશ્નો ચર્ચાયા છે. પાશ્ચાત્ય વિવેચનની પરંપરામાં પ્લેટો એરિસ્ટોટલના સમયથી જ સાહિત્યચર્ચાની માંડણી આગવા દાર્શનિક પરિવેશમાં અને આગવી રીતે થઈ છે. એમાં સહજ જ સાહિત્યપદાર્થની તાત્ત્વિક ઓળખ કરવાના પ્રયત્નમાં અન્ય જ્ઞાનવિજ્ઞાનનાં વિશાળ માળખાંઓ વચ્ચે, સામાજિક, સાંસ્કૃતિક અને દાર્શનિક પ્રવૃત્તિઓ વચ્ચે, મૂકીને જોવાની વૃત્તિ રહી છે. આથી, સાહિત્યવિશ્વ અને વાસ્તવનું પ્રતિનિધાન, સાહિત્યનું સત્ય, સાહિત્ય અને નીતિ, સાહિત્ય અને જનકેળવણી જેવા પ્રશ્નો ફરીફરીને ચર્ચાના કેન્દ્રમાં આવતા રહ્યા છે. જુદી જુદી તાત્ત્વિક વિચારણા એમાં આગવો આગવો ઝોક આપતી રહી છે. ભારતીય આચાર્યોએ સાહિત્યના પરમ પ્રયોજન તરીકે રસાનુભૂતિનું અસાધારણ ગૌરવ કર્યું. એટલે સાહિત્યવિશ્વની સ્વતંત્રતા અને સ્વાયત્તતા પર તેમણે સતત ભાર મૂક્યો. પશ્ચિમના આચાર્યોએ સાહિત્યમાંથી મળતા આનંદતત્ત્વનો સ્વીકાર કર્યો, પણ ભારતીય આચાર્યોએ રસાનુભૂતિની અલૌકિકતા પર જે ભાર મૂક્યો તેવો એ આચાર્યો મૂકતા નથી. પાશ્ચાત્ય વિવેચનની દીર્ઘ પરંપરા જોતાં સ્પષ્ટ થાય છે કે ત્યાંના આચાર્યો કૃતિના રસાનુભવને અતિક્રમીને કે રસકીય ચેતનાની બહાર નીકળીને કૃતિને પૂર્ણપણે ‘સમજવા’ માગે છે. આ સદીના પ્રસિદ્ધ કવિવિવેચક ટી. એસ. એલિયટ વિવેચનની સરહદોની ચર્ચા કરતાં કૃતિના રસબોધ/આનંદ(Enjoyment)ને અતિક્રમી જઈને તેને વ્યાપક જ્ઞાનવિજ્ઞાનના સંદર્ભમાં સમજવાની (To understand) આવશ્યકતા પર જે ભાર મૂકે છે તે સૂચક છે. કૃતિને સમજવાનો આ ઉપક્રમ જ બહારના જ્ઞાનરૂપ તંત્રોમાં તેને ખેંચે છે. જે ભાષામાં કૃતિ બદ્ધ છે તેને તે જ રૂપમાં વાંચવાથી ખાસ કશું સિદ્ધ થતું નથી. કૃતિ વિશેની સાચી અને પૂરી સમજણ કૃતિના સાચા અને વિશુદ્ધ આનંદને જન્માવે છે, તો એવો સાચો રસાનુભવ કૃતિને યથાર્થરૂપમાં જોવા સમજવાને ભૂમિકા પૂરી પાડે છે. પ્લેટો-એરિસ્ટોટલથી કૉલરિજ સુધીના સૌ અગ્રણી આચાર્યોની કાવ્યવિચારણા વત્તેઓછે અંશે તેમની આગવી દાર્શનિક દૃષ્ટિના પ્રકાશમાં વિકસતી રહી છે. કૉલરિજ પછી, વિશેષ કરીને આ સદીમાં, સાહિત્યવિચાર જુદી જુદી ભૂમિકાએથી જુદી જુદી દિશામાં વિસ્તરતો વિકસતો રહ્યો છે. પરંપરાગત સાહિત્યચિંતન અને કૃતિવિવેચનની વિશાળતર પ્રવૃત્તિઓને ઢાંકી દેતી નવી સિદ્ધાન્તચર્ચા અને તેને અનુરૂપ કૃતિવિવેચનના નવા પ્રવાહો આકાર લે છે. ઇતિહાસમીમાંસા, સમાજમીમાંસા, માનવનૃવંશશાસ્ત્ર, સંસ્કૃતિચિંતન, પુરાણકથા – આર્કિટાઈપ્સવિચાર, મનોવિશ્લેષણવાદ, માર્ક્સવાદ, અસ્તિત્વવાદ, પ્રતીકવાદીદર્શન, ફિનોમિનોલોજી, સંરચનાવાદ, અનુસરંચનાવાદ, વિરચનવાદ, ભાષાકીય તત્ત્વજ્ઞાન, નારીદૃષ્ટિવાદ, અને દર્શન એમ જ્ઞાનવિજ્ઞાનનાં અસંખ્ય ક્ષેત્રોમાં વિચારોનો વિસ્ફોટ થયો. પરસ્પરથી ભિન્ન, કેટલાક પ્રવાહોમાં પરસ્પરથી વિરોધી, વિચારધારાઓ સાહિત્યપદાર્થને