ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સમાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાહિત્ય અને સમાજ : સાહિત્ય અને સમાજના સંબંધો વૈવિધ્યપૂર્ણ અને સંકુલ છે. કોઈ સર્જક સાહિત્યકૃતિમાં સમાજને તિરસ્કારે છે તો કોઈ પુરસ્કારે છે. પરંતુ કોઈપણ સાહિત્યકાર સમાજને સંપૂર્ણ રીતે અવગણી શકે નહીં. સમાજથી સાહિત્યનો પૂરેપૂરો વિચ્છેદ શક્ય નથી કેમકે નિતાન્ત વ્યક્તિજીવન અસંભવિત છે. વ્યક્તિ માટે સમાજજીવન અનિવાર્ય છે અને સાહિત્યકાર સમાજમાં જ જન્મે છે અને જીવે છે. આમ સાહિત્ય અને સમાજનો સંબંધ ગાઢ છે. સાહિત્ય અને સમાજના આ સંબંધને ત્રિસ્તરીય ભૂમિકાએ સમજી શકાય. એક તો સાહિત્યકાર જે ભાષામાં લખે છે તે સમાજમાંથી ઉદ્ભવેલી છે. સમાજની પરંપરા, સંસ્કૃતિનું પ્રતિબિંબ આ ભાષા દ્વારા પ્રગટ થાય છે. લાક્ષણિક શબ્દપ્રયોગો, પ્રતીકો, પુરાકલ્પનો, કહેવતો, છંદ જેવાં સાહિત્યિક ઉપકરણો એને સમાજ કે પરંપરા પાસેથી પ્રાપ્ત થાય છે. ઉપરાંત સાહિત્યકારે ઉપયોગમાં લીધેલી ભાષામાં ભૌગોલિક અને સામાજિક પરિબળો તેમજ જુદા જુદા સામાજિક સ્તર પણ વ્યક્ત થતાં હોય છે. આમ સાહિત્યનું ઉપાદાન એવી ભાષાની દૃષ્ટિએ જોઈએ તો સાહિત્ય સમાજ સાથે અકાટ્ય રીતે સંબંધિત છે. બીજું, સાહિત્યકાર જે સમાજમાં, જે સંસ્કૃતિમાં જીવે છે તેને તે પોતાની કૃતિમાં કોઈ ને કોઈ રૂપે પ્રતિબિંબિત કરે છે. એટલેકે સાહિત્યકાર એની સામગ્રી સામાજિક જીવનમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેળવતો હોય છે. તત્કાલીન સમયના શાસકવર્ગનો પ્રભાવ પણ એમાં અછતો નથી રહેતો. સાહિત્યકાર હંમેશાં પોતાના આશ્રયદાતાની કે પ્રજાની માગણીઓને જ અધીન રહે એમ ન કહી શકાય, પણ રાજકીય વિચારસરણીઓ નિહિતપણે ચાલકબળ બની રહેતી હોય છે. આમાં માર્ક્સવાદી વિચારસરણી પ્રમુખપણે સક્રિય રહી છે. માર્ક્સના કહેવા પ્રમાણે સમગ્ર માનવસમાજ આર્થિક સંઘર્ષોથી પ્રેરિત છે, અને મૂડીવાદી સમાજને બદલવા માટે પદાર્થને મૂલ્ય પ્રદાન કરવાની ક્ષમતા માત્ર શ્રમમાં છે. માર્ક્સે શ્રમજીવીઓનું મૂલ્ય કર્યું અને પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થામાં ક્રાન્તિ સૂચવી. આ સમાજવાદનો પ્રભાવ અનિવાર્યપણે ઘણી ભાષાનાં સાહિત્યો પર પડેલો અનુભવાય છે. વળી, સાહિત્યપરિષદો, સાહિત્યમંડળો, વિદ્યાસભાઓ, પ્રકાશક સંસ્થાઓ, સાહિત્યઅકાદમીઓ, પરિસંવાદો, ગોષ્ઠીઓ જેવી સામાજિકસાહિત્યિક સંસ્થાઓ અને પ્રક્રિયાઓની પણ અસર સર્જક તેમજ ભાવક પક્ષે નથી થતી એવું નથી. તો સાહિત્યકારનો સામાજિક મોભો અને તેની વિચારધારા પણ કેટલેક અંશે સાહિત્ય ઉપર અસરકર્તા બને છે. ત્રીજું, સમાજ પણ સાહિત્યથી પ્રભાવિત થાય છે. સામાજિક સુધારા, રાષ્ટ્રીયભાવના, ધાર્મિક ભાવના, રાજકીય વિચારસરણીઓ વગેરે સાહિત્યમાં પ્રતિબિંબિત થાય છે અને એનાથી ચોક્કસપણે પ્રજારુચિ ઘડાય છે. સાહિત્યનાં અનેક પ્રયોજનોમાં આનંદનું પ્રયોજન મૌલિભૂત પ્રયોજન છે છતાં સાહિત્યની બોધનશક્તિને અવગણી શકાય તેમ નથી. સાહિત્યિક વિચારધારાઓ અને નિરૂપ્ય વિષયો અમુક પ્રમાણમાં સામાજિક સંજોગો પર અલબત્ત અવલંબિત છે, પણ સાહિત્યમાં સમાજ વ્યાપકપણે અને અનેક સ્તરે સંડોવાતો હોવા છતાં સાહિત્યની સાહિત્યિકતા સર્વોપરી છે, કેમ કે સાહિત્ય એ આખરે તો કલા છે એ કાંઈ સમાજનો દસ્તાવેજ નથી. ઉત્તમ સાહિત્ય કલાતત્ત્વને બાજુએ રાખી સમાજાધીન થઈ શકે નહીં. સાહિત્યની કલાકીય ગુણવત્તાના નિયામક પરિબળ તરીકે સમાજ નહીં પણ સૌન્દર્યદૃષ્ટિ, કલાદૃષ્ટિ, રસદૃષ્ટિ જ હોઈ શકે, એમાં બેમત ન હોઈ શકે સાહિત્ય સમાજને નિભાવવા કે બદલવાનું ઉપકરણ નથી. સામાજિક સામગ્રી અને સમાજદત્ત ભાષાનું રૂપાન્તર ઉત્તમ સાહિત્યમાં અવિભાજ્યપણે હાજર હોય છે. ઈ.ના.