ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સિંહાસન દ્વાત્રિંશિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સિંહાસન દ્વાત્રિંશિકા : ઇન્દ્ર દ્વારા રાજા વિક્રમાદિત્યને ભેટ મળેલા સિંહાસનને ચમત્કારી ટીંબામાંથી મેળવીને રાજા ભોજ જ્યારે જ્યારે એના પર બેસવાનો પ્રયત્ન કરે છે ત્યારે ત્યારે સિંહાસન પર જડેલી ૩૨માંની એક પૂતળી ભોજને, તેના પ્રતાપી પૂર્વજ વીર વિક્રમના પરદુઃખભંજક પરાક્રમોનો એકએક પ્રસંગ કહી સંભળાવી, તેના જેવા ગુણવાનનો જ તેના પર બેસવાનો અધિકાર છે, એમ કહીને આકાશમાં ઊડી જાય છે, આ પ્રમાણે ૩૨ વાર્તાઓનું સંકલન થયેલું છે. દક્ષિણભારતમાં આ વાર્તાઓ વિક્રમચરિત્ર તરીકે જાણીતી છે. આ વાર્તાઓનું પ્રયોજન વિક્રમ મહિમાનું છે અને તેનો પ્રધાનરસ અદ્ભુત છે. બહુરંગી માનવ અને માનવેતર પાત્રસૃષ્ટિની સાથે મંત્રતંત્ર, અઘોરસાધના, પાતાળગમન, આકાશવિહાર, અદર્શનવિદ્યા, મૃતસંજીવની, પરકાયાપ્રવેશ, જાદૂઈ દંડ વગેરે ચમત્કારો દર્શાવતાં કલ્પનો અને સમસ્યાચાતુરીથી ભાવક મુગ્ધ થઈને વાર્તારસમાં નિમગ્ન બની જાય છે. સિંહાસન દ્વાત્રિંશિકા વિશે, કવિ ક્ષેમંકરનું ગ્રન્થાગ્રપ્રમાણ ૧૧૦૦નું સંસ્કૃત કાવ્ય, કવિ સમયસુંદરની સંસ્કૃત ગદ્યકથા, સિદ્ધસેન દિવાકર અને એક અજ્ઞાત કવિની કૃતિઓ મળે છે. દેવમૂર્તિકૃત વિક્રમચરિત્રના ચૌદમા સર્ગમાં સિંહાસન દ્વાત્રિંશિકા-ની કથા છે. જૂની ગુજરાતીમાં મલયચંદ્રની ચોપાઈબંધ ૩૭૪ કડીની સિંહાસનબત્રીસી (૧૪૬૩) ઉપલબ્ધ થાય છે. શામળ ભટ્ટની સિંહાસનબત્રીસી (૧૬૨૧-’૨૯)ની કથા તેના કલ્પનામય અદ્ભુત રસને કારણે અત્યંત લોકપ્રિય બનેલી છે. કવિ જ્ઞાનચંદ્રે ત્રણ ખંડ અને ૧૦૩૪ કડીની સિંહાસન-બત્રીસી ચોપાઈ નામનું કાવ્ય રચ્યું છે. અન્ય જૈન અને બ્રાહ્મણકવિઓએ સિંહાસન દ્વાત્રિંશિકા વિશે અનેક પદ્યવાર્તાઓ રચી છે. નિ.વો.