જોવા-સમજવા અવનવાં પરિપ્રેક્ષ્યો પૂરા પાડે છે, બલકે ઘણી એક સાહિત્યવિચારણા આ વિચારધારાઓનાં આગવાં આગવાં માળખાં વચ્ચે વિકસતી રહી છે. એ સાથે સાહિત્યકૃતિને જોવા-સમજવાની દૃષ્ટિમાં અનેકવિધ પરિવર્તનો આવતાં રહ્યાં છે. અર્વાચીન ગુજરાતીમાં પ્રચારમાં આવેલી વિવેચન સંજ્ઞા મૂળ સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃત ¹¨¸+¹¨¸¸Ã ›¸ ¥¡¸º’ નામસાધક પ્રત્યય લગાડીને એ શબ્દ સિદ્ધ થયો છે. એનો યૌગિક અર્થ છે ‘વિવેક’. પણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરંપરામાં શાસ્ત્રીય સંજ્ઞા તરીકે એ પ્રતિષ્ઠિત થઈ નથી. અલબત્ત, સંસ્કૃતમાં કાવ્યનાટકાદિ પ્રકારની કૃતિઓના આસ્વાદઅવબોધ નિમિત્તે તેમાં ઘટકોના વર્ણનો-વિશ્લેષણની આગવી પરંપરા ઊભી થયેલી છે, અને એ પ્રકારનાં લખાણોને ‘ટીકા’ / ‘ભાષ્ય’ જેવી સંજ્ઞાઓથી ઓળખવામાં આવ્યાં છે. કૃતિનાં રમણીયતાસાધક તત્ત્વો લેખે શબ્દ, અર્થ અલંકાર, રીતિ, ધ્વનિ, રસ અને સંધ્યાંગો આદિનું કઠોર શાસ્ત્રીય ઝીણવટથી વિશ્લેષણપ્રધાન અધ્યયન એમાં રજૂ થાય છે. ગુજરાતીમાં ‘વિવેચન’ સંજ્ઞા સ્વીકાર પામી, પણ કૃતિવિવેચનનું સ્વરૂપ, પ્રયોજન અને પદ્ધતિઓ પાશ્ચાત્ય કૃતિવિવેચનથી પ્રભાવિત રહ્યાં છે. પશ્ચિમની પરંપરાગત કૃતિવિવેચનની અને આ સદીમાં, આધુનિક સાહિત્યસિંચન સાથે જોડાયેલી ‘વાચન’ પ્રક્રિયા અને કૃતિના અર્થબોધ અને અર્થગ્રહણની સર્વ પ્રવૃત્તિઓને એકસાથે લક્ષમાં લેતાં ‘વિવેચન’નું સ્વરૂપ સ્પષ્ટ કરવાનું તેમ તેની સાથે વ્યાખ્યા-વિચારણા કરવાનું અત્યંત મુશ્કેલ બન્યું છે. સાહિત્યની જુદી જુદી વિભાવનાઓ અને તેમાં અનુસ્યૂત વિવેચનના ભિન્નભિન્ન સિદ્ધાન્તો, કૃતિવિવેચનના પરસ્પરથી ભિન્ન ઉદ્દેશો અને પરસ્પરથી સર્વથા ભિન્ન પદ્ધતિઓ આ ‘વિવેચન’ સંજ્ઞાના વ્યાપમાં આવી જાય છે. પરંપરાગત કૃતિવિવેચનોના વિશાળ જથ્થા સામે આધુનિક અભિગમોથી થતાં અધ્યયનો કેટલીક મૂળભૂત બાબતોમાં જુદાં પડે છે. પરંપરાગત કૃતિવિવેચનોમાં પદ્ધતિ વિશે એટલી તીવ્ર સભાનતા નથી. પ્રસ્તુત કૃતિના સ્વરૂપગત સિદ્ધાન્તો એમાં ઘણે અંશે નિર્ધારક બન્યા છે. કર્તાનું જીવનચરિત્ર, તેની જીવનદૃષ્ટિ, સમકાલીન જીવનસંયોગો અને સાહિત્યિક પરંપરાઓ જેવા મુદ્દાઓ એમાં સહજ રીતે છણાતા રહ્યા છે. કૃતિ અને કર્તા વિશે વિશાળ અર્થમાં વ્યુત્પત્તિશાસ્ત્રની જાણકારી એમાં ગૂંથી લેવાતી. એમાં સાહિત્યને માનવતાવાદી દર્શન કે માનવીય મૂલ્યો સાથે સાંકળવાનું પ્રબળ વલણ રહ્યું છે. વિવેચક આથી, કૃતિમાં પ્રગટ થતા જીવનદર્શનને અતિ મહત્ત્વનું લેખવતો રહ્યો છે. અંતે જે લેખકનું જીવનદર્શન ગહનગંભીર અને ઉદાત્ત હોય તેની કૃતિ ચિરંતન નીવડશે એવી આસ્થા તે ધરાવે છે. કૃતિનું રચનાવિધાન કે શૈલીનું પાસુંય ધ્યાનપાત્ર તો ખરું જ, પણ તે કૃતિના જીવનદર્શનની તુલનામાં ગૌણ બાબત ઠરે