ગુજરાતી સૉનેટકાવ્યો/ન હવે
Jump to navigation
Jump to search
૧૦૪. ન હવે
રામચન્દ્ર પટેલ
અહીં કાલે મારા ઘરમહીં સુંવાળું રમતિલું
હતું ઊગ્યું ભીનું સુખડ અજવાળું, હીરમઢી
રૂપાળી મ્હોરી’તી હરખભર ભીંતો, દિલ પરે
લઈ કંકુથાપા ઊછળતું હતું લીંપણ બધે.
કમાડો ખીલેલાં, રૂમઝૂમ થતો ઉંબર બની
ગયેલો ઝૂલો ને કલરવ થઈ તોરણ હતું
ઊડ્યું : અંધારાનું રૂપ બદલી મ્હેકી મઘમઘ
થઈ કૂણો ટૌકો રણકતું હતું કોડિયું કુંભે.
બધે કાલે મીઠો હરિત કિનખાબી મલકતો
મહામૂલો મારો સમય અવ શોધું : ફરી ફરી
દૃગો બે ચોંટાડું : નસનસ મહીંથી તિમિરનાં
ચઢી મોજાં ફાટે-ઘૂવડઘૂકમાં હું ખખડતો.
ફરી આવી મોભે કદિય ન હવે ચાંદ ઠરશે,
જશે વર્ષો મારાં : ન ફરફરતાં પાંદ બનશે.
(‘કુમાર’ : જુલાઈ, ૧૯૭૧)