ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/ગુજરાતી સાહિત્યકોશની યોજના
ગુજરાતી સાહિત્યનો સર્વાંગી પરિચય આપતો આ કોશ ગુજરાતી સાહિત્ય પરિષદના એક દાયકાના તપની ફલશ્રુતિ છે. આ પ્રકાશન અપૂર્વ ભલે ન હોય, અનન્ય તો છે જ. આ સંકલ્પ કેમ કરીને સિદ્ધ થયો તેની કેટલીક વિગતો પણ ઐતિહાસિક સંદર્ભમાં નોંધપાત્ર છે. શ્રી રઘુવીર ચૌધરી પરિષદમંત્રી હતા. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર સાથે એમણે કરેલા પત્રવ્યવહારમાં નોંધાયું છે તેમ - સને ૧૯૭૯ના જૂનની ૨૨મી તારીખે સદ. ઉમાશંકર જોશી, શ્રી યશવન્ત શુક્લ, સદ. ઈશ્વર પેટલીકર અને સદ. પિનાકિન ઠાકોર સાથે – તે વખતના મુખ્યપ્રધાન શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ સમક્ષ આ યોજના રજૂ કરી. શિક્ષણમંત્રી શ્રી નવલભાઈ શાહ અને નાણામંત્રી શ્રી દિનેશભાઈ શાહે શ્રી બાબુભાઈ પટેલની સંમતિને અમલમાં મૂકી અને નવ માસની ટૂંકી મુદ્દતમાં સાહિત્યકોશની યોજના શરૂ થઈ. ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિએ નિયુક્ત કરેલી વરણીસમિતિએ સાહિત્યકોશના સંપાદનની મુખ્ય જવાબદારી ઉપાડવા માટે નવી પેઢીના સંનિષ્ઠ અભ્યાસીઓને નિમંત્રણ આપવા ઠરાવ્યું. તે પ્રમાણે તા.૮-૧૨-૧૯૭૯ના પત્રથી શ્રી જયંત કોઠારીને મુખ્ય સંપાદક તરીકે અને શ્રી ચંદ્રકાન્ત શેઠને સહસંપાદક તરીકે સેવાઓ આપવા નિમંત્રણ પાઠવ્યાં. એમની સંસ્થાઓ જી.એલ. એસ. ગર્લ્સ કોલેજ અને ગૂજરાત વિદ્યાપીઠે એમની સેવાઓ લિયન પર આપીને પરિષદને ઉપકૃત કરી છે. સાહિત્યકોશનું કામ શરૂ કર્યું ત્યારે અંદાજ એવો હતો કે સંપાદનનું કામ પાંચેક વર્ષની મુદ્દતમાં પૂરું થઈ જશે. પરંતુ શ્રી જયંત કોઠારીનાં ખંત અને ચીવટને કારણે સંપાદનમાં સંશોધનવૃત્તિ ભળી. યોજનામાં એક નવું પરિમાણ ઉમેરાયું. તેથી મુદ્દત બેવડાઈ. એમણે કોશના સહકાર્યકરો સાથે ગ્રન્થાલયો અને ગ્રન્થભંડારોની મુલાકાત લઈ, જ્યાં શક્ય હતું ત્યાં હસ્તપ્રતો પણ તપાસી અને પૂર્વે થયેલાં આ પ્રકારનાં સંપાદનકાર્યોની દુરસ્તી પણ કરી, શ્રી જયંત કોઠારીએ સાડા ચાર વર્ષ પછી માનાર્હ મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપી. શ્રી ચંદ્રકાન્ત શેઠને માથે શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામકની જવાબદારી આવતાં એમનો કાર્યભાર શ્રી રમણ સોનીએ સંભાળ્યો. શ્રી કોઠારી તા.૩૦-૬-૧૯૮૭થી સાહિત્યકોશના સંપાદનકાર્યમાંથી મુક્ત થયા ત્યારે શ્રી જયંત ગાડીત સાહિત્યકોશના બીજા ભાગ સાથે સંકળાયેલા હતા. એમણે શ્રી જયંત કોઠારીના ઉત્તરાધિકારી તરીકે સ્તુત્ય કાર્ય કર્યું છે. શ્રી રમેશ ર. દવે પણ આ યોજના સાથે આરંભકાળથી સંખળાયેલા રહ્યા છે. શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામક થવાની સાથે સમગ્ર કોશયોજનાની વહીવટી જવાબદારી ઉપાડી લીધી. પોતાના સંપાદન હેઠળ કોશનો બીજો-ત્રીજો ભાગ નિયત સમયમાં પૂરો થાય એ માટે તેઓ કૃતસંકલ્પ હતા. બીજા ખંડના કર્તાઓ તેમજ કૃતિઓનાં પાંચ સો પચાસ જેટલાં અધિકરણ અગાઉથી તૈયાર હતાં. શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા મુખ્ય સંપાદક તરીકે અધિકરણોની સંખ્યા નવેક હજાર સુધી લઈ ગયા. સંપાદન ઉપરાંત મુદ્રણનું કામ પણ એમની દેખરેખ નીચે થયું. સંપાદક તરીકે એમને શ્રી રમણ સોની અને શ્રી રમેશ ર. દવેનો સહયોગ સાંપડ્યો. આ પછી બાકી રહેલા આ ત્રીજો ખંડ મુખ્ય સંપાદક શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા અને સંપાદક શ્રી રમેશ ર. દવેની કામગીરીથી પૂરો થાય છે. એમાં ક. લા. સ્વાધ્યાયમંદિરનાં ગ્રન્થાલયી શ્રીમતી નિરંજના દેસાઈની સહાયક તરીકેની સેવાઓ પણ મળી છે. આ ત્રીજો ખંડ સાહિત્યિક પ્રકીર્ણ સામગ્રીનો છે. તેમાં પહેલા બે ખંડોમાં સમાવાયેલાં કર્તા અને કૃતિઓ પછી બાકી રહેલા સાહિત્યનાં વિવિધ પાસાંઓને સમાવી લેવામાં આવ્યાં છે. વાદો, સિદ્ધાન્તો, સાહિત્યિક ઇતિહાસ, પ્રકારો અને આધારગ્રન્થોથી માંડીને સાહિત્યિક પરિભાષા પર્યન્તની સામગ્રીને એમાં આવરી લીધી છે. ગુજરાતી સાહિત્ય સાથે સંલગ્ન વિદ્વાનો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે આ ખંડ સાહિત્યિક સંદર્ભગ્રન્થ તરીકે ઉપયોગી પુરવાર થશે તેવી ખાતરી છે.
આ પ્રકારના આકરગ્રન્થમાં સહલેખકોનો મળેલો સહકાર અને તેના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અનુદાન તરીકે મળેલી આર્થિક સહાય માટે અમે આભારની લાગણી પ્રગટ કરીએ છીએ. અંતે કોઈપણ દિશામાંથી આ ગ્રન્થને મળેલા સહયોગ માટે સંસ્થા તરફથી ઋણસ્વીકાર કરીએ છીએ,પ્રકાશ ન. શાહ,
વિનાયક રાવલ,
નરોત્તમ પલાણ,
માધવ રામાનુજ
મંત્રીઓ
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