છે. કૃતિના ‘ગુણો’ અને ‘દોષો’ની ચર્ચા કરી અંતે સમગ્રતયા તે તેનું મૂલ્યાંકન કરે છે. પરંપરાનિષ્ઠ વિવેચકોએ કૃતિનું મૂલ્યાંકન કરવું (to evaluate) એટલેકે કૃતિની ઉત્કૃષ્ટતા વિશે નિર્ણય કરવો. (to judge) એ કાર્ય સૌથી પાયાનું લેખવ્યું છે. પરંપરામાં પ્રસ્થાપિત થયેલી એ સ્વરૂપની અન્ય કૃતિઓ સાથે તુલના કરી તેને સાહિત્યજગતના ઉચ્ચાવચ ક્રમમાં ક્યાંક ગોઠવવી એ કાર્યમાં તેને વિશેષ રસ રહ્યો છે. પરંપરાગત વિવેચક સાહિત્યકૃતિને કોઈ એક સ્થિર અખંડ અને સુનિશ્ચિત ‘અર્થ’ મળ્યો છે એમ માને છે. તે એમ પણ માને છે કે કવિ/લેખકને વિવક્ષિત અર્થ author’s intention કે intended meaning એ જ તેની કૃતિનો એકમાત્ર સાચો અને શ્રદ્ધેય અર્થ છે. કર્તાના વિવક્ષિત અર્થને પામવા કૃતિના ‘અર્થ’ની બહાર જઈ વારંવાર તે તેના વૈયક્તિક જીવનમાં – તેની ખાનગી નોંધો, કેફિયતો, ડાયરી વગેરે સામગ્રીઓમાં પ્રવેશ કરે છે. કર્તાના જીવનની અનેક દસ્તાવેજી વિગતો એ રીતે કૃતિના વિવેચનમાં સ્થાન લે છે. આવી વિગતો પૈકી કેટલીક વિગતો કૃતિના ઉદ્ભવકારણ કે ઉદ્ભવકાળના સંયોગોનો નિર્દેશ કરતી હોય એમ બને; કૃતિના પોતાના આકારમાંથી નિષ્પન્ન થતા ‘અર્થ’ સાથે તેને કોઈ સંબંધ જ ન હોય એમ બને. પરંપરાનિષ્ઠ વિવેચકે વળી કૃતિનાં અર્થો અને મૂલ્યો વિશાળ વાચકવર્ગ સુધી પહોંચાડવાનું આવશ્યક ગણ્યું હોય છે, એટલે કૃતિ વિશેનો પોતાનો અભિપ્રાય એ વાચકવર્ગને સ્વીકાર્ય બને એ રીતે તે પ્રદિપાદન કરવા ચાહે છે. કૃતિમાં રજૂ થતું જીવનદર્શન, તેમાં અભિમત મૂલ્યોનું તંત્ર, સમકાલીન સમાજમાં પ્રચલિત સંસ્કૃતિવિચારમાં આત્મસાત્ થાય અને દીર્ઘ સાંસ્કૃતિક પરંપરાનો તે જીવંત ભાગ બની રહે એ દૃષ્ટિએ તે કૃતિના દર્શનની સમીક્ષા કરે છે. પરંપરાગત વિવેચન, એનાં ઉત્કૃષ્ટ નિદર્શનોમાં સાંસ્કૃતિક સમીક્ષા બની રહે છે. વ્યક્તિ અને સમાજ અર્થે જે કંઈ ઉત્તમ છે, જે કંઈ શ્રેયસ્કર છે, તેનો વિવેકપૂર્વક પુરસ્કાર કરવાનો છે. મેથ્યુ આર્નલ્ડ, તોલસ્તોય, એલન ટેઇટ, લાયોનલ ટ્રિલીંગ અને મરે ક્રિગર જેવા ચિંતકોએ કૃતિવિવેચનના વ્યાપક પ્રયોજન તરીકે સંસ્કૃતિની સમીક્ષા કરવાનું અને જનસમૂહની સંસ્કારિતાનું સંવર્ધન કરવાનું સ્વીકાર્યું છે. આ સદીમાં વિભિન્ન વિચારધારાઓની પ્રેરણાથી જન્મેલાં વિભિન્ન ઉદ્દેશો અને વિભિન્ન પદ્ધતિવાળાં કૃતિલક્ષી વિવેચનો / અધ્યયનો વિશે સર્વસાધારણ ભૂમિકાએથી અવલોકનો કરવાનું મુશ્કેલ છે. અહીં એની પાછળ રહેલાં થોડાંક મુખ્ય વલણોનો નિર્દેશ કરીશું. એક, પરંપરાગત વિવેચનમાં સાહિત્યનું વિશ્વ નૈતિક-આધ્યાત્મિક અર્થો અને મૂલ્યો ધરાવે છે. એ રીતનો વ્યાપક સ્વીકાર હતો. એમાંનું ઘણું એક ઉત્કૃષ્ટ વિવેચન વિવેચકોની અંત :પ્રેરણામાંથી જન્મ્યું છે. કોઈ એક ચુસ્ત પદ્ધતિનો એમાં સ્વીકાર નહોતો. આધુનિક વિચારધારાઓ સાહિત્યપદાર્થને