ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/જૂનું પિયેર ઘર — બલવંતરાય ક. ઠાકોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જૂનું પિયેર ઘર

બલવંતરાય ક. ઠાકોર

(મંદાક્રાંતા)

બેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તી પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;
સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળું કંઠ જૂના,
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂના:
ભાંડૂ ન્હાનાં; શિશુસમયનાં ખટમિઠાં સોબતીઓ
જ્યાંત્યાં આવી વય બદલિ સંતાય જાણે પરીઓ.
તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાપિ લે ચક્ષુ ઘેરી,
ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તી અનેરી:
ચૉરીથી આ દિવસ સુધિમાં એવિ જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!

બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતી, નાથ મ્હારા, ત્હમારી.

ભૂતપૂર્વમાં અભૂતપૂર્વનું ઉમેરણ

કાવ્યનાયિકા પિયરઘરે આવી છે. ‘જૂનું' કહ્યું છે, એટલે ઘણે વર્ષે આવી હશે, હવે પિયરઘરમાં કોઈ રહેતું પણ હશે કે કેમ? આવતાંવેંત હિંડોળાખાટે બેસીને હાશકારો મેળવે છે. હિંડોળો આમ ઝૂલે કદી તેમ, દસ વર્ષ પહેલાંની વાત્યું સાંભરે કદી પાંચ વર્ષ પહેલાંની. પોરો ખાધા પછી નાયિકા શું કરે છે? ‘ફરિવળિ બધે’— બારણું ખૂલતાંવેંત ઘરમાં લહેરખી ફરી વળે, તેમ મેડીએ મેડીએ, અને ઓરડે ઓરડે તે ફરી વળે છે. (આ સોનેટ મંદાક્રાંતા છંદમાં રચાયું છે. ‘બેઠી ખાટે'ની ચાર ગુરુ શ્રુતિ, ખાટ પર વિતાવેલો દીર્ઘ સમય સૂચવે છે. ‘ફરિવળિ બધે' ની સળંગ પાંચ લઘુ શ્રુતિ, હરફરની ત્વરિત ગતિ સૂચવે છે. બ. ક. ઠાકોરના જમાનામાં છંદના ઉચ્ચારણ પ્રમાણે જોડણી કરવાનો રિવાજ હતો. જેમ કે, ‘ફરીવળી'ની જોડણી ‘ફરિવળિ એમ કરાઈ છે.) મેડી એટલે આજનો મેઝેનિન ફ્લોર. સ્મૃતિનાં પડ પર પડ બાઝી ગયાં છે. વ્યક્તિઓ રહી નથી, કેવળ સ્મૃતિઓ રહી છે. નાયિકાના ચિત્તમાં વરવાં નહીં પણ માત્ર ‘રૂડાં' સાંભરણ સચવાયાં છે. સ્મૃતિપડ ઉકેલવાં નથી પડતાં, આપમેળે ઉકેલાય છે. પહેલું સાંભરણ કોનું હોય? ‘માડી મીઠી, સ્મિતમધુર’, શિશુનો પહેલો ઉચ્ચાર ઝાઝે ભાગે ‘મા' હોય છે. માડી પ્રેમમૂર્તિ તો પિતાજી ભવ્યમૂર્તિ! જે રસિક વાર્તાઓથી ગિજુભાઈ બધેકાએ બાળકોને રાજી રાજી કરી દીધાં હતાં, તેમાંની ઘણીખરી તેમણે વાંકીચૂકી દાદીઓ પાસેથી સીધેસીધી સાંભળી હતી. ફ્રેંચ લેખક પ્રુસ્તે ‘રિમેમ્બરન્સ ઓફ થિંગ્સ પાસ્ટ' નામે ૪,૨૧૫ પાનાંનો ગ્રંથ લખ્યો છે. ‘સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં' તે આનું નામ. સુરેશ જોષીએ કહ્યું છે તેમ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડીએ છીએ. ભાઈભાંડુ ગામ છોડી ગયા, સખીઓ ગઈ સાસરવાસ, તેમનાં સ્મરણ ઊડાઊડ કરે છે, પરીઓની જેમ એકાએક સૉનેટ વળાંક લે છે. અત્યાર સુધી તો ‘તુંને સાંભરે રે? હાજી, નાનપણાનો નેહ મુને કેમ વીસરે રે?'ના સૂરમાં કાવ્ય ચાલતું હતું અને અતીતનો આનંદ લુંટાતો હતો. હવે ભૂતપૂર્વમાં અભૂતપૂર્વનું ઉમેરણ થાય છે. નાયિકાનો પોતાના પતિ સાથે એવો તો મનમેળ છે કે લગ્ન પહેલાંના જીવનનોય એ સંગાથી રહ્યો હોય તેવું ભાસે છે. પતિ વગરનું પણ કોઈ જીવન હતું એવું તે કલ્પી શકતી નથી. પતિ જાણે બાળવેશ ધરીને નાયિકાના પૂર્વજીવનમાં વિચરી રહ્યો છે. નાયિકાના પાંચમા વર્ષનું સ્મરણ હોય તો પતિ એની સાથે કૂકા રમતો હોય, અને આઠમા વર્ષનું સ્મરણ હોય તો જોડેજોડે નદીમાં ધુબાકા મારતો હોય! આમ આશ્ચર્યના આંચકા સાથે કાવ્ય પૂરું થાય છે. અઘરાં કાર્યો કવિ તરત કરી આપે. હા, ચમત્કાર કરવાનો હોય, તો સહેજ વાર લાગે.

***