ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર. જન્મ જેતલસરમાં. વતન જામનગર. શાલેય શિક્ષણ કચ્છ-માંડવીમાં. આથી ખલાસીઓ પાસેથી સાગરસાહસની કથાઓના અને પિતા પોલીસખાતામાં હોવાથી મીર, વાઘેરો, બારોટોનાં ટેક, સ્વાર્પણ, જવાંમર્દીની કથાઓના સંસ્કાર પડ્યા. કૉલેજનું શિક્ષણ એક સત્રથી આગળ નહીં. રાણપુરમાં હસનઅલી ખોજાના ‘સૌરાષ્ટ્રમિત્ર'માં ૧૯૨૭માં જોડાયા. પછી ‘સૌરાષ્ટ્ર'ના તંત્રીમંડળમાં. ત્યાંથી ‘ફૂલછાબ' સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા. ‘પ્રજાબંધુ' અને ‘ગુજરાત સમાચાર’ સાથે પણ સંલગ્ન. ‘મોજમજાહ' ફિલ્મ-સાપ્તાહિકના પણ તંત્રી રહેલા. ૧૯૪૫માં રણજિતરામ સુવર્ણચન્દ્રકથી પુરસ્કૃત. એમની સાગરકથાઓમાં ‘દરિયાલાલ' (૧૯૩૮) ઉત્તમ છે. ઉપરાંત ‘ભગવો નેજો' (૧૯૩૭), ‘સરફરોશ' (૧૯૫૩), ‘હાજી કાસમ તારી વીજળી' (૧૯૫૪), ‘રત્નાકર મહારાજ' (૧૯૬૪) વગેરે મુખ્ય છે; તો એમની ઐતિહાસિક નવલકથાઓમાં ‘ગિરનારને ખેળે' (૧૯૪૬), ‘સેનાપતિ' (૧૯૪૭), ‘ગુર્જરલક્ષ્મી' (૧૯૫૨), ‘શ્રીધર મહેતા' (૧૯૫૭), ‘કરાળ કાળ જાગે – ભાગ ૧-૨’ (૧૯૫૯), ‘ભૂત રડે ભેંકાર’ (૧૯૬૧) વગેરે મુખ્ય છે. એમણે વાઘેલાયુગ ગ્રંથાવલિ અને ગુજરાત ગ્રંથાવલિ અંતર્ગત ‘વિશળદેવ' (૧૯૬૦), ‘અર્જુનદેવ’ (૧૯૬૧), ‘ઈડરિયો ગઢ' (૧૯૬૨) વગેરે નવલકથાઓ આપી છે. એમણે આપેલી સામાજિક નવલકથાઓમાં ‘કોરી કિતાબ’ (૧૯૩૫), ‘વિરાટનો ઝબ્બો' (૧૯૩૮), ‘પુત્રજન્મ' (૧૯૪૦), ‘રામકહાણી' (૧૯૪૧) વગેરે નોંધપાત્ર છે; તો જાસૂસકથાઓમાં ‘છેલ્લી સલામ' (૧૯૬૨), ‘કેડી અને કાંટા' (૧૯૬૬) વગેરે ધ્યાન ખેંચે છે. ‘ઓટનાં પાણી' (૧૯૩૮), ‘શ્રી અને સરસ્વતી' (૧૯૫૬), ‘નીલરેખા' (૧૯૬૨), ‘જોબનપગી' (૧૯૬૪) વગેરે એમના નવલિકાસંગ્રહો છે. એમણે ‘અલ્લાબેલી' (૧૯૪૬), ‘જોગમાયા અને શિલાલેખ’ (૧૯૪૯), ‘અખોવન' (૧૯૫૭), ‘માર રાજ’ (૧૯૫૭) જેવા નાટ્યસંગ્રહો પણ આપ્યા છે. એમના પ્રકીર્ણ સાહિત્યમાં ‘હું બાવો ને મંગળદાસ’ (૧૯૩૬), ‘સુભાષચન્દ્ર બોઝ' (૧૯૪૬), ‘મૂંઝવતા પ્રશ્નો' (૧૯૪૭), ‘આપણે ફરી ન વિચારીએ?' (૧૯૫૯) વગેરેનો સમાવેશ થાય છે.