ઘણુંખરું વૈજ્ઞાનિક અભિગમથી જુએ છે અને સ્વીકારે છે. દરેક વિચારધારા – રશિયન સ્વરૂપવાદ, સંરચનાવાદ, મનોવિશ્લેષણવાદ, ફિનોમિનોલોજી આદિ કૃતિના વર્ણનવિશ્લેષણની કઠોર શિસ્તભરી પદ્ધતિનો આગ્રહ રાખે છે. બેના પરંપરાગત વિવેચન પ્રસ્તુત કૃતિના મૂલ્યાંકનને સૌથી પાયાનું કાર્ય લેખવે છે; આધુનિક વિચારધારાથી પ્રેરિત વિવેચન ઘણુંખરું કૃતિના વર્ણનવિશ્લેષણ કે અર્થઘટનમાં સમાપ્ત થાય છે. ત્રણ, પરંપરાગત વિવેચનમાં પ્રતિષ્ઠિત થયેલી ‘સાહિત્યકૃતિ’(A literary work)ની વિભાવનાને ઢાંકી દેતી ‘પાઠ’(text)ની વિભાવના પ્રચારમાં આવી છે. સાહિત્યિકપાઠ એના લેખકના ચરિત્રથી અલગ છે. બલકે તેના ‘વિવક્ષિત અર્થ’ (Intention)થીય અલગ છે ‘પાઠ’ એ રીતે સર્વથા મુક્ત ભાષાકીય રચના છે. એને કોઈ એક સ્થાયી અખંડ અર્થ મળ્યો નથી. વાચક એ ‘પાઠ’ના જુદા જુદા સંદર્ભોને લીલયા મુક્તપણે સંયોજીને નિત્ય નવા અર્થોની રચના કરતો રહે છે. અર્થસંરચનાની આ મુક્ત પ્રવૃત્તિનો ક્યાંય અંત હોતો નથી. પરંપરાગત કૃતિવિવેચન કૃતિની અપાર વ્યંજનાસમૃદ્ધિનો સ્વીકાર કરે છે, અને કૃતિમાં ઊંડે ને ઊંડે ઊતરીને તેનો તાગ લેવા મથે છે એ ખરું, પણ એમાં એની પરિસીમા અને અખંડિતતાનો સ્વીકાર રહ્યો જ છે. આધુનિક અધ્યયનોમાં કૃતિનાં ભિન્નભિન્ન અર્થઘટનોને સ્થાન છે અને કૃતિપાઠનાં અર્થો અને અર્થસાહચર્યો વાચકના ક્રીડારૂપ વાચનકાર્ય સાથે અનંતમાં વિસ્તરે છે. કૃતિવિવેચન, એક બાજુ, વિવેચકે કોઈ કૃતિના વાચનની ઉત્કટ ક્ષણોમાં જે રસાનુભવ(aesthetic experience) મેળવ્યો છે, તેની સાથે તંતોતંત અખિલાઈમાં અનુસન્ધાન જાળવી રાખવા માગે છે, બીજી બાજુ, અભ્યાસી વિવેચક કૃતિવિવેચનના ભાગ રૂપે કૃતિ અને કર્તા વિશે અનેકવિધ બાહ્ય માહિતી, સંશોધિત જ્ઞાનવિજ્ઞાન કે વિચારધારાઓ સાંકળતો રહે છે અને વિવેચનકાર્ય(critical act) અને વિવેચન પ્રક્રિયા (critical process) આ બે છેડાની વચ્ચે રેખાંકિત કરી શકાશે. કોઈ વિવેચક જ્યારે કૃતિના વાચનમાં એકદમ તલ્લીન બને છે ત્યારે તેના ચિત્તમાં માત્ર ‘ચર્વણા’ કે ‘આસ્વાદન’ની સૂક્ષ્મ પ્રક્રિયા ચાલે છે. આચાર્ય અભિનવે દર્શાવ્યું છે તેમ ચર્વણાની પરમ ઉત્કટ ક્ષણોમાં પ્રસ્તુત કળાપદાર્થ સિવાય અન્ય કશા વિષયનું જ્ઞાન ભાવકના ચિત્તમાં સંભવતું હોતું નથી. પ્રમેય અને પ્રમાતા એવી ક્ષણોમાં પરસ્પર લીન હોય છે. રસાનુભવની અલબત્ત, આ આદર્શ સ્થિતિ છે. આ ક્ષણે ભાવકની સમીક્ષક બુદ્ધિ કૃતિના વિશ્લેષણમાં પ્રવૃત્ત થતી નથી. કૃતિ પોતે જેવી છે તેવી તે પામવા ઝંખે છે. કૃતિને એની પોતાની પરિભાષામાં અને એની પોતાની શરતોએ સ્વીકારવાની આ વાત છે. પણ આસ્વાદનની પ્રક્રિયા સ્વયં વિવેચનકાર્ય નથી. આસ્વાદક્ષણની ચેતનાને અતિક્રમી વિવેચક કૃતિના એ સંકુલ સમૃદ્ધ અનુભવનો અહેવાલ આપવા સક્રિય બને છે, અને કૃતિ વિશે વિધાનો રજૂ કરે