ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શાક્તસંપ્રદાય
શાક્તસંપ્રદાય : પરમતત્ત્વ/પરમેશ્વરના સ્ત્રીરૂપ શક્તિથી જ જગતની ઉત્પત્તિ માની તેની ઉપાસના કરનાર શાક્તોનો સંપ્રદાય, જેના ધર્મતત્ત્વજ્ઞાનને શાક્તપંથ/શાક્તમત પણ કહેવામાં આવે છે. શક્તિનાં મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી એ ત્રણ સ્વરૂપ ઉપરાંત દુર્ગા, ત્રિપુરસુંદરી, લલિતા, મહાભૈરવી, આનંદભૈરવી વગેરે અનેક નામોથી; બાલાસુંદરી અને કાલી વગેરે રૂપોથી ઓળખાતી શક્તિની ત્રણ ઉપાસના પદ્ધતિ : ૧, સામાન્ય શિષ્ટ પદ્ધતિ – અન્ય દેવતા પ્રમાણે ષોડશોપચારાદિથી જપ, ધ્યાન, હોમ સાથેની પૂજા ૨, ભયાનક પદ્ધતિમાં પ્રાચીનકાળમાં નરબલિ, પાછળથી પશુબલિ આવશ્યક મનાયો, જેનો સંબંધ કાપાલિક, કાલામુખ અથવા ઉગ્ર શૈવો સાથે છે. ૩, ભાવાત્મક પદ્ધતિ ઉપાસક ઉપાસ્ય સાથે તાદાત્મ્ય સ્થાપિત કરે છે. મોટે ભાગે આ ઉપાસકોને જ શાક્ત અને પહેલા-બીજા વર્ગને અનુક્રમે સ્માર્ત અને શૈવ કહેવામાં આવતા. પંથમાં શિવ, શક્તિની ઉપાસના, યોગનો પરસ્પર સંબંધ અવિભાજ્ય છે. ‘ઉપાસનાનો મુખ્ય આધાર શબ્દતત્ત્વ ઉપર હોવાથી શાસ્ત્રોમાં મુખ્ય સાધનામાં મંત્ર જે દ્વારા કરવામાં આવતી ઉપાસનામાં –’ પટલ, પદ્ધતિ, વર્મ (કવચ), નામસહસ્ર અને સ્તોત્ર એવાં પાંચ અંગો જેને ‘અંતર્યાગ (દેવીનું આંતરચિંતન) કહે છે. જપ, હોમ, તર્પણ, માર્જન, બ્રહ્મભોજન એવાં પાંચ ઉપાંગો, જેને બહિર્યાગ (દેવીનું બાહ્ય અર્ચન) કહે છે. સાધકોના ત્રણ પ્રકાર – ૧, પશુ અધિકારી-આસુરભાવ નિવૃત્ત થયો નથી અને જેમનાં કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને મત્સર એ છ પશુધર્મો વિમલવિધિ વડે પકવી શકાય એવા. ૨, વીર અધિકારી -વીરનો ભાવ, વીર્ય બળવાન છે અને શક્તિ સંગમ થવાથી જેમનું સ્વાભાવિક શૌર્ય ઝળકી ઊઠે છે તેવા. ૩, કામાદિ દોષોનો લય પામેલા. સાંખ્યની પરિભાષામાં તેમને તામસ રાજસ અને સાત્ત્વિક, વેદાન્તની પરિભાષામાં કનિષ્ક, મધ્યમ ને ઉત્તમ કહેવામાં આવે છે. શાક્તોના મુખ્ય ભેદ આ પ્રમાણે છે : ૧, દક્ષિણાચારી. ૨, વામી. ૩ કાનચેલિયા. ૪, કરારી. ૫, અઘોરી. ૬, ગાણપત્ય. ૭, સૌરપત્યા. ૮, નાનકપંથી. ૯, બાબાલાલી. ૧૦, પ્રાણનાથી. ૧૧, સાધ. ૧૨, સંતનામી. ૧૩, શિવનારાયણી. ૧૪, શૂન્યવાદી. વૈદિક, વૈષ્ણવ, શૈવ, દક્ષિણ, વામ, સિદ્ધાન્ત અને કૌલ એવા સાત ભેદો તંત્રોમાં આવે છે પરંતુ આ સાતેનો ત્રણમાં સમાસ લક્ષ્મીધર પંડિત કરે છે. ૧, દક્ષિણ અથવા સામયિક ૨, વામ અથવા કૌલ અને ૩, મિશ્ર એટલે દક્ષિણ અને વામ માર્ગનું સંમિશ્રણ. પંચમકારના દિવ્ય અધિકારીના નિયમ પ્રમાણે વર્તનારા દક્ષિણમાર્ગી શાક્તો સામયિક, શિવશક્તિનું સામ્ય-સમરસપણું ચાર પ્રકારે સાધે છે. ૧, પિંડનું અને બ્રહ્માંડનું તે તે કેન્દ્રો દ્વારા ઐક્ય. ૨, લિંગ શરીર અને બ્રહ્માંડના સૂત્રાત્માના શરીરનું ઐક્ય. ૩, કારણ શરીર અને અવ્યક્તાકૃતથી રંગાયેલા ઈશ્વરનાં શરીરનું ઐક્ય. ૪, શુદ્ધ ક્ષેત્રજ્ઞ અથવા સાક્ષી આત્માનું પરમાત્મચૈતન્ય સાથે ઐક્ય. શક્તિસંપ્રદાયના મલિન અંશો દૂર કરી ચિચ્છક્તિની આ ચાર પ્રકારના સામ્યને પ્રકટ કરનારી સામયિક ઉપાસના શંકરાચાર્યે સ્થાપન કર્યાનું સમજાય છે. શાંકર અદ્ધૈતદર્શનની પીઠમાં એટલે વેદાન્તમાં શક્તિવાદ છે તે ઉપરાંત શૈવદર્શનમાં પણ ચિન્મયી શક્તિનો વાદ સ્વીકારાયો છે. શિવ અને શક્તિ એ અવિનાભાવવાળાં પ્રકાશ અને વિમર્શરૂપ તત્વો છે. જ્યારે પ્રકાશને/જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે ઉપાસક શૈવ અને વિમર્શને અથવા આત્મભાન કરાવનાર ક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે શાક્ત કહેવાય. બીજા પ્રકારના વામમાર્ગીઓ પ્રસિદ્ધ પંચમકારનું સેવન સ્થૂલ રૂપમાં કરે છે. શંકરાચાર્યના સમયમાં શાક્તમતનાં ત્રણ રૂપો પ્રચલિત હતાં. ૧, કૌલમત. ૨, મિશ્રમત. ૩, સામયિક મત. ત્રણે મતમાં અદ્ધૈતવાદ ઇષ્ટ છે પરંતુ ઉપાસના પ્રકારમાં, દ્રવ્યાદિ પૂજનસામગ્રીમાં ભેદ છે. ભગવતીના સ્થૂલ સૂક્ષ્મ અને પર રૂપને લક્ષમાં લઈ અધિકારીમાં ચિત્તના પશુ, વીર અને દિવ્ય એવા ભેદને લક્ષમાં લઈ શાક્ત આગમોના ત્રણ વ્યૂહો બંધાયા છે. પશુ અધિકારમાં ૬૪ કુલાગમો, વીર અધિકારના આઠ અને દિવ્ય અધિકારના પાંચ શુભાગમો છે. તેના દિવ્ય અધિકારને ઉપયોગી થાય તેવા પાંચ શુભાગમો શુક્ર, શનક, સનંદન, સનાતાન અને વશિષ્ઠમુનિથી પ્રબોધાયેલી સંહિતામાં છે અને તે પાંચ સંહિતા ઉપર ભગવતીની સામયિક ઉપાસનાની પદ્ધતિ રચવામાં આવી છે. હાલના જમાનામાં કૌલમતને વામાચારી અને સામયિકને દક્ષિણાચારી કહે છે. મિશ્રમત લોપામુદ્રાથી પ્રચલિત થયો મનાય છે. સંપ્રદાયમાં ધર્મનું સર્વોત્તમ ચિંતન અને અનુષ્ઠાન શ્રીવિદ્યામાં હોય છે. શક્તિપાતદીક્ષાવિધિનો સ્વીકાર છે. સ્ત્રીને ધર્મસિદ્ધિમાં પરમ સહાયક માનવામાં આવે છે. સઘળી સ્ત્રીઓ ભગવતીની મૂર્તિઓ સઘળી વિદ્યાઓ ભગવતીનાં રૂપો છે. સિદ્ધાન્તમાં અદ્ધૈતદર્શનને સ્વીકારે છે તો પણ દ્વૈતને તે તદ્દન મિથ્યા માનનાર નથી. સંપ્રદાયનું વિપુલ સાહિત્ય વેદની મંત્રસંહિતા બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદો, વ્યાકરણાદિ અંગો, સૂત્રો, આગમો, તંત્રો, નિબંધો અને પુરાણોમાં જોવામાં આવે છે. મંત્રની વાચકશક્તિ મંત્રની વાચ્યદેવતાને પ્રકાશિત કરે એ શાક્ત સાધનાનું પ્રયોજન છે. ચૈતન્યશક્તિની વ્યાપકતાને કારણે એ સાધકને પોતાના ભાવ પ્રમાણેના રૂપવાળી પ્રતીત થાય છે. આરાસુર, પાવાગઢ, ગિરનાર, અનસૂયાજી, ચૂંવાળ વગેરે ગુજરાતનાં મુખ્ય શાક્ત પીઠો છે. ગુજરાતમાં શાક્તપૂજા ઘણી જૂની છતાં ગુજરાતી ભાષામાં એ સંપ્રદાયના સિદ્ધાન્તોને જણાવતું સાહિત્ય પ્રકટ થયું નથી. જે કંઈ સંપ્રદાયને લગતું ગુજરાતી ભાષામાં સાહિત્ય છે તે માત્ર ભક્તિપ્રધાન છે. તેમાં દેવીનાં અનેક રૂપોની સ્તુતિ કરવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં દેવીભક્તિનું સાહિત્યસર્જન કરનારા નાથભવાન, વલ્લભધોળા, હરગોવન, પ્રેમાનંદ, ભોળા-નાથભાઈ, મીઠુ (મહારાજ), બાઈ જની (મીઠુની શિષ્યા), કવિબાલ, અને જેમના પોતાના તાત્ત્વિક નિર્ણયો કેટલેક અંશે શાક્ત સિદ્ધાન્તના પોષક સમર્થક છે એવા શ્રીમન નૃસિંહાચાર્યજી, રણછોડજી દીવાન વગેરે મુખ્ય છે. મૂળ વેદથી માંડી હાલના ગુજરાતી સાહિત્ય પર્યંત જ્યાં જ્યાં શક્તિવાદનું ચિંતન છે તે જોતાં સમજાય છે કે હિન્દુધર્મના અનેક સંપ્રદાયોમાં -પંથોમાં શક્તિવાદ ગૂંથાયેલો છે. હિંદુધર્મની પ્રાણનાડી કહીએ તો તે શક્તિના સ્વીકારમાં છે. જેમાં પૌરુષભાવથી દેવનું યજન-પૂજન થાય છે. ત્યાં પણ તે તે દેવની અર્ધાંગનારૂપે શક્તિનો સ્વીકાર છે. બૌદ્ધ ધર્મમાં, જૈનધર્મમાં શક્તિવાદનો ન્યૂનાધિક અંશે સ્વીકાર છે. દે.જો.