ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શબ્દાનુશાસન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



શબ્દાનુશાસન : ગુજરાત પાસે પોતાનો વ્યાકરણગ્રન્થ ન હોવાથી, ક્ષતિપૂર્તિ કરવા માટે, માલવા પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યા પછી ભોજરાજરચિત વ્યાકરણના ગ્રન્થ જેવો ગ્રન્થ રચવા સિદ્ધરાજ જયસિંહે મુનિશ્રી હેમચન્દ્રાચાર્યને પ્રેર્યા અને તેનું પરિણામ તે શબ્દાનુશાસન. આ ગ્રન્થ આઠ અધ્યાયમાં વહેંચાયેલો છે. છેલ્લો આઠમો અધ્યાય પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વ્યાકરણની ચર્ચા કરે છે. કુલ સૂત્રોની સંખ્યા ૪૬૮૫ છે, અને પ્રાકૃત-અપભ્રંશનાં ૧૧૧૯ સૂત્રો બાદ કરતાં, સંસ્કૃત વ્યાકરણનાં ૩૫૫૬ સૂત્રો છે. વ્યાકરણનાં પાંચ અંગો ૧, સૂત્રપાઠ ૨, ઉણાદિગણસૂત્ર ૩, લિંગાનુશાસન ૪, ધાતુપારાયણ અને ૫, ગણપાઠની રચના હેમચંદ્રાચાર્યે કરી છે. જ્ઞાન મેળવવા ઇચ્છનારને વિષયવસ્તુનું સરળતાથી અવગમન થાય તે આ વ્યાકરણનો ઉદ્દેશ છે. શબ્દાનુશાસન પર શાકટાયનના વ્યાકરણની ઊંડી અસર છે. આ ગ્રન્થ પર હેમચન્દ્રાચાર્યે સ્વરચિત સ્વોપજ્ઞ લઘુવૃત્તિ અને બૃહદ્વૃત્તિ પણ રચ્યાં છે. વિ.પં.