ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/ઢીંચણ ઉપર માખી બેઠી — રાવજી પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઢીંચણ ઉપર માખી બેઠી

રાવજી પટેલ

ઢીંચણ ઉપર માખી બેઠી ને
મને રડવું આવ્યું;
હે...તું કેટલાં બધાં વર્ષો પછી પાછી આવી ?
મારા ઢીંચણ કૂવાના ટોડલા જેવા સૂકાભઠ
એની પર કોઈનોય સ્પર્શ થતો ન’તો.
ચરામાં દર્ભ ઊગતો, સૂકઈ જતો,
તૃણ તૃણ થઈ ઊડી જતો.
ઝાડ પર બાચકો પોપટ બેસતા અને ખરી જતા
પણ મારા ઢીંચણ તો સાવ ઊંડી વાવ જેવા ખાલી ખાલી
આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે !
મને થાય છે :
ચોકની માટીમાં રગડપગડ આળોટું
પણ
હે...તું કેટલાં બધાં વર્ષો પછી પાછી આવી ?
આજે કામબામ નથી કરવું,
માખી ઊડી જશે તે પછી હું
મારા ઢીંચણને ચબ્બક ચબ્બક ધાવીશ.
બગીચામાંથી સૂર્યમુખીનું ફૂલ ચૂંટીને
એના પર મૂકીશ.
આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?
- રાવજી પટેલ

તુચ્છ વિષયો પર કવિતા કેમ નહિ? હોમરે ભલે ગાયો હોય ટ્રોયનો મહાસંગ્રામ, ઉમાશંકરે તો ગાયો ગોટલાને.. કાલિદાસે ભલે રચી ગાથા રઘુવંશી રાજવીઓની, સુંદરમે રચી ફૂટપાથની અને ઈંટાળાની. વળી આનોય ઉપહાસ કરતી કવિતાઓ આવી : નીતિન મહેતાની ‘જાજરૂની માખી’ કવિતાનો અંશ જુઓ :

સંડાસનું બારણું શરીરની લીલાથી
રોજ રોજ ખોલવું જ પડે.
આજે પણ બારણું ખોલતાં જ
મેં એક માખી જોઈ
તે મારા પગમાં પડી
અને વિનંતીના સ્વરે કહે
કવિવર ! મને મોક્ષ આપો
મને ગાંધીજી યાદ આવ્યા...
મારામાં નમ્રતાનો જોસ્સો આવ્યો
જય નર્મદ, યાહોમ કરીને
મેં માખી પર પેશાબ કર્યો
માખી મારા ગંગાજળમાં
ડૂબકાં ખાતી તરી ગઈ...

કવિતા વિષય પરથી નહિ, પણ આલેખન પરથી મહાન કે તુચ્છ બને. ઢીંચણે અમથું જંતુ બેઠું ને કવિનું જંતર જાગી ઊઠ્યું. તાર તંગ રાખીને જુઓ -સિતાર બજવૈયાથી તો શું પુરવૈયાથી પણ રણઝણી ઊઠશે. રામના ચરણસ્પર્શે શલ્યાની અહલ્યા, કૃષ્ણના કરસ્પર્શે કુબ્જાની કામિની, પણ મક્ષિકાના ઢીંચણસ્પર્શે કેવળ જ્ઞાનપ્રાપ્તિનો પ્રસંગ તો આ પહેલો જ. મારા તમારા જેવાના પગ પણ માખી બેસતાવેંત હાથ ઊપડે, પણ તે કવિતા લખવા નહિ. માખીમાત્રથી આનંદનું લખલખું આવી જાય એ અસ્તિત્વ કેટલું એકલું હશે.

કિતને દિનોં કે પ્યાસે હોંગે યારો સોચો તો
શબનમ કા કતરા ભી જિન કો દરિયા લગતા હૈ
(કૈસર-ઉલ-જાફરી)

કેટલાં વર્ષે તું પાછી આવી. હું સૂકોભઠ પડ્યો હતો, સ્પર્શસૂનો સાવ. ચાલો દિવાળી બેઠી. સૂર્યમુખીનાં ફૂલડે વધાવું. કવિએ જુઓ ચાહીચાહીને કરી મૂકી, માખીમાંથી મેનકા. લૈલા માટે મજનૂની આંખ, દેડકા માટે કુંવરીની ચૂમી, તેમ માખી માટે કવિનો પ્રેમ. સીમને તરણાંની સોબત, ડાળે ડાળે પંખીઓનો ઝૂલણા છંદ, ફૂલપંક્તિઓ પર પતંગિયાનાં ઊડતાં આશ્ચર્યચિહ્નો, કેવળ કવિની હયાતી ખાલી-ખાલી. હોઠ-ટેરવાં-કપોલ સૌને સ્પર્શ સુલભ; ઢીંચણ તે વહાલભૂખ્યો વચેટ ભાઈ. આકાશના ભૂરા ચોસલાનો ભૂખ્યો તે રાવજી. ક્યારેક પવનની આંગળીએ દોડે, ક્યાંક કિરણોની લસરપટ્ટીથી સરે. જીવન તરફ મોં રાખનારો, ઢીંચણને ધાવનારો. રાઈટિંગ પૅડ, બૉલપેન અને ટાંચણી લઈને કવિતા લખવા બેસનારામાંનો તે નથી. તેનું ચાલે તો લખવાનું શરૂ કરે ફૂલસ્કેપની તેંત્રીસમી લીટીથી. તેના ચબ્બક ચબ્બકથી આપણા હોઠ દૂધમલ થાય, તેના રગડપગડથી (રગડવું પરથી) આપણે રજોટાઈ જઈએ. બગીચેથી તે ફૂલ તો ચૂંટે, પણ પછી અંબોડલે નહિ, ઘૂંટણે મૂકે. (કુદરતમાં જે કોમળ છે તે ક્રૂર પણ. નકર માખી પર ઓવારી ગયેલો રાવજી કરે સૂર્યમુખીનો શિરચ્છેદ ?) મહોબ્બત કરવાવાળાને તો શું મધુબાલા ને શું માખી; શું અનારકલી ને શું અળસિયું. કવિ ઉમાશંકરે લખ્યું,

વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી
પશુ છે, પંખી છે, પુષ્પો,
વનોની છે વનસ્પતિ.

પણ ‘વિશ્વશાંતિ’નાં બુલેટિન બહાર પાડે એ બીજા. રાવજી હોઠ ફફડાવીને આટલું જ કહે છે :

આ પૃથ્વી પરની એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?

***