છે ત્યારે વિવેચનકાર્ય કે વિવેચનપ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો હોય છે. વિધાનોની રચના, કૃતિની પોતાની ભાષાથી, અલગ રીતની સંભવે છે. સાહિત્યકળા વિશેના સિદ્ધાન્તો એમાં પ્રેરક અને વિધાયક બની રહે છે. એનું વિભાવનાત્મક માળખું અલગ હોય છે. વિવેચનચિંતનની કોટિઓ અને પરિભાષાઓનો આગવો એવો ‘સેટ’ એમાં સક્રિય હોય છે. કૃતિના અનુભવવિશ્વથી જુદી ભૂમિકાનું આ વિચારતંત્ર કે જ્ઞાનતંત્ર છે. વિવેચનની પ્રવૃત્તિને પ્રગટપણે કે પ્રચ્છન્નપણે એવા કોઈ વિચારતંત્રનું આલંબન હોય છે કે એવા કોઈ કૃતિથી બહારના વિચારતંત્ર તરફનો ઝોક હોય. સાહિત્યશાસ્ત્ર કે કળામીમાંસાના દરેક સિદ્ધાન્ત આગવું તર્કસૂત્ર ધરાવે છે, આગવું વિચારતંત્ર ધરાવે છે. કૃતિવિવેચનની પ્રવૃત્તિ એવા કોઈ સિદ્ધાન્તને તેના વિચારતંત્રને અનુસરતી હોય છે. વિવેચનનું લક્ષ્ય, અંતે, કૃતિને કોઈ ને કોઈ વિચારધારાના પ્રકાશમાં વધુ ને વધુ સર્વગ્રાહી રૂપમાં ‘સમજતા’ જવાનું છે. સમજવાની આ પ્રવૃત્તિ જ કૃતિમાંના ‘અર્થ’ કે ‘વિચાર’ને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં અવલોકવા પ્રેરે છે. પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન રેને વેલેક વિવેચનની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે : criticism is conceptual knowledge, or aims at such knowledge. (વિવેચન એ વિભાવનાત્મક જ્ઞાન છે અથવા એવા જ્ઞાનને એ લક્ષ્ય કરે છે.) જાણીતા કળામીમાંસક મોનરો બિયર્ડઝલી વિવેચનની વ્યાખ્યા આ રીતે આપે છે : Statements about literary works are called literary criticism. (સાહિત્યકૃતિઓને વિષય કરીને થતાં વિધાનો ‘સાહિત્યિક વિવેચન’ કહેવાય છે. બીજા જાણીતા કળામીમાંસક મોરિસ વાયઝની વ્યાખ્યા છે : criticism is a form of studied discourse about works of art. It is a use of language primarily designed to facilitate and enrich the understanding of art (વિવેચન એ કળાકૃતિઓ વિશેના અધ્યયનપૂર્ણ ડિસ્કોર્સનું જ એકરૂપ છે. કળા વિશેની સમજણ સરળ અને સમૃદ્ધ બને એવા મૂળભૂત ઉદ્દેશથી થતો એ ભાષાનો ઉપયોગ છે.) કૃતિવિવેચનની અંતર્ગત આ રીતે અધ્યયન-પર્યેષણની પ્રવૃત્તિ સંકળાયેલી રહે છે.પણ એ આખી સંકુલ બહુસ્તરીય ઘટનામાં ‘વિવેચન’ અને ‘વિદ્વત્તા’ વચ્ચે સૂક્ષ્મ તાર્કિક ભેદ કરવાનું આવશ્યક બને છે. વિવેચન સંજ્ઞા નીચેનાં વિધાનો જ્યાં સુધી સાહિત્યિક પ્રક્રિયાને, તેની રૂપરચનાને, તેના રસાનુભવને અને તેમાંની વ્યંજનાને લક્ષ્ય કરે છે ત્યાં સુધી તે કૃતિના વિવેચનવિસ્તારમાં આવે છે. વિવેચક કૃતિ કે કર્તા નિમિત્તે રસવિશ્વની બહાર જઈ કોઈ માહિતીનું શોધન કરે કે વિચારધારાનો ઉદ્ભવ તપાસે કે કૃતિના પૂર્વકાલીન સંયોગોની ચર્ચા કરે ત્યારે વિદ્વત્તાભરી એ પ્રવૃત્તિનું