ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હૃદયદર્પણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હૃદયદર્પણ : ભટ્ટ નાયકનો નવમી કે દશમી સદી વચ્ચેનો સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો ગ્રન્થ. એ ઉપલબ્ધ થયો નથી પરંતુ ‘અભિનવ-ભારતી’, ‘વ્યક્તિવિવેક’, ‘કાવ્યપ્રકાશ’, ‘કાવ્યાનુશાસન’ વગેરે ગ્રન્થોમાં એનાં ઉદ્ધરણો મળે છે. અહીં ધ્વનિસિદ્ધાન્તના નિર્મૂલન માટે રચાયેલો એમનો રસ-સિદ્ધાન્તવિષયક ભુક્તિવાદ શબ્દની ત્રણ શક્તિઓ વર્ણવે છે : અભિધા; ભાવકત્વ; ભોજકત્વ. પહેલી શક્તિ શાસ્ત્રસંમત છે. જ્યારે બીજી શક્તિ દ્વારા વ્યક્તિવિશેષ સંદર્ભથી ખસેડીને સર્વસામાન્ય રીતે વિભાવાદિને શ્રોતા કે પ્રેક્ષક સમક્ષ સાધારણીકૃત રૂપે રજૂ કરવામાં આવે છે. તો, ત્રીજી શક્તિ શ્રોતા કે પ્રેક્ષકને બ્રહ્માનંદ સમી પરમ અનુભૂતિ તરફ લઈ જાય છે અને શ્રોતા કે પ્રેક્ષક બધું ભૂલીને નિરૂપિત વિષય સાથે એકરૂપ થાય છે. બીજી શક્તિ દ્વારા થતું સાધારણીકરણ ભુક્તિવાદનું મહત્ત્વનું પ્રદાન છે. આથી આ વિચારણામાં સ્વભાવિક રીતે જ કાવ્યના આત્મા તરીકે ધ્વનિને બદલે રસચર્વણા પોતાનું સ્થાન લે છે. ભટ્ટ નાયક કાશ્મીરી હતા અને અભિનવગુપ્તના સમકાલીન હતા. ચં.ટો.