ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/સર્જકલક્ષી (પીએચ.ડી.)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. સર્જકલક્ષી
૧. શીર્ષક : પ્રીતમ : એક અધ્યન
સંશોધક : અશ્વિનભાઈ ડુંગરદાસ પટેલ
માર્ગદર્શક : પ્રો. મોહનભાઈ પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૭૫

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ મહાનિબંધમાં મધ્યકાલીન કવિ પ્રીતમના જીવન તથા સમગ્ર સાહિત્ય પ્રદાનને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૧માં કવિ પ્રીતમદાસનાં કૂળ, જન્મ તથા સમયગાળા વિશે વિગતો રજૂ કરી છે. પ્રીતમદાસના ગુરુઓ તથા તેમની જ્ઞાનપ્રાપ્તિ વિશે માહિતી આપી છે. પ્રકરણ-૨માં કવિ પ્રીતમનું જીવન તથા તેમની સમકાલીન ધાર્મિક, સામાજિક, રાજકીય, પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે. આ સમગ્રની સામે પ્રીતમદાસનો સંઘર્ષ આલેખાયો છે. તેમની ઉચ્ચાવસ્થાનો પરિચય પણ કરાવ્યો છે. પ્રકરણ-૩માં કવિ પ્રીતમની કૃતિઓમાં તેમનાં પદો તથા અન્ય રચનાઓની વિશિષ્ટતાઓ ઉદાહરણ સહિત રજૂ કરી છે. પ્રીતમની ભાષાપ્રતિભાનો પરિચય કરાવ્યો છે. પ્રકરણ-૪માં પ્રીતમના શિષ્યોની પરંપરામાં તેનો ઓસરતો પ્રભાવ આલેખ્યો છે. ભક્તિ કવિતામાં પ્રીતમનું મહત્ત્વ તથા પ્રીતમને ગુજરાતનો સુરદાસ ગણી તેની કવિતાસિધ્ધિને બિરદાવી છે. આ મહાનિબંધમાં પ્રીતમના સાહિત્યમાં રજૂ થયેલાં જીવનદર્શન વિશે પણ માહિતી અપાઈ છે. અંતે ઉપસંહાર તથા પરિશિષ્ટ રજૂ કર્યા છે.

૨. શીર્ષક : સુરેશ હ. જોષી : તેમનું સાહિત્ય અને તેનો આધુનિક ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ
સંશોધક : સુમન શાહ
માર્ગદર્શક : પ્રો. મોહનભાઈ પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૭૭
પ્રકાશન વર્ષ : ઈ.સ. ૧૯૭૮

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ ત્રણ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ આધુનિક સાહિત્યના પ્રવર્તક સુરેશ જોષીનું સાહિત્ય તથા તેનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ એ વિષયને કેન્દ્રમાં રાખી ઊંડો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૧માં શુદ્ધ સર્જનકલા એટલે શું?, રૂપનો મહિમા, લઘુનવલના પ્રયોગો, કવિતાક્ષેત્રે આધુનિક સંવેદન, નિબંધ સ્વરૂપમાં નવ્ય પરિમાણો વગેરે મુદ્દાઓ વિશે વિગતે વિચારણા કરી છે. પ્રકરણ-રમાં સુરેશ જોષીના પ્રભાવથી નવલકથા ક્ષેત્રે જે નવી દિશા ઊઘડી તેની ઉદાહરણ સહિત ચર્ચા થઈ છે. નવલિકામાં ઘટનાનું તિરોધાન તથા રૂપનું મહત્ત્વ, નવલકથામાં પાત્રોના આંતરિક સંચલનોની અભિવ્યક્તિ, શુધ્ધ સાહિત્યિક કલા, આધુનિક સાહિત્યની સફળતા તથા સમયના વહેણ સાથે તેની સામે ઊભા થયેલા પ્રશ્નો વગેરે મુદ્દાઓની ઝીણવટભરી ચર્ચા સંશોધકે રજૂ કરી છે. પ્રકરણ-૩માં આધુનિક સાહિત્ય તેમ જ સાથે સાથે પરંપરાગત સાહિત્યનાં ખેડાણની વિગતો આપી સર્જક સુરેશ જોષીનો ગુજરાતી સાહિત્ય પર કેવો અને કેટલો પ્રભાવ પડ્યો તેની વિગતે વાત થઈ છે. અંતે ઉપસંહાર તથા સંદર્ભસૂચિ રજૂ થયાં છે.

