ગુજરાતી સૉનેટકાવ્યો/મેઘલી રાત
Jump to navigation
Jump to search
૭૭. મેઘલી રાત
વિનોદ અધ્વર્યુ
તિમિર ટપકે પર્ણે પર્ણે ભીનું વન આ બધું,
થથરતી ઊભી ઠંડી વૃક્ષો તળે પલળી રહી,
નિજ નીડ કશે ખોતાં, રોતા વિહંગમશો દીસે
પવન ધ્રૂજતો ટાઢે, શોધે અહીંતહીં આશરો.
લઘુ મઢૂલીમાં આછાં તેજે તરે પરછાંય બે,
સગડી સમીપે વૃદ્ધા, હુક્કો પણે ગગડી રહ્યો,
ઉભય નિતની ભૂલી વાતો ગયાં ગળી મૌનમાં,
સમદર-તલે મોતી ગોતી રહી સ્થિર આંખડી.
શીહરી ઊઠતાં પર્ણો, ઝીણા સ્વરો તમરાં તણા,
તિમિર મહીં તે ઘોળી પીતાં નશો ચઢતો; અને
જીરણ સગડી ખાતી ઝોકાં જતી હળવે ઢળી,
શ્રમિત વિરમ્યો ઠંડો હુક્કો હવે નથી હાંફતો.
અધખૂલી, પછી બારીમાંથી બિડાલ કૂદે છતાં
નજીક જ પડી તોયે હાલી નહીં કરજેષ્ટિકા.