અન્યથા મૂલ્ય હોય તો પણ એ શુદ્ધ વિવેચનપ્રક્રિયા નથી. વિવેચન અને વિદ્વત્તા વચ્ચેની ભેદરેખાનો પ્રશ્ન સંરચનાવાદ, અનુસંરચનાવાદ, વિરચનવાદ જેવી વિચારધારાઓ સાથે સંકળાયેલાં અધ્યયનો પરત્વે અતિ જટિલ બને છે. કૃતિવિવેચનની પ્રવૃત્તિ અતિ સંકુલ, અનેકસ્તરીય અને એકથી વધુ ઉદ્દેશવાળી રહી છે. સાહિત્યવિવેચકોએ કૃતિઓના જીવંત પ્રતિભાવોને અનુલક્ષીને જે કંઈ કહ્યું હોય તેનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરતાં જણાશે કે એમાં વર્ણન(description), વિશ્લેષણ(analysis), રસબોધ(aesthetic appreciation), અર્થસ્ફુટ(explication), અર્થવિવરણ(elucidation, exposition), ખુલાસો(explanation), ટીકા-ટિપ્પણી (commentaries), અર્થઘટન(interpretation), મૂલ્યાંકન (evaluation) વગેરે સૂક્ષ્મ વ્યાપારો ગૂંથાયા હોય છે. આ વ્યાપારો ઘણુંખરું પરસ્પરમાં સંકળાઈને પ્રવર્તતા હોય છે. કળામીમાંસકોએ મુખ્ય-ગૌણ એવા આ વ્યાપારોની તાત્ત્વિક તપાસ કરી મુખ્યત્વે ત્રણ વ્યાપારો અલગ રેખાંકિત કર્યા છે. (‚) કૃતિને લગતું વર્ણન(Description) (¸) કૃતિનું અર્થઘટન(Interpretation) (ˆÅ) કૃતિનું મૂલ્યાંકન (Evaluation). આ પૈકી ‘વર્ણન’ વ્યાપાર તે કૃતિમાં પડેલી નક્કર વિગતોનું, પુરાવાઓ આપીને નિશ્ચિતરૂપમાં દર્શાવી શકાય તેવી હકીકતોનું બયાન છે. કૃતિના વસ્તુલક્ષી સંદર્ભનો એમાં મૂળભૂત સ્વીકાર છે. કાવ્યરચનામાં છંદઅલંકારનું નામકરણ, વિભાજિત ખંડોની સંખ્યા, કથાસાહિત્યમાં પાત્રોના સ્થળકાળને લગતી સ્થૂળ વિગતો, પ્રકરણો/બનાવોનો ક્રમ, નાટકની દૃશ્યયોજના વગેરે વિગતોના વર્ણનને વિવેચનમાં અવકાશ છે. વર્ણનવ્યાપાર, દેખીતી રીતે જ, વિગતોના વિશ્લેષણનો આધાર લે છે. અર્થસ્ફુટ, અર્થવિવરણ અને ખુલાસા જેવા વ્યાપારો વર્ણનમાંથી અર્થઘટનમાં પ્રવેશી જતા હોય એમ જોવા મળશે. શુદ્ધ હકીકતના બયાન રૂપે વર્ણન ઘણી ઓછીવાર મળશે. કૃતિની મહત્તા/નિર્માલ્યતાના સંકેત આપતીમૂલ્યવાચક સંજ્ઞાઓ એમાં જોડાઈ જતી હોય છે. કૃતિના અર્થઘટનનો પ્રશ્ન ઘણો જટિલ અને વિવાદાસ્પદ રહ્યો છે. આમ જુઓતો, કૃતિને સમજવાની પ્રક્રિયારૂપે તે વિવેચનમાં સ્થાન લે છે. પણ ‘અર્થઘટન’ સાહિત્યકૃતિઓ પૂરતું સીમિત નથી. પશ્ચિમના વિદ્યાજગતમાં ઈશ્વરવિદ્યા(Theology) અને પવિત્ર ધર્મગ્રન્થો(sacred Religious Books)ના અર્થઘટનની વિશાળ પ્રવૃત્તિ ચાલી છે, અને અર્થઘટનશાસ્ત્ર(Hermeneutics)ની સ્વતંત્ર વિદ્યાશાખાય વિકસી છે. અર્થઘટનની એ પ્રવૃત્તિમાં પવિત્ર ગ્રન્થોનો જે કંઈ ગુહ્ય લોકોત્તર અર્થ અભિપ્રેત હોય તેને બુદ્ધિગ્રાહ્યરૂપમાં મૂકવાના પ્રયત્નો છે. સાહિત્યવિશ્વમાંય કૃતિના ગહન રહસ્યને સુગ્રાહ્ય કરવાને અર્થઘટનનો વિનિયોગ થાય છે. પણ અર્થઘટનની પ્રવૃત્તિ જુદા જુદા સ્તરે જુદા જુદા અંશને લક્ષે છે. પ્રાચીન/મધ્યકાલીન કૃતિઓના પાઠનિર્ણયમાં રોકાયેલો સંશોધક સંદિગ્ધ અને ક્લિષ્ટ શબ્દસમૂહને વ્યાકરણ, વ્યુત્પત્તિ, શબ્દાર્થવિજ્ઞાન, સમકાલીન સંસ્કૃતિ, અને સાહિત્યિક પ્રણાલિકાઓ આદિના પ્રકાશમાં અર્થઘટિત કરે છે, એ એક સ્તર; કવિતાનાં પ્રતીકો મિથો રૂપકગ્રંથિઓ આદિનું અર્થઘટન એ બીજો સ્તર; ટૂંકીવાર્તા નવલકથા પ્રકારની કૃતિઓમાં તેના ‘વર્ણ્યવિષય’(theme)નું; વસ્તુસંકલનાના રહસ્યનું, ચરિત્રોનાં કાર્યો વર્તનોનું અર્થઘટન એ ત્રીજો સ્તર; સામાજિક દર્શન, મનોવિશ્લેષણવાદ કે માર્ક્સવાદ જેવી વિશિષ્ટ વિચારધારાઓને અનુલક્ષીને થતું અર્થઘટન એ વળી ચોથો સ્તર – એમ અર્થઘટનની પ્રવૃત્તિ ઘણી વ્યાપક છે. આધુનિક વિવેચનમાં ‘પાઠ’(text)ની વિભાવના પ્રતિષ્ઠિત થઈ તે પછી વાચનક્રિયા act of reading સ્વયં કૃતિના અર્થઘટનની વ્યાપક પ્રક્રિયા છે. પરંપરાનિષ્ઠ વિવેચકો કર્તાને વિવક્ષિત, સ્થાયી અને અખિલ અર્થનો સ્વીકાર કરે છે. તેમને માટે અર્થઘટનની પ્રમાણભૂતતાના વિશેષ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જાણીતા કળામીમાંસક હર્શે અર્થઘટનની પ્રમાણભૂતતા અર્થે કર્તાના આશય(intention)ને ધોરણ તરીકે સ્વીકારવાની હિમાયત કરી છે; બીજી બાજુ આધુનિક વિચારધારાઓને વરેલા અભ્યાસીઓ કૃતિનાં એકથી વધુ અર્થઘટનોને આવકારે છે. જો કે વિદ્વાનોનો એક વર્ગ ‘અર્થઘટન’ની પ્રવૃત્તિનો અસ્વીકાર કરે છે. તેમના મતે કૃતિનો સમગ્ર સંકુલ અર્થ અર્થઘટનની પ્રવૃત્તિમાં reduction પામે છે. તેમનો આ મુદ્દો ફ્રોય્ડમાર્ક્સ આદિની વિચારધારાઓની પ્રેરણાથી થતા અર્થઘટન પૂરતો વાજબી ઠરે છે. કૃતિનું મૂલ્યાંકન કરવું, અર્થાત્, કૃતિ સારી(good) છે કે નરસી(bad), ચઢિયાતી(superior) છે કે ઊતરતી (inferior) એ રીતે નિર્ણય કરવો, ચુકાદો આપવો. અહીં કૃતિના પોતાના ‘અર્થ’ને પામવા ઉપરાંત વ્યાપક જીવનસંદર્ભમાં તેનું મહત્ત્વ(significance) કે મૂલ્ય(worth) નિશ્ચિત કરવાનું અપેક્ષિત છે. કૃતિમાં રજૂ થતો ભાવ, વિચાર કે અનુભવ માનવસમાજના વિકાસમાં કેટલો ઉપયોગી અને સમર્પક છે, બલકે નૈતિક-આધ્યાત્મિક દૃષ્ટિએ તે કેટલો શ્રેયસ્કર છે એનો નિર્ણય વિવેચકે કરવાનો છે. સાહિત્યની સાહિત્યિક ગુણવત્તા કે તેની રૂપરચનાની તપાસ પૂરતી નથી, જીવનને પોષક-સંવર્ધક એવું દર્શન એમાં રજૂ થયું છે કે કેમ તેનોય અહીં વિચાર કરવાનો છે. ટી. એસ. એલિયટ કહે છે તેમ, સાહિત્યકૃતિની મહાનતાનો નિર્ણય કેવળ સાહિત્યિક ધોરણો એ જ થઈ ન શકે. જો કે આપણે એ વાત પણ સ્મરણમાં રાખવી જોઈએ કે એ કૃતિ સાહિત્યિક બની છે કે કેમ તેનો નિર્ણય માત્ર સાહિત્યિક ધોરણોએ જ થઈ શકે. કૃતિવિવેચનના ઇતિહાસમાં કેટલીક મહાન ગણનાપાત્ર કૃતિઓ વિશે જુદી જુદી પેઢીના વિવેચકો દ્વારા થયેલાં મૂલ્યાંકનો જોતાં જણાશે કે વિશાળ જીવનદર્શન મૂલ્યતંત્ર કે વિશિષ્ટ વિચારધારાઓ એમાં ધોરણો અને કસોટીઓ રૂપે સ્વીકાર પામ્યાં છે. સાહિત્યિક ગુણદોષોની ચર્ચાઓ સાથે એ દર્શન મૂલ્યબોધ કે વિચારધારા કૃતિની મહત્તામાં નિર્ણાયક બને છે. જેમકે, ચેખવની પ્રસિદ્ધ ટૂંકી વાર્તા ‘વૉર્ડ નંબર છ’માં તત્કાલીન રશિયન સમાજની મનોરુગ્ણતાનું અનુકંપાભર્યું દર્શન, કાન્તના ‘વસંતવિજય’માં અસ્તિત્વના ગહન કરુણ સંઘર્ષનું અને અફર માનવનિયતિનું વેધક નિરૂપણ રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’માં ગહનઆધ્યાત્મિક જીવનનું શ્રદ્ધાસભર ગાન, ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’(૧-૪)માં પુનર્જાગૃતિકાળના ભારતના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રશ્નોનું વ્યાપક સર્વગ્રાહીદર્શન, ઉમાશંકરની ‘વિશ્વશાંતિ’માં વિશ્વજીવનની મૂળભૂત સંવાદિતાની સંપ્રજ્ઞતા પર વિશ્વશાંતિ અને માનવપ્રેમનું ગાન, એલિયટની કૃતિ – ‘ધ વેસ્ટ લેન્ડ’માં આધુનિક નગરસંસ્કૃતિની વંધ્યતા અને માનવસત્ત્વના હ્રાસનું ચિત્રણ, પન્નાલાલકૃત ‘માનવીની ભવાઈ’માં સામાજિક મનોવૈજ્ઞાનિક વાસ્તવનું અતિકઠોર, સચ્ચાઈભર્યું દર્શન, ફણીશ્વરનાથ રેણુની ‘મૈલા આંચલ’માં બિહારના એક ખૂણાના આંચલિક જીવનનું વ્યાપક, ગહન સ્તરનું દર્શન – એ રીતે જુદી જુદી કૃતિઓનાં મૂલ્યાંકન અર્થે જુદાં જુદાં ધોરણો કે કસોટીઓ લાગુ પાડવામાં આવ્યાં છે. એકની એક કૃતિની મહત્તા આંકતી વેળા જુદા જુદા વિવેચકોએ જુદાં જુદાં ધોરણો/કસોટીઓ આગળ ધરી હોય એમ જોવા મળશે. ‘વિવેચન’(criticism) અને ‘મૂલ્યાંકન’(evaluation) એ બે ખ્યાલો વચ્ચે આથી, સૂક્ષ્મ ભેદ કરવાનો, રહે છે. શેક્સ્પીયરની પ્રસિદ્ધ નાટ્યકૃતિ ‘હેમ્લેટ’ એક મહાન કૃતિ છે એવો વ્યાપક નિર્ણય તો એના નિર્ણય પછી થોડાક દાયકામાં જ બંધાઈ ચૂક્યો હતો, અર્થાત્ એની મહત્તાનો અંદાજ નક્કી થઈ ચૂક્યો હતો. પણ એ મહત્તાની ખોજમાં પેઢી દર પેઢી અસંખ્ય અભ્યાસીઓએ જુદા જુદા સિદ્ધાન્તો અને જુદાં જુદાં ધોરણો લઈ આગવી આગવી દૃષ્ટિએ પ્રતિપાદન કર્યું છે, સમર્થન કર્યું છે. તાજેતરના દાયકાઓમાં સૌન્દર્યમીમાંસા(Aesthtics)ના અધ્યયન ક્ષેત્રમાં ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’(philosophy of criticism) નામની વિશેષ વિદ્યાશાખા વિકસતી રહી છે. એમાં કૃતિવિવેચનમાં સાહિત્યવિવેચકો દ્વારા પ્રયોજાતી રહેલી ભાષાનું તાત્ત્વિક વિશ્લેષણ હાથ ધરવામાં આવે છે. વિવેચનની અંતર્ગત વર્ણન, વિશ્લેષણ અને મૂલ્યાંકન રજૂ કરતાં ભાષાકીય વિધાનોની તાર્કિક પ્રમાણભૂતતા અને સંગતિના પ્રશ્નો એમાં કેન્દ્રસ્થાને આવ્યા છે. ખાસ તો વિવેચનના મતભેદો(criticaldisagreement)ના તાત્ત્વિક પ્રશ્નોની તપાસમાં તેમને ઊંડો રસ રહ્યો છે. એ નિમિત્તે વિવેચનની ભાષામાં યોજાતી મુખ્યગૌણ વિભાવનાઓ, સંજ્ઞાઓ, કોટિઓ અને એ સર્વની પાછળ રહેલાં ગૃહીતોની તાર્કિક ખોજ એમાં કેન્દ્રસ્થાને છે. પ્ર.પ.