૩. શીર્ષક : ઉમાશંકર : સાહિત્ય સર્જક અને વિવેચક
સંશોધક : ચંદ્રકાન્ત શેઠ
માર્ગદર્શક : પ્રો. મોહનભાઈ પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૭૯
પ્રકાશન વર્ષ : ઈ.સ. ૨૦૦૮

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ ત્રણ ભાગ તથા આઠ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક તથા વિવેચક ઉમાશંકર જોશીના સાહિત્યસર્જન તથા વિવેચનકાર્યને કેન્દ્રમાં રાખીને અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૧માં ઉમાશંકર પૂર્વેની ગુજરાતની સાંસ્કૃતિક તથા સાહિત્યિક પરંપરાનો વિસ્તારથી પરિચય કરાવ્યો છે, જેમાં સુધારકયુગ, પંડિતયુગ તથા ગાંધીયુગના સાહિત્યકારોને આવરી લીધા છે. પ્રકરણ-૨માં ઉમાશંકરના જન્મ, બાળપણ, શિક્ષણ તથા વ્યક્તિત્વવિકાસ માટેનાં ઘડતર પરિબળોનો વિગતે ખ્યાલ આપ્યો છે. પ્રકરણ-૩માં કવિ ઉમાશંકર વિશે વિસ્તૃત અભ્યાસ રજૂ કર્યો છે. જેમાં ‘વિશ્વશાંતિ’થી ‘મહાપ્રસ્થાન’ સુધીના કાવ્યસંગ્રહોની વિસ્તારથી વિચારણા થઈ છે. પ્રકરણ-૪માં નાટ્યકાર ઉમાશંકરનો પરિચય કરાવી તેમની નાટ્યકાર તરીકેની વિશેષતા-મર્યાદાઓ રજૂ કરી છે. પ્રકરણ-પમાં ‘શ્રાવણીમેળો’, ‘વિસામો’, ‘પારકાં જણ્યાં’ જેવી ઉમાશંકરની કૃતિઓને કેન્દ્રમાં રાખી તેમનાં કથાસાહિત્ય વિશે ચર્ચા કરી છે. પ્રકરણ-૬માં ‘હૃદયમાં પડેલી છબિઓ’ ભાગ-૧, ૨ તથા અન્ય ચરિત્રકૃતિઓને કેન્દ્રમાં રાખી ચરિત્રકાર ઉમાશંકરની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. પ્રકરણ-૭માં ‘ઉઘાડી બારી’ અને ‘ગોષ્ઠી’ નિબંધસંગ્રહોને કેન્દ્રમાં રાખી નિબંધકાર ઉમાશંકરની પ્રતિભાનો ખ્યાલ આપ્યો છે. પ્રકરણ-૮માં વિવેચક ઉમાશંકર વિશે વિગતે ચર્ચા કરી છે. ઉમાશંકરના વિવેચનસંગ્રહો તથા તેમની સાહિત્યપદાર્થ તથા કલાતત્ત્વને સમજવાની પ્રતિભા તથા તે અંગેના તેમના વિચારોનો પરિચય અહીં થાય છે. અંતે ઉપસંહાર રજૂ કરી, ઉમાશંકરની સાહિત્ય સમૃદ્ધિ, તેમના લેખો, તેમના વિશે લખાયેલા લેખો વગેરેની સૂચિ રજૂ કરી છે.

૪. શીર્ષક : સર્જક : રાધેશ્યામ શર્મા
સંશોધક : મેબલ વિલિયમ મેકવાન
માર્ગદર્શક : ડૉ. ચિનુ મોદી
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૨

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ સાત પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ આધુનિક સાહિત્યકાર રાધેશ્યામ શર્માની સાહિત્યસૃષ્ટિને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૧માં આધુનિક સાહિત્યની વિભાવના તથા તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરી છે. પ્રકરણ-૨માં ગુજરાતીમાં આધુનિક સાહિત્યના સર્જનથી માંડી વર્તમાન સમયમાં ખેડાતા સાહિત્યનો પરિચય કરાવ્યો છે, જેમાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક વગેરે ક્ષેત્રે આધુનિકતાનો પ્રભાવ વર્ણવ્યો છે. પ્રકરણ-૩માં સર્જક રાધેશ્યામ શર્માના જીવન તથા સર્જનનો પરિચય કરાવી, તેમનાં સર્જનમાં આધુનિકતા કેવી રીતે પ્રવેશી, તેઓ કેવી રીતે સબળ આધુનિક સાહિત્યકાર તરીકે ઉપસી આવ્યા તેની ચર્ચા કરેલ છે. પ્રકરણ-૪માં રાધેશ્યામની સમગ્ર વાર્તાસૃષ્ટિનો પરિચય કરાવી, પરંપરાથી ઉફરા ચાલી તેઓએ વાર્તાક્ષેત્રે કેવા નવીન પ્રયોગો કરી બતાવ્યા તેની ઉદાહરણ સહિત ચર્ચા રજૂ કરી છે. પ્રકરણ-પમાં રાધેશ્યામ શર્માની નવલકથાઓને કેન્દ્રમાં રાખી તેમની આધુનિક નવલકથાકાર તરીકેની ઓળખ આપી છે. પ્રકરણ-૬માં તેમની કવિતામાં આધુનિકતાનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો તે વાત રજૂ કરી છે. પ્રકરણ-૭માં આધુનિક સર્જક રાધેશ્યામની એક પ્રયોગશીલ સર્જક તરીકેની સિધ્ધિ-મર્યાદાઓ રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૫. શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં ઈન્દુલાલ યાજ્ઞિકનું પ્રદાન - એક અધ્યયન
સંશોધક : હરીશ સી. પારેખ
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૨૦૦૭

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ છ પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ નિબંધમાં ઈન્દુલાલ યાજ્ઞિકના સમગ્ર પ્રદાનનો પરિચય અપાયો છે. પહેલાં પ્રકરણમાં ઈન્દુલાલ યાજ્ઞિકના જીવનઘડતર તેમજ તેમનાં વ્યક્તિત્વનો ખ્યાલ અપાયો છે. ઉપરાંત તેમનાં આંતર-બાહ્ય સંઘર્ષનું નિરૂપણ કરતાં મહત્ત્વની સામાજિક, રાજકીય, નૈતિક અને સાહિત્યિક ઘટનાઓ નોંધી છે. ઈન્દુલાલ યાજ્ઞિકના સાહિત્ય સર્જનનો પરિચય અહીં અપાયો છે. બીજાં પ્રકરણમાં ઇન્દુલાલ યાજ્ઞિકનાં કથાસાહિત્યની વાત થઈ છે. ત્રીજાં પ્રકરણમાં ઈન્દુલાલ યાજ્ઞિકનાં નાટકો વિશે વિચારણા થઈ છે. ચોથાં પ્રકરણમાં આત્મકથાકાર તરીકે તેમના પ્રદાનની મૂલવણી કરી છે. પાંચમાં પ્રકરણમાં પત્રકારત્વ ક્ષેત્રે તેમનું કેવું મહત્ત્વનું પ્રદાન છે તે દર્શાવાયું છે. છઠ્ઠાં પ્રકરણમાં ઈન્દુલાલ યાજ્ઞિકનાં અન્ય સાહિત્ય એટલે કે ચરિત્રસાહિત્ય, પ્રવાસનિબંધો, સંસ્મરણો, સંપાદન વગેરેની વિચારણા કરીને સમગ્રલક્ષી મૂલવણી રજૂ થઈ છે. અંતે ઉપસંહારમાં સંશોધનનાં તારણો રજૂ થયાં છે.

૬. શીર્ષક : હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ: એક અધ્યયન
સંશોધક : જગદીશ એલ. ત્રિવેદી
માર્ગદર્શક : ડૉ. ઉષાબહેન ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ૨૦૦૯

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ છ પ્રકરણોમાં વિભાજિત છે. પહેલાં પ્રકરણમાં ‘હાસ્ય’ સંજ્ઞા અને તેની વિભાવના રજૂ થઈ છે. તદુપરાંત સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી ભાષાઓમાં હાસ્યનાં સ્થાનની ચર્ચા થઈ છે. બીજાં પ્રકરણમાં ગુજરાતી હાસ્યસાહિત્યની વિકાસરેખા રજૂ થઈ છે. તેમાં સુધારકયુગનાં હાસ્યસાહિત્ય, પંડિતયુગનાં હાસ્યસાહિત્ય, ગાંધીયુગનાં હાસ્યસાહિત્ય તથા અર્વાચીનયુગનાં હાસ્યસાહિત્યની ક્રમશઃ વિચારણા થઈ છે. ત્રીજાં પ્રકરણમાં હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડનાં જીવન અને સર્જનના પ્રેરક-પોષક પરિબળોની વાત થઈ છે. તેમનાં જીવનનાં બે તબક્કા રજૂ કર્યા છે. તેમાં એકમાં જન્મથી માંડીને બાળપણ, શિક્ષણ, વ્યવસાય વગેરેની વાત કરી છે. બીજામાં તેમનાં વ્યક્તિત્વની વિવિધ ભૂમિકાઓ - પિતા, પુત્ર, શિક્ષક, મિત્ર, હાસ્યલેખક, ચિત્રકાર, ચિંતક, પ્રવાસી, સમાજસેવક વગેરેની વાત કરી છે. પ્રકરણ ચારમાં ગુજરાતી હાસ્યસાહિત્યમાં લોકસાહિત્ય સાથે હાસ્યરસ રજૂ કરતા લોકકલાકારોની વાત કરી છે. તેમાં શ્યામસુંદર પુરોહિતથી શરૂ કરીને સાંઈરામ દવે સુધીના ચોવીસ જેટલા હાસ્યકલાકારોની વાત કરી છે. પ્રકરણ પાંચમાં હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડનાં ગ્રંથસ્થ સાહિત્યની વાત કરી છે. તેમાં ગુજરાતીમાં લખાયેલાં હાસ્યરસનાં દસ પુસ્તકોનો સમાવેશ કર્યો છે. પ્રકરણ છમાં તારણો અને મૂલ્યાંકનો આપ્યાં છે. તેમાં સાહિત્યસર્જન અને હાસ્યલેખકોની વિભાવનામાં શાહબુદ્દીન રાઠોડનાં સ્થાનને તટસ્થ રીતે મુકવાનો પ્રયાસ કર્યો છે.