ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/દશમસ્કંધ — પ્રેમાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દશમસ્કંધ

પ્રેમાનંદ

નવલરામે કહ્યું છે, ‘રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો નથી.' આજે પ્રેમાનંદનો હાસ્યરસ માણીએ. જેમ શ્રીમદ્ ભાગવતના ‘દશમસ્કંધ'ના ઓગણત્રીસમા અધ્યાયમાં, તેમ પ્રેમાનંદના ‘દશમસ્કંધ'ના ઓગણત્રીસમા અધ્યાયમાં રાસલીલાનો પ્રસંગ આવે છે. પ્રેમાનંદે તો કહ્યું જ છે, ‘આ પાસા વ્યાસ વાંચે સંસ્કૃત, આ પાસા મારું પ્રાકૃત.' પહેલાં શ્રીમદ્ ભાગવતનો પ્રસંગ જોઈએ: પૂનમની રાતે મોહને ગોપીઓનાં મન હરી લેતું મોહક વાંસળીવાદન શરૂ કર્યું. ગોપીઓનાં સંકોચ ને મર્યાદા છૂટતાં ગયાં. જે ગોપીઓએ કૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવાની સાધના સાગમટે કરી હતી, તે એકમેકને કહ્યા કારવ્યા વગર ચાલી નીકળી. ઉતાવળે ચાલવાથી કાનનાં કુંડળ ઝૂલતાં હતાં. કોઈ ગાય દોહવાને ટાણે, તો કોઈ પડેલે ભાણે નીકળી પડી. કોઈ દૂધ ઊકળતું મૂકીને તો કોઈ બાળક કકળતું મૂકીને નીકળી પડી. કોઈએ કાજળ અરધાં આંજ્યાં, કોઈએ વસ્ત્ર અવળાં પહેર્યાં. ભક્તિરસ કહો તો ભક્તિરસ, શૃંગારરસ કહો તો શૃંગારરસ. પ્રેમાનંદમાં પ્રસંગ તો એનો એ રહે છે પરંતુ હાસ્યરસ પ્રધાન થઈ જાય છે: વિઠ્ઠલવરની વાંસળી સંભળાતાં જ ગોપીઓ હાવરીબાવરી થઈ ગઈ.

વિપરીત કામ કરે સહુ શ્યામા, કામ દુષ્ટે પડ્યો કેડે રે,
ગૌ દોહીને દૂધની દોણી જળ-ગોળીમાં રેડે રે.

ગોપીની બધી મહેનત પાણીમાં ગઈ. ‘કામ' શબ્દ પાસેથી કવિ બેવડું કામ કઢાવે છે. ‘શ્યામ’ ગોપી હવે શ્યામની થઈ ગઈ છે, કૃષ્ણવિયોગે કજળી ગઈ છે. ‘કામ પાછળ પડ્યો છે' એવું કહી શક્યા હોત પ્રