ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વેઈટીંગ ફોર ગોદો
વેઇટીંગ ફૉર ગૉદો : રંગભૂમિનો અવકાશ, નાટ્યાત્મક કથાનક અને પ્રતીકસૃષ્ટિ, એ, સમગ્ર પરિભાષામાં આમૂલ પરિવર્તન લાવનાર ‘થીએટર ઑફ ધ ઍબ્સર્ડ’ તરીકે જાણીતી થયેલી નાટ્યરીતિના પ્રમુખ સર્જક સેમ્યુઅલ બેકિટ(૧૯૦૬-)ની ૧૯૫૨માં મૂળ ફ્રેન્ચમાં અને પછી ૧૯૫૩માં ઇંગ્લિશમાં કેમ્બ્રિજમાં રજૂ થયેલી પ્રસિદ્ધ નાટ્યકૃતિ. નાટકના કેન્દ્રમાં રહેલા એસ્ટ્રેગોન અને લાદિમિર નામના બે રખડુઓ એક ગૉડો નામની ત્રીજી રહસ્યમય વ્યક્તિ અથવા કહો કે હસ્તિની રાહ જોતા ઊભા છે. તેમની આ રાહ જોવાની અવસ્થા નાટકનું વસ્તુવિષય છે. એ બે જણા ઊભા ઊભા એ જ વાત ચર્ચતા રહે છે : ગૉડૉ આવશે? આવશે તો ક્યાં આવશે? ક્યારે, કયે સમયે આવશે? આમ રાહ જોવામાં એ બે જણા શબ્દરમત, સવાલ-જવાબ, એમ વિવિધ ચાપલ્યયુક્ત સંવાદોમાં સમય પસાર કરે છે. વચમાં વળી, એક બીજું પાત્ર-યુગ્મ પ્રવેશે છે, તે છે પોત્ઝો અને લકી. પોત્ઝો શેઠ છે, બોસ છે અને લકીને કાંઠલે દોરડું બાંધી તેને ચાબુક ફટકારતો ધકેલતો રહે છે. નાટકના બે અંકો છે અને દરેક અંકને અંતે એક છોકરો આવી જાહેર કરે છે કે ગૉડો, જેની રાહ જોવામાં આવી રહી છે, તે આવવામાં છે. પણ ગૉડો આવતા તો નથી જ. ‘તો ચાલો જઈશું?’ ‘જઈએ, ચાલો’, – એમ બે પાત્રો બોલે છે, પણ અહીં કોઈ જતું નથી કે નથી કોઈ આવતું. પરિસ્થિતિ એની એ જ રહે છે. આમ નાટકમાં નિરૂપાયેલી સ્થગિતતા, સ્તબ્ધતા, એક પ્રકારની નિશ્ચેષ્ટતા, એ માનવસમસ્તની વૈશ્વિક પરિસ્થિતિનું પ્રતીક બની રહી, આ કૃતિને વીસમી સદીની સમગ્ર વિટંબણાનું દર્શન કરાવતી અત્યંત પ્રભાવશાળી નાટ્યકૃતિ તરીકે સ્થાન અપાવે છે. તેના મૂળમાં બેકિટની તખ્તાની ભાષા, દૃશ્ય તેમજ શ્રાવ્ય, તે પરનો ચરમરૂપનો કાબુ છે. નાટકે નાટકે અનેક રીતે અર્થઘટનો જોયાં છે, પણ આરંભથી અંત સુધી તે મુખ્યત : એક નીવડેલું નાટક બની રહે છે. તે જ તેના સામર્થ્યનો ખુલાસો છે. દિ.મ.