ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંપાદકીય
(બીજી આવૃત્તિ)
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ગુજરાતી સાહિત્યકોશના ત્રણ ગ્રંથ-ખંડ ૧ મધ્યકાળ ઈ. ૧૯૮૯માં, ખંડ ૨ અર્વાચીન કાળ ઈ.૧૯૯૦માં તથા ખંડ ૩ સાહિત્યિક પ્રકીર્ણ ઈ. ૧૯૯૬માં પ્રકાશિત થયા હતા. સાહિત્યના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો, અભ્યાસીઓ - સંશોધકો તેમ જ વિદ્યારસિક જિજ્ઞાસુઓને માટે આ ત્રણે ગ્રંથો મોટા વ્યાપવાળા અધિકૃત સંદર્ભગ્રંથો તરીકે બહુ ઉપયોગી પુરવાર થયા છે. ઘણા સમયથી આ ત્રણે ગ્રંથોની નકલો ખલાસ થઈ ગઈ છે ને અભ્યાસીઓ તરફથી પરિષદ પાસે એની સતત માંગ થતી રહે છે એથી એને ફરી પ્રકાશિત કરવાનું અનિવાર્ય બન્યું છે. આ સંજોગોમાં એક હાથવગો અને સરળ રસ્તો તો, આ મૂલ્યવાન સામગ્રીરૂપ ત્રણે ગ્રંથોને, એના એ જ રૂપમાં પુનર્મુદ્રિત કરાવવાનો હતો. પરંતુ પરિષદે વિચાર્યું કે કેવળ પુનર્મુદ્રણ કરવાને બદલે યથાશક્ય સંવર્ધન તથા સંમાર્જન કરીને અંશતઃ શોધિત-વર્ધિત આવૃત્તિ પ્રકાશિત કરવી. આ ગ્રંથમાં કેટલાંક સંમાર્જન અને શોધન-વર્ધન આ પ્રમાણે કર્યાં છે. ૧. વર્ષો પછી પ્રગટ થતાં આ ગ્રંથમાં ઐતિહાસિક વિકાસને આલેખતાં ગુજરાતી સાહિત્યસ્વરૂપો વિશેનાં અધિકરણોમાંથી કેટલાંક અગત્યનાં અધિકરણોમાં ઉમેરણ-પૂર્તિ કરવા અનિવાર્ય હતાં. આ પૂર્તિ જે-તે અધિકરણલેખકોએ અને એ શક્ય ન હતું ત્યાં બીજાને સોંપીને અથવા ક. લા. સ્વાધ્યાયમંદિરના અધ્યાપકોએ કરી લીધી છે. તેમના નામ જે – તે અધિકરણમાં મૂળ અધિકરણલેખકના નામ પછી ઉમેર્યાં છે. જેમ કે, ગુજરાતી કવિતા વિશેના અધિકરણમાં ચં. ટો. પછી રા. પ. ૨. સાહિત્યિક સામયિકો વિશેનાં અધિકરણોમાં ખૂટતી વિગતો ઉમેરી છે અને કેટલાંક મહત્વનાં સાહિત્યિક સામયિકોના અધિકરણો વિદ્વાનો પાસે લખાવીને ઉમેર્યાં છે. ૩. સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પારિતોષિકો વગેરેની વિગતોનું ઉમેરણ ક. લા. સ્વાધ્યાયમંદિરના અધ્યાપકોએ કર્યું છે. ૪. પહેલી આવૃત્તિમાં શબ્દાનુક્રમણિકા ન હતી, તે અહીં ઉમેરી છે. આ ઉપરાંત આવશ્યક જણાયું ત્યાં અકારાદિક્રમ બદલ્યો છે તેમ જ મુદ્રણદોષ સુધારી લીધા છે. આ ગ્રંથના પરામર્શક તરીકે શ્રી રમણ સોનીએ લેખન-સંપાદનના કોઈપણ કામ અંગે જરૂરી સલાહસૂચનો, માર્ગદર્શન તેમજ હૂંફ પૂરાં પાડ્યાં છે. ગ્રંથની મોટાભાગની સામગ્રી તેમની આંખ તળેથી પસાર થઈ છે. રૂબરૂ મળીને, તેમ જ પત્ર કે ફોનથી એમની સાથે ચર્ચા કરી લીધી છે. એમનાં સૂચનો બહુ ઉપયોગી રહ્યાં છે અને એમણે હંમેશા અમને મોકળાશ આપી છે. આ ગ્રંથ માટે પરિષદે તજ્જ્ઞો તરીકે સર્વશ્રી કિશોર વ્યાસ, ભરત મહેતા, હર્ષવદન ત્રિવેદી અને હેમંત દવેને કાર્ય સોંપ્યું હતું. તેમણે ઝીણવટપૂર્વક સામગ્રી તપાસી આપી આવશ્યક સૂચનો કર્યાં હતાં. સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને મહત્વનાં સૂચનોનો આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે. આ ગ્રંથમાં જેમનો સહયોગ મળ્યો તે સહુનું અહોભાવથી સ્મરણ કરીને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. — સંપાદકો