ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સેન્સરશીપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાહિત્ય અને સેન્સરશીપ : અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને રૂંધવા માટે શાસકો હંમેશાં જાતજાતના પેંતરા કરતા રહ્યા છે, અને સેન્સરશીપ આવું એક હાથવગું હથિયાર છે. એનો ઉપયોગ પત્રકારત્વ ઉપરાંત સાહિત્યક્ષેત્રે પણ થતો રહ્યો છે. પણ, સેન્સરશીપ માત્ર રાજકીય કારણોસર જ આવે છે એવું નથી ધાર્મિક લાગણીને નામે પણ સર્જકના સ્વાતંત્ર્ય ઉપર તરાપ આવે છે. સલમાન રશદીના પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ પરનો પ્રતિબંધ એનું અદ્યતન ઉદાહરણ છે. એક જમાનામાં મતસ્વાતંત્ર્યને ડામવા માટે મધ્યયુગીન પદ્ધતિઓ અપનાવવામાં આવતી. સંદેશાઓને રોકી દેવા, પુસ્તકને છપાવા જ ન દેવું, પ્રેસ ઉપર દરોડો પાડવો, અને મોટી રકમના દંડ કરવા, લેખકને કોઈ ને કોઈ સાચાખોટા આરોપસર જેલમાં પૂરી દેવા, આ બધા તરીકાઓ અજમાવાતા. આજે સુધરેલા માર્ગોએ પણ દમન થાય જ છે. અને આવી અસહિષ્ણુતા એશિયા અને આફ્રિકાના દેશોમાં વધુ જોવા મળે છે. જ્હોન હોહેનઅર્ગના મત મુજબ ‘વિશ્વના ત્રણ-ચતુર્થાંશ હિસ્સામાં એક યા બીજા પ્રકારની સેન્સરશીપ આજેય અસ્તિત્વમાં છે. યુરોપના દેશો પ્રમાણમાં વધુ સહિષ્ણુ બન્યા છે, પણ દમનવૃત્તિ છેક નાબૂદ નથી થઈ, ડી. એચ. લોરેન્સની નવલ ‘લેડી ચેટર્લિસ લવર’ ઉપર એક જમાનામાં અનેક દેશોએ પ્રતિબંધ મૂકેલો. આપણે ત્યાં પ્રતિબંધિત પુસ્તકોની યાદી આજે પણ ઘણી મોટી છે. ક્યારેક સીધો પ્રતિબંધ મુશ્કેલ હોય ત્યારે વિદેશથી આયાત થતા પુસ્તકને કસ્ટમ કાનૂન હેઠળ જપ્ત કરી લેવાય છે. શાસન જ્યારે ‘સત્ય’નું સત્તાવાર રીતે અર્થઘટન કરે છે એ અને એનું બિનસત્તાવાર સત્ય જુદું હોય છે, ત્યારે એ પોતાના ‘સત્ય’ને લાદવા માટે સેન્સરશીપનો ઉપયોગ કરે છે. યુરોપમાં ધર્મસુધારણાના યુગમાં જ મુદ્રણમાધ્યમ સત્તાને પડકારવામાં કેવું સબળ હથિયાર બની શકે છે, એનો ખ્યાલ આવી ગયેલો, અને ત્યારથી જ, સેન્સરશીપનો ઉપયોગ શરૂ થયો હોવાનું કહેવાય છે. જો કે, એ પહેલાં પ્લેટોએ કવિતા અને કાલ્પનિક સાહિત્ય વાસ્તવિકતા રજૂ કરતાં નથી, એમ કહીને કવિઓને હાંકી કાઢવાની હિમાયત કરી હતી. પણ, આજના યુગમાં સાહિત્ય તરફ આવી સૂગ કોઈ નથી સેવતું; પણ શાસકો જ્યારે પોતાની સત્તા જોખમમાં આવે અથવા પ્રજાના કોઈ વર્ગનો ટેકો ગુમાવવાની એમને ભીતિ લાગે ત્યારે સાહિત્ય અને પત્રકારત્વ ઉપર સેન્સરશીપનું હથિયાર ઉગામે છે. યુનોની માનવ-અધિકારોની ઘોષણાની કલમ ૧૯ અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યના અધિકાર ઉપર ભાર મૂકે છે. “ઇન્ડેક્સ ઓન સેન્સરસીપ’ જેવી સંસ્થાઓ વૈશ્વિક સ્તરે સેન્સરશીપ અને દમનનો સામનો કરે છે, અને આવા કિસ્સાઓને બહાર લાવે છે. રશિયામાં સોલ્ઝેનિત્સિન જેવા સાહિત્યકાર પર થયેલા દમનની કથા જાણીતી છે. અલબત્ત, સુરુચિ અને સભ્યતાનો ભંગ કરનારી અશ્લીલકૃતિઓ સામેના અંકુશ હજી મોટાભાગના દેશોમાં માન્ય ગણાય છે, પણ, અશ્લીલતા અને સુરુચિનાં ધોરણો પણ એટલાં સાપેક્ષ છે કે એની ચોક્કસ વ્યાખ્યા ઘડવાનું મુશ્કેલ છે. યા.દ.