ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિવેચનદૃષ્ટિ – સુન્દરમ્, 1908

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


17. Umashankar joshi.jpg ૧૭
ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્’
(૨૨.૩.૧૯૦૮ – ૧૩.૧.૧૯૯૧)
વિવેચનદૃષ્ટિ
 
‘અર્વાચીન કવિતા’ની પ્રસ્તાવના રૂપે લખેલું
 

વિવેચન પાછળ કઈ દૃષ્ટિ રાખવી એ હું જેમ જેમ કાવ્યો વાંચતો ગયો અને તે વિષે લખતો ગયો તેમ તેમ સ્પષ્ટ થતું ગયું, મારામાં બીજા કેટલાક અપ્રસ્તુત મોહો અને આગ્રહો હતા તે ઓસરતા ગયા. વાચક, વિવેચક કે લેખક પોતે પણ કાવ્યને વધારેમાં વધારે ન્યાય ત્યારે જ કરી શકે કે જ્યારે તે કાવ્યનો પોતાનો જે ધર્મ છે, તેનો જે પોતાનો ભાવ છે તેને વફાદાર રહી, એકમાત્ર તેનું જ અનુશીલન કરે. કાવ્યના આ સ્વ-ધર્મ, સ્વ-ભાવ-becoming-છે રસ–સૌન્દર્ય –આનંદનું નિર્માણ. આ ત્રિવિધ તત્ત્વો, જે તત્ત્વત: તો આનંદના પર્યાયરૂપ આવિર્ભાવો જ છે, સિવાય બાકીની બધી વસ્તુઓ કાવ્યના ધર્મથી ઇતરથા છે. એ આનંદસૌન્દર્યની સિદ્ધિ સિવાય બીજી વસ્તુ કાવ્યમાં – કળામાત્રમાં શોધવા જવું એ ઇતરથા – અનૈસર્ગિક પ્રવૃત્તિ છે. જોકે કળાના ઇતિહાસમાં એવું બનતું આવ્યું છે કે જીવનના સ્થૂલ પ્રદેશોમાં વધારે પ્રભુત્વ ધરાવતી સત્તાને તે ઘણી એક વાર વશ બની ગઈ છે. અને થોડું પણ વર્ચસ્વ ધરાવતી હરકોઈ પ્રવૃત્તિ કળાને પોતાના અંત:પુરમાં દાખલ કરી દેવાની બુમરાણ કરી મૂકવા વગર રહી નથી. પણ એથી કળાને કે તે પ્રવૃત્તિને લાભ કરતાં ગેરલાભ જ વિશેષ થયો છે. આ પરિસ્થિતિને માટે માનવસહજ અજ્ઞાન અને અહંભાવ જવાબદાર છે. તેમાંયે જ્યારે તેની પ્રવૃત્તિ પારમાર્થિકતાના અને જનકલ્યાણનો ભાવ ધારણ કરે છે ત્યારે તેનો અહંભાવ વધારે ઉગ્ર બને છે, અને તેનું અજ્ઞાન જોખમકારક બને છે. એક રીતે તો કળાની પાસે પોતાનું કામ કરાવવા માગતી આ પ્રવૃત્તિઓ પોતાની અશક્તિનો એકરાર પણ કરી લે છે, પણ તે આડકતરી રીતે જ બને છે. એમાં ઘણી વાર તો કળાને સીધે માર્ગે ચાલતી કરવાનો, સીધી કરવાનો જ ઉત્સાહ અને ઘમંડ હોય છે. કળાને સુધારવાના કે જીવનનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરનારે પહેલાં તો એ વિચારવાનું છે કે પ્રવૃત્તિમાત્રની ગતિ કઈ દિશા તરફ છે. ધર્મ શા માટે? સદાચાર શા માટે? સ્વતંત્રતા શા માટે? સામ્યવાદ કે અહિંસા શા માટે? લોકસંગ્રહ શા માટે? આ પ્રવૃત્તિઓનું ફલ પણ છેવટે તો માણસને સત્ય અને આનંદની અવસ્થા તરફ જ લઈ જવાનું છે. ધર્માચરણને અંતે, સ્વતંત્રતાને અંતે, જો જીવનમાં સત્ય અને આનંદ, જ્ઞાન અને શક્તિની સ્થાપના અને વૃદ્ધિ ન થવાની હોય તો એ સિવાય એ પ્રવૃત્તિના શો હેતુ હોઈ શકે તે શોધવાનું રહે છે. આ ધાર્મિક, નૈતિક કે રાજકારણીય પ્રવૃત્તિની ગતિ આનંદની નિર્મિતિ તરફ બહુ કુંઠિત રીતે થાય છે. તેનું પ્રથમ લક્ષ્ય તો અમુક ઘટનાઓ સિદ્ધ કરવાનું હોય છે, અમુક માનસિક કે સ્થૂલ રચનાઓ, પરિસ્થિતિઓ ઊભી કરવાનું હોય છે. એમાંથી ખરેખર આનંદ અને સત્યની પ્રાપ્તિ થાય છે કે કેમ તે તો જોવાનું જ રહે છે. ધર્મ, નીતિ કે રાજકારણ જે કરવા માટે આમ બે-ત્રણ વળાંક લઈને પ્રવૃત્ત થાય છે તે કળા સીધેસીધું, પ્રથમત: કરે છે. જીવનમાં દૃષ્ટ અને સૃષ્ટ તત્ત્વોનો આશ્રય લઈને તથા તેમાં ઘણાંએક અદૃષ્ટ અને અસૃષ્ટ તત્ત્વોના નિપાત સાધીને, જીવનમાં જે રીતે રસાનુભાવ-આનંદાનુભવ થાય છે, તે રીતિમાં કંઈક વિશેષ વ્યાપકતા, વિશેષ ક્ષમતા ઉત્પન્ન કરીને કળા સૌન્દર્ય અને આનંદની રચના કરે છે. આ રીતે જોતાં કળાની પ્રવૃત્તિ બીજી સ્થૂલ પ્રવૃત્તિઓના જેટલી જ સ્વાધીન અને સ્વાયત્ત, સમાન કક્ષાની પ્રવૃત્તિ છે. એટલું જ નહિ, એ સ્થૂલ, બાહ્ય અને આંશિક પ્રવૃત્તિઓ કરતાં આ વધારે સૂક્ષ્મ, અને વ્યાપક પ્રવૃત્તિ છે. કળાની ગતિ જીવનના ગહનતમ મર્મભાગ સુધી પહોંચે છે, અને તેટલા પ્રમાણમાં તે બીજા કરતાં પણ કંઈક લોકોત્તર સ્વરૂપની પ્રવૃત્તિ બને છે. કળા એટલે આ પ્રાકૃત અને સ્થૂલ, ક્ષણપર્યંવસાયી અને ભૌતિક, કામના-પ્રધાન અને અહંમગ્ન જીવનવ્યવહારમાં કોક અપ્રાકૃત, અલૌકિક, લોકોત્તર, કામના અને અહંને વિગલિત અને વિશુદ્ધ કરીને, આનંદ અને સૌન્દર્યના મૂલ સ્વરૂપની પાસે પહોંચી જઈ તેમને અહીં સાકાર કરતી પ્રવૃત્તિ, એવું આપણા દૃષ્ટાઓનું દર્શન રહ્યું છે. આ પરિસ્થિતિમાં બીજી પ્રવૃત્તિઓ અને કળા વચ્ચેનો સંબંધ પણ ઘણો પલટાઈ જાય છે. અત્યારે જે રીતે અપેક્ષા રાખવામાં આવે છે તેથી તદ્દન ઊલટી રીતે, રાજકારણ કે નીતિરીતિ કે જીવનના સ્થૂલ વ્યાપારોએ કળાને પોતાની વશવર્તિની બનાવવાનું ઇચ્છવાને બદલે તેનું અનુસરણ કરવાનું છે. કળાના સૌન્દર્યને પોતામાં સ્થાપન કરી પોતાની વિરૂપતા, મલિનતા, શુષ્કતા, જડતા, કઠોરતા, સંકુચિતતા, અહંતા, અજ્ઞતાને ગાળી નાખવાનાં છે. આ અદૃષ્ટ અને અસૃષ્ટમાં ગતિ કરતી, સૂક્ષ્મ તત્ત્વોનું પૃથ્વીતલ ઉપર નવનિર્માણ કરતી કળા પાસેથી નવા સંસ્કાર, નવી દીક્ષા લેવાની છે. અને આમ નવેસરથી જ કરવાનું છે એમ નહિ, એમ પરાપૂર્વથી થતું તો આવ્યું છે. કળા પોતાના સ્પર્શથી જીવનના વ્યવહાર માત્રને સંસ્કારસંપન્ન, સંવાદમય, સુમધુર અને સૌન્દર્યમંડિત કરતી રહે છે. કળા અને બીજી પ્રવૃત્તિઓ વર્ગવિગ્રહના ધોરણ પર જ હંમેશાં ગતિ કરતી નથી રહી. છતાં જેમ જેમ માનવજાતિનો વિકાસ થતો જાય છે તેમ તેમ એ વિકાસનાં તત્ત્વોનો લાભ પણ માણસનો અહં વધારે ને વધારે લેતા જાય છે. એક કાળે નીતિ અને સદાચાર પોતાને જે ન ખપે તેને જીવનમાં ક્યાંય બીજે સ્થાન ન હોવું જોઈએ એમ કહેતું હતું. આજકાલ માનવસમાજનો દેવ રાજકારણ અને અર્થકારણ બનવા લાગ્યાં છે. અને એ ક્ષેત્રની વ્યક્તિઓ પણ પેલા પૂર્વજોની પેઠે જ વર્તી રહી છે. એ રીતે બીજી ગમે તે પ્રકારની જાગૃતિ આવી ગણાય, પણ એમાં સંસ્કારિતા અને તત્ત્વદૃષ્ટિનો વિકાસ તો નથી જ દેખાતો એટલું સ્વીકારવું પડશે. બેશક, આ સ્થિતિ હંમેશાં નથી ટકવાની. આપણા જીવનમાં કલાની સૌન્દર્યસર્જક દીપ્તિ વધારે ક્રિયાશીલ અને વ્યાપક બનશે એમાં શકા નથી. કળામાં પોતામાં જ એ જયશક્તિ હોવી જોઈએ અને છે. અને એટલે તો કળાકાર બ્રહ્માની સાથે જ પોતાનું આસન છે એમ દાવો કરે છે. પણ બીજી પ્રવૃત્તિમાં જે જોખમ છે, મર્યાદા છે, તે કળામાં પણ પ્રવેશી શકે છે. કારણ કે એની ઉપાસના કરનાર માણસ પણ પ્રારંભ અવસ્થામાં તો પ્રાકૃત જન જેવો જ હોય છે. કળામાં પણ અજ્ઞાન અને અહં અને કામનાનાં બળો પ્રવેશ પામી ત્યાં ફાલતાંફૂલતાં નજરે પડે છે. કળાની આ ચ્યુતિઓને પરિણામે બીજાઓનું તેના પર ચડી વાગે છે. એમાંથી કળાએ પોતાનો મોક્ષ સાધવાનો છે. તે સાધવા માટે જીવનની હરકોઈ દિશામાંથી સાદ અને સહાય, પ્રકાશ અને પ્રબોધ આવે તેને વિનમ્ર ભાવે આવકારવાનાં છે, અને આત્મસાત્ કરવાનાં છે. અને ત્યાં પ્રશ્ન ઊભો થાય છે કે કળાએ – કાવ્યે પોતાનો સ્વધર્મ – સૌન્દર્યનું, રસનું, આનંદનું નિર્માણ ક્યારે સાધ્યું ગણાય? આ પ્રશ્ન છે રસના અનુભવનો, સૌન્દર્યની જ્ઞપ્તિનો, આનંદની સિદ્ધિનો. જીવનમાં સ્થૂલ ઉપકરણો અને આવરણોમાંથી બળાત્કારે માર્ગ કરીને બહુ જ કુંઠિત રીતે રસ–સૌંદર્ય–અને આનંદનાં જે ઝરણ વહે છે તેના આદિમ સ્રોત પાસે કળાકારે પહોંચવાનું છે. રસતત્ત્વની પ્રગાઢ અનુભૂતિ, સૌન્દર્યનું અશેષ દર્શન અને આનંદની નિરવધિ પ્રાપ્તિ, એમાં આરૂઢ થઈને, અત્યારે પ્રાકૃત માણસમાં અભિવ્યક્તિની ઇન્દ્રિયો છે, તેથી કંઈક ઊર્ધ્વ, સૂક્ષ્મ અને પટુતર કરણનો વિકાસ પામી, કશુંક ક્રાન્તદર્શિત્વ પામી, કોઈક સહજ પ્રજ્ઞાથી, આ સ્વયં રીતે સિદ્ધ રહેલા આનંદ-સૌન્દર્ય-રસને અહીં, એ રસની ગતિનું અનુશીલન કરતાં કરતાં સ્રષ્ટ કરવાનો છે. આ છે કળાકારનું પરમ નિર્વાણ. પણ એ નિર્વાણ પ્રત્યેનું આરોહણ વિકટ છે, દુર્ઘટ છે. મનુષ્ય માત્રમાં રસ અને આનંદ માટેની તૃષા નિક્ષિપ્ત થયેલી છે, વત્તાઓછા પ્રમાણમાં તત્ત્વના અનુભવની શક્તિ રહેલી છે. પણ શક્તિની અનેક કક્ષાઓ છે, તેમ જ એ પૂરા રૂપમાં એ શક્તિ મળે માટે વ્યક્તિએ અમુક વિકાસ પામવાનો રહે છે. માણસ બાળક મટીને યુવાન બને ત્યારે જ તે શૃંગારનો અનુભવ કરી શકે તેમ છે, તેના મજ્જાતંત્રમાં અમુક શક્તિ સંચિત થાય ત્યારે જ તે વીર રસને માટે ક્રિયાશીલ થઈ શકે છે. તેનામાં અમુક પ્રકારની તિતિક્ષા દૃઢ થાય ત્યારે જ તે રૌદ્ર રસનો અનુભવ કરી શકે છે. અર્થાત્ વ્યક્તિના સૂક્ષ્મ અને સ્થૂળ સંવેદનતંત્રમાં અમુક કોટિનો પરિપાક થયા પછી જ તે રસના અનુભવની ક્ષમતા મેળવી છે. કાવ્ય દ્વારા રસનું નિર્માણ કરવા માટે તથા તેના આસ્વાદ માટે આથી પણ એક વિશેષ પ્રકારનો પરિપાક બનવો જરૂરી રહે છે. એમાં અમુક વિશેષ કોટિની શબ્દસિદ્ધિ, લયસિદ્ધિ અને તત્ત્વસિદ્ધિ આવશ્યક છે. એ સિદ્ધિનું સ્વરૂપ રહ્યું છે શબ્દની, લયની અને તત્ત્વની એક પ્રકારે સધાતી ઉત્કટતા–તીવ્રતામાં, નિબિડતામાં-instensityમાં, રસત્વની પ્રાપ્તિમાં. જેવી રીતે જમીનનો રસ શેરડીનાં મૂળિયાંમાંથી ચડતો ચડતો અમુક પેરાઈએ પહોંચીને તેનું મિષ્ટતમ રૂપ પામે છે, તેવી રીતે કાવ્યનો શબ્દ, તેનો લય, તેમાંનું તત્ત્વ-દર્શન-રહસ્ય એ નિરૂપણની કોક અગમ્ય – અપૃથક્કરણીય ક્રિયા દ્વારા અમુક કક્ષાએ રસવત્ બને છે, રસોત્પાદક, રસવાહ બને છે. એ શબ્દનું શ્રવણ થતાં, લયનું શ્રવણ થતાં, તેમાંના તત્ત્વની ઝાંખી થતાં આપણા સંવેદનતંત્રમાં એક પ્રકારનો ઉત્કટ, ઘન, તીવ્ર, નિબિડ ઝંકાર થઈ રહે છે. કંઈક અપ્રાકૃત અનુભૂતિ અનુભવાય છે. આવી ત્રિવિધ – સર્વાંગીન નિબિડતાનું નિર્માણ કરવું યા તેનું પોતામાં અનુસર્જન કરવું એ છે કવિનું કાર્ય, ભોક્તાનું – સહૃદયનું – વિવેચકનું કાર્ય. આ નિર્મિતિ કે તેની અનુભૂતિ કવિ દ્વારા કે ભોક્તા દ્વારા હમેશાં પૂર્ણરૂપની નથી બનતી, આ ત્રિવિધ નિબિડતામાંથી એક યા બીજી મંદ રહેતાં કવિની કૃતિ મંદતેજસ્ બની જાય છે. મોટામાં મોટા કવિઓ પણ ક્યાંક ક્યાંક આ સર્વાંગીન નિબિડતા સાધવામાંથી ચૂકી જતા દેખાયા છે. કાવ્યોનો ભોક્તા પણ પોતાની કોઈ અંતર્ગત દુર્બળતાને લીધે આ નિબિડતાઓનો પૂરેપૂરો અનુભવ નથી લઈ શકતો. પણ આ ઉપરાંત એક બીજું પણ બને છે. એ નિબિડતા સધાયેલી નથી હોતી ત્યાં પણ સધાઈ ગઈ છે એમ લેખક કે વાચક માની લે છે. કવિ માને છે કે પોતે કંઈ બહુ ઉત્તમ લખ્યું છે, વાચક કે વિવેચક સમજે છે કે પોતે કોઈ અપૂર્વ રસાનુભવ મેળવી રહ્યો છે. અને છતાં, તેવું વાસ્તવિક રીતે નથી હોતું. વાસ્તવિક રીતે નથી હોતું? ના, વાસ્તવિક રીતે તે સાચું હોય છતાં તે તાત્ત્વિક રીતે સાચું ન હોઈ શકે, વ્યક્તિનું પોતાનું સંવેદન સહૃદય રીતે સત્યનિષ્ઠ રીતે જેટલું સાચું હોય તેટલું તે વાસ્તવિક તો ગણાય. પણ તે કેવળ તત્ત્વની રીતે તેવું ન પણ હોય. કવિનો અને વિવેચકનો આ એક જટિલ પ્રશ્ન છે. આમાંથી કવિની રચનામાં ગુણભેદો અને વિવેચનમાં મતભેદો ઊભા થાય છે. એનો ખુલાસો છે કવિના તથા ભોક્તાના સંવેદનતંત્રની મર્યાદિત અવિકસિત પટુતામાં. એનું નિરાકરણ છે, સંવેદનતંત્રને શક્ય તેટલું સૂક્ષ્મ, અનુભવક્ષમ અને પટુતમ કરવામાં. કવિ અને વાચક પોતાની પટુતાને કાવ્યકળા અંગેના વિવિધ ચિંતનમનન દ્વારા, બીજાઓની અનુભૂતિઓ સાથે પોતાની અનુભૂતિની તુલના દ્વારા સંસ્કારી અને વિકસાવી શકે છે. પણ એને ખરા અને સાચા સંસ્કાર તો કાવ્ય પોતે જ આપી શકે છે. ઉત્તમ કવિતાનો આલોકિત અને સઘન પરિચય એ જ રુચિતંત્રને, સંવેદનતંત્રને ઘડનારું અને વિકસાવનારું છે. કવિનો અને