ગુજરાતી સૉનેટકાવ્યો/મરજીવિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૮૦. મરજીવિયા

પૂજાલાલ

સમુદ્ર ભણી ઊપડ્યા કમરને કસી રંગથી
અટંક મરજીવિયા, ડગ ભરન્ત ઉત્સાહનાં;
પ્રદીપ્ત નયનો; અથાગ બળ ઊભરે અંગથી;
મહારવતણી દિશા પર ઠરી બધી ચાહના.

ડર્યાં પ્રિયજનો; બધાં સજલનેત્ર આડાં ફર્યાં,
શિખામણ દીધી : ‘વૃથા જીવન વેડફો કાં ભલા,
કહીંથી વળગી વિનાશકર આંધળી આ બલા?’
પરન્તુ દૃઢ નિશ્ચયી નહિ જ એમ વાર્યા વર્યા.

ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકરે;
તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડ્યા,
હઠ્યા ન લવ તોય, સાહસિક સર્વ કૂદી પડ્યા
અગાધ જળમાં, પ્રવેશ કીધ કાળને ગહવરે.

ખૂંદ્યાં મરણનાં તમોમય તળો અને પામિયા
અખૂટ મણિમોતીકોષ, લઈ બ્હાર એ આવિયા.