વાચકનો પણ મહા ગુરુ કવિ જ બની શકે. ઉત્તમ કવિની ઉત્તમ કવિતાને ચરણે બેસીને જ ઉત્તમ કવિતા રચતાં અને સમજતાં શિખાય. પણ ઉત્તમ કવિ ક્યાંથી કેવી રીતે બન્યો? જવાબ મુશ્કેલ છે. મુશ્કેલ ન હોય તોપણ તેને આપણા સમગ્ર તંત્ર દ્વારા અધિગત કરવો, આત્મસાત્ કરવો મુશ્કેલ છે. આપણે ઉપર જોઈ ગયા કે કવિતા એટલે રસ – સૌન્દર્ય – આનંદની નિર્મિતિ. આ આનંદની ભૂમિકામાં કવિ આપમેળે જેટલો પ્રવેશ કરે છે તેના કરતાં વિશેષ તો એ ભૂમિકા કવિને પોતામાં પ્રવેશ કરવા દે છે, કરાવે છે, કવિની આગળ, તેના સંવેદનતંત્રની ક્ષમતાના પ્રમાણમાં, સૌન્દર્યને જોવાની અને ઝીલવાની તેની આતુરતા અને ધારણશક્તિના પ્રમાણમાં તે તેની આગળ પ્રગટ થાય છે. કવિના મુખેથી આનંદની સૃષ્ટિ પોતે પોતાનું નિર્માણ સાધે છે. વેદના મંત્રો, વાલ્મીકિનું રામાયણ, કાલિદાસની રચનાઓ, પ્રેમાનંદની કાવ્યશક્તિ એવી રીતે પ્રગટ થયાનું આપણે સાંભળીએ છીએ. જેને હાથે કંઈક ઉત્તમ કાવ્યનિર્માણ થયું છે તેવો કવિ પણ, બીજી કોઈ બૌદ્ધિક કે પ્રાણગત મૂઢતાને જો વશ ન થયેલો હોય તો, આવું કંઈક અનુભવી શકેલો હોય છે. ગમે તેમ હો કવિ આનંદસૃષ્ટિની પાસે, — કવિતાની પાસે પહોંચતો હોય કે તે કવિની પાસે પોતે આવતી હોય, એ નિ:સીમ નિરવધિ સ્વયંસિદ્ધ આનંદ – સૌન્દર્યનું અને સૌન્દર્યાભિમુખ માનવચિત્તતંત્રનું મિલન કોઈ રીતે સિદ્ધ થવું જોઈએ. જગતનો વ્યવહાર એટલે જ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું મિલન. માણસ માણસને મળીને જે નિરમી કે સરજી શકતો નથી તે વસ્તુ કવિ માણસને મળીને – કહો કે તેની પાછળની કોક ગહન વસ્તુને મળીને, માનવમાત્રમાં રહેલા રસની અને રૂપની ઝાંખી પામીને, કદીક માનવજીવનમાં આજ લગી અવ્યક્ત જ રહેલી એવી સૃષ્ટિને તે રચી આપે છે. આપણે ઈશ્વરની સૃષ્ટિ જોઈ રાચીએ છીએ. એના ખગોલ અને ભૂગોલનું સૌન્દર્ય આપણને પુલકિત કરે છે; એના નિસર્ગની સુન્દરતા, પ્રાણીસૃષ્ટિની પ્રાણલીલા આપણને મત્ત કરે છે, મનુષ્યની જીવનગતિ, તેની વિવિધ શક્તિઓ આપણને આશ્ચર્યમુગ્ધ કરે છે, તેના જીવનનો અનંતવિધ પટ, તેની નવે રસથી ઊભરાતી જીવનકલા આપણને અનેક રીતે આર્દ્ર કરે છે. પણ એમાંયે આ એક વિશિષ્ટ સંવેદનપાટવવાળા કવિને –કળાકારને હાથે રચાયેલી સૃષ્ટિ એથીયે કંઈક વિશેષ, વિશુદ્ધ, વ્યાપક, ગહન, સ્થાયી રસનો અનુભવ કરાવે છે. ઈશ્વરની પ્રકૃતિનું સૌન્દર્ય રમણીય છે, પણ મનુષ્યે રચેલું સૌન્દર્ય એથીયે રમણીય છે. એનાથી ઉચ્ચ એવું એક જ સૌન્દર્ય છે, અને તે છે ઈશ્વરનું પોતાનું સૌન્દર્ય, તેને આનંદ, તેનો રસ. કહે છે કે રસરૂપ તો એ જ છે. रसो वै सः। આપણે અહીં પૂછી શકીએ, ›¸ अन्यः? તો એની સામે એ પ્રશ્ન આવશે, કે એનાથી અન્ય એવું કંઈ છે? આપણે આનો જે જવાબ આપીએ તેના ઉપર બધો આધાર છે. જગત એ ઈશ્વરની પ્રાદુર્ભૂતિ છે. જગતના રસો ઈશ્વરના રસો છે. છતાં એ રસોમાં અસલની પૂરી છબી નથી. ત્યારે કલાનો, સાહિત્યનો, કાવ્યનો મુખ્ય પ્રશ્ન એ બની રહે છે, પોતાના ધર્મ અને કર્મનું એકનિષ્ઠ અનુસંધાન, પોતે રસ – સૌન્દર્ય – આનંદના મૂળ સ્રોત, આદિમ બિંદુ સુધી કેટલું પહોંચે છે અને તેને કેટલું સાકાર કરી શકે છે. આ પરિણામનું સ્વરૂપ કેવળ સ્વસંવેદનથી જાણી શકાય છે. એ માટે બાહ્ય આલંબનો રસશાસ્ત્રનાં ધારાધોરણો હોવા છતાં કવિએ કે વાચકે છેવટે તો પોતાના સંવેદનતંત્ર–સંવિત્ ઉપર આધાર રાખવાનો રહે છે. કવિનું કે વાચકનું ચિત્તંત્ર જ્યારે અમુક રચનાથી પૂરતા પ્રમાણમાં પરિતૃપ્તિ અનુભવી લે ત્યારે તે રચના તેને માટે આનંદપર્યવસાયી બની ગઈ એમ સ્વીકારવું જોઈશે. સંવેદનની આ ક્ષમતા વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી રહે છે. અને રસાનુભવની અનેક કોટિઓ, અનેક કક્ષાઓની હસ્તી વિષે આપણે જાગ્રત બનવાનું છે. તેમ છતાં આ કોટિઓના ભેદના અને તેમની ઉચ્ચાવચતાના તત્ત્વને આપણે સમજવાનું જ રહે છે. જનતાના અમુક વર્ગને અમુક સમયે દલપતરામની રચનાઓ અત્યંત પરિતૃપ્ત કરી દેતી હતી છતાં દલપતરામની અને કાલિદાસની કોટિ એકસરખી નથી. આ બે કોટિનો ભેદ છે રસનિર્મિતિની પરિપક્વતાનો, સૌન્દર્યની ઉત્તરોત્તર વિકાસશીલ ઉચ્ચતમ સંસિદ્ધિનો. ઉચ્ચ કોટિનો રસાનુભવ – સૌન્દર્યજ્ઞપ્તિ – આનંદદર્શન એ પણ સંવેદનતંત્રના પરિપાકનો વિષય છે. આ વસ્તુને આપણે અધિકારભેદથી ઓળખતા આવ્યા છીએ. અધિકાર વસ્તુત: અનુભવશક્તિનો વિકાસ, સંવેદનક્ષમતા, ગ્રહણશીલતા, રુચિ અને સંસ્કારનો અનુભવબળે તેમ જ આંતરિક સામર્થ્યના આવિર્ભાવને લીધે ક્રમશ: ઉપચય પામેલો પરિપાક. અર્થાત્, એ માનવવિકાસનું જ શબ્દાન્તરે આલેખન છે. આ વિકાસની શક્ય તેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચવાની કવિ અને વાચકમાં વૃત્તિ હોવી ઘટે. એમાં છે વ્યક્તિની અને સમષ્ટિની સંસ્કારિતાની પરિસીમા. હરકોઈ કૃતિ કેટલા પ્રમાણમાં ઉચ્ચતાએ પહોંચી શકી છે એ કવિનો અને વાચકનો સનાતન પ્રશ્ન છે. કાવ્યની તુલનામાં આ બાબતમાં અનેક રીતે જુદા જુદા અનુભવો – મતો થતા રહે છે. કેટલાક સમર્થ, પ્રજ્ઞાવાનોને પણ એક કે બીજા કારણે આપણે રસના સત્યમાંથી ગયેલા જોઈએ છીએ. આપણા અર્વાચીન કવિઓ અને વિવેચકોની પોતાના મૂલ્યાંકનમાં જે આવી ચૂકો થયેલી છે તે જાણીતી હકીકત છે. આ લેખકને હાથે પણ અહીં આવી ચૂકો થઈ હોય એ તદ્દન સંભવિત છે. માત્ર એ પોતાની શુભનિષ્ઠાની તથા પોતાની રસવૃત્તિને શક્ય તેટલી પરિષ્કૃત અને જાગરૂક રાખવાને સતત સેવેલી ઇંતેજારીની ખાતરી આપી શકે છે. એનું જે પરિણામ આવ્યું હોય તેની જવાબદારી તે નમ્રતાપૂર્વક સ્વીકારે છે. બીજાને મૂલવવા નીકળનાર સાથેસાથે પોતે પણ પોતાનું મૂલ્ય કરાવતો જાય છે. કાવ્યની ચરિતાર્થતા છે રસરૂપે પરિપાક પામવામાં. આ આપણું પ્રાચીન અને વ્યાપક સત્યવાળું, સર્વકાલીન તથ્યવાળુ દર્શન છે. જેવી રીતે જમીનનો રસ શેરડીના છોડના મૂળમાંથી ચડતો ચડતો અમુક પેરાઈએ–પર્વે પહોંચીને, એ ઇક્ષુમાં રહેલા ઇક્ષુત્વના કોક નિગૂઢ બળે મીઠા રસરૂપે પલટાઈ જાય છે. પછી તેનું प्रति प्रर्व रसावहम् થતું રહે છે, તેવું કાવ્યની અંદરની બધી ઉપચિત સામગ્રીનું બને છે. કાવ્યના છંદનો, બાનીનો અને તેના આંતર સત્નો કયા ક્રમે, કઈ રીતે, કયા કાળે રસરૂપે પલટો થાય છે એ બૌદ્ધિક પૃથક્કરણનો નહિ પણ કંઈક ઊંડા સંવેદનનો વિષય છે. આ વસ્તુને કંઈક વિશેષ સમજવી હોય તો તે રસના તત્ત્વને સમજવાના પ્રયત્ન દ્વારા જ સમજી શકાય. રસ એ સ્થૂલ તત્ત્વના આશ્રયે પ્રગટ થઈ, તે તત્ત્વની રગેરગમાં, તેના કોષેકોષમાં ફરી વળી, તે તત્ત્વનું સારભૂત અને ઘનીભૂત, નિબિડ અર્કરૂપ ઉત્કૃષ્ટ પરિણમન. એ જડરૂપ દેખાતા તત્ત્વનું જ, તેની અંદર રહેલી શક્યતાઓના બળે તથા બહારનાં બળોના સંપર્કથી થતું રસરૂપે – આનંદાનુભવ કરાવતું રૂપાંતર. અને એ રસ પણ છેવટે આનંદરૂપે જ રૂપાંતર પામે છે. કાવ્યની સામગ્રી, તેના છંદોલય, તેના શબ્દ – વિચાર – શૈલી, તેનો આંતરિક તત્ત્વગર્ભ, એ બધાં પોતપોતાની રીતે જોતાં શુષ્ક અને નિષ્પ્રાણ જેવાં સત્ત્વો કવિચિત્ત દ્વારા કોક સૂક્ષ્મ રાસાયણિક પ્રક્રિયાને બળે, અન્યોન્યમાં ઓતપ્રોત થઈ, અન્યોન્યનો આશ્રય લઈ, અને અન્યોન્યમાં તદ્રૂપ બની જઈ એક પ્રકારની ઘનતા, નિબિડતા ઉત્કટતા, પ્રકર્ષતા ધારણ કરે છે. ઘનત્વ-ઉત્કટત્વ-નિબિડત્વ પામવું એ છે કાવ્યનું રસવત્ બનવું. એ પ્રકર્ષતાનું જ્ઞાન – જ્ઞપ્તિ – અનુભૂતિની ક્ષમતા સામાન્ય રીતે હરેક વ્યક્તિમાં રહેલી છે. તોપણ વ્યક્તિની અવસ્થા અને સંસ્કારના પ્રમાણમાં જ તેનો તે અનુભવ પામી શકે છે. યૌવનમાં પહોંચ્યા વિના માણસ શૃંગારનો અનુભવ નથી કરી શકતો, તેવી જ રીતે કાવ્યની ગતિરીતિને સમજી શકવાની અવસ્થાએ પહોંચ્યા સિવાય માણસ તેનો રસાસ્વાદ લઈ શકતો નથી. ઉપર કહી ગયા પ્રમાણે સંસ્કારિતાનો અમુક વિકાસ પામ્યા પછી જ કલાનો રસ લેવાની શક્તિ માણસમાં આવે છે. આ સંસ્કારિતા માણસ વિવિધ રીતે—શિક્ષણથી, અભ્યાસથી, સંપર્કથી મેળવે છે. પણ કાવ્યકલાના શુદ્ધ સંસ્કાર તેના સ્વરૂપનો નિકટ અને પ્રતીતિકર પરિચય – જ્ઞપ્તિ તો કાવ્ય પોતે જ આપે છે. કાવ્ય એ જ કાવ્ય શીખવાની મોટામાં મોટી શાળા છે. આ વસ્તુ સામાન્ય રીતે ભૂલી જવાય છે. વિવેચનનું મહત્ત્વ સ્વીકારવા છતાં એ વાત યાદ રાખવાની છે કે તે કાવ્ય ઉપર ઉપજીવિત થતી પ્રવૃત્તિ છે. કાવ્ય જે આપી શકે છે તે વિવેચન નહિ આપી શકે. કાવ્યમાં જે પ્રકર્ષતા સર્જન પામે છે તે પ્રથમત: કવિની જ અનુભૂતિનો વિષય છે, પછીથી તે તેના કાવ્યમાં આધાન પામેલી વસ્તુ બને છે. કવિ, એ પોતે જ રસપ્રકર્ષનો આદિ દૃષ્ટા અને સૃષ્ટા છે. એ જ મહાગુરુ છે, કાવ્યનાં ધોરણો સર્જનાર, તેને વિકસાવનાર, કે તેમાં પલટો લાવનાર કવિ પોતે છે. કવિની કવિતા, કાવ્યથી ભિન્ન એવી અનેક વસ્તુઓમાંથી સંસ્કારો લેતી છતાં, છેવટે તો પોતાના જ આંતરિક સત્વમાંથી, પોતાની જ આંતર ગતિથી દોરાઈને, પ્રેરાઈને પોતાનું રૂપ બાંધે છે. કવિ પોતે જ નવી ઉત્કૃષ્ટતાઓની ઝાંખી કરે છે અને તેમને સાકાર કરે છે. એવા કવિની પાસેથી, એની રચનાઓમાંથી ભાવકે રસપ્રકર્ષ શો હોઈ શકે તે શીખવાનું છે. ભાવકે જ માત્ર નહિ, કવિએ પોતે પણ, પોતાના પૂર્વ સૂરિઓની પાસેથી રસપ્રકર્ષની દીક્ષા લેવાની છે. અને અહીં એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે. કવિનો સંવેદનશીલતા, રસપ્રકર્ષતાને પામવાની શક્તિ તેને માનવજીવનમાં પણ એક મહત્ત્વનું સ્થાન અપાવે છે. સામાન્ય મનુષ્યનું સંવેદનતંત્ર સાધારણ પ્રકારનું, અસંસ્કૃત, સ્થૂલ, અ-પટુકરણ, જડ હોય છે. સંવેદનની ઉત્કૃષ્ટ અવસ્થાઓ, સૌન્દર્ય અને રસના ઉન્નત અને સૂક્ષ્મ અનુભવો પામવાની શક્યતા કાવ્યમાંથી – કળામાંથી ઊભી થાય છે. માનવજીવનની વિરાટ વણઝારમાં સંસ્કારિતા, રસ, સૌન્દર્ય અને આનંદની કીમતી સંવિત્ – સમૃદ્ધિને લઈને તેની પોઠ જ અગ્રગામી બનેલી છે. એ છે. માનવજીવનમાં કાવ્ય-કળાનો ફાળો નહિ, આરોહ. પ્રાકૃત સપાટી ઉપર જીવતું જીવન જ્યારે જ્યારે ઊંચું ચડ્યું છે ત્યારે ત્યારે તેણે જે શિખરિતતા સાધી છે તેમાં કળા એક અસાધારણ ઉન્નત શિખર છે. એનાથી ઊંચાં શિખરો છે, પણ તે એકાદ-બે, અથવા કહો કે એક જ. ગુજરાતી કવિતા માનવજાતિની કવિતાપ્રવૃત્તિમાં એક નાનકડી રેખા જેવી છે. છતાં પહોળાઈ વગરની રેખા જેમ જોઈ શકાતી નથી, તેને પુષ્ટ કરતી કશીક વિશાળતા તેની સાથે સંકળાયેલી જ હોય છે તે મુજબ ગુજરાતી કવિતામાં પણ ગુજરાતનું – અને એ રીતે માનવજીવનનું એક સમૃદ્ધ સત્ત્વ મૂર્ત થયું છે. અર્વાચીન કવિતા એ આપણી છેલ્લાં સો વર્ષની જીવનગતિનો, આપણી રસયાત્રાનો આપણા જીવનમાં સૂક્ષ્મતમ સંવેદનોનો આલેખ છે. એ સંવેદનની દિશા એક સદી પૂર્વેના જીવનથી જુદી ફંટાઈ સ્થૂલ સપાટી ઉપર આવીને, ઘડીક ગહનતાને ભોગે તે વ્યાપક બનવા લાગી. વિશાળ માનવજીવનના સંપર્કથી તે અનેક રીતે બાહ્ય સમૃદ્ધિથી મંડિત બની, માનવહૃદયની ઘણી અણગાયેલી અનુભૂતિઓ, પ્રકૃતિની અનેક અણદીઠેલી છટાઓ, માનવઊર્મિની કેટલીક નવીન સંકુલતાઓ અને વિપુલતાઓ આદિથી તે પ્રસ્પંદિત બની. આજ લગી તેણે જે અનુભવ્યું છે તેથીયે વિશેષ વ્યાપક અને ઊર્ધ્વ તથા ગહન તરફ તેણે ગતિ કરવાની છે. આજના અર્વાચીન મનોવૈભવ અને તત્ત્વસામર્થ્યને સાથમાં લઈ તેણે હજી ‘આરોહણ’ કરવાનાં છે, ‘નિમજ્જન’ કરવાનાં છે. એ તરફ અર્વાચીન કવિતાની ગતિ બઢો અને એની શાશ્વત સુદીર્ઘ યાત્રામાં આ નાનકડું પુસ્તક ભલે થોડા કાળ સુધી, માર્ગના અમુક અંતરાળ સુધી અદનો પરિચારક બની રહો. (1946)
[‘સાહિત્યચિંતન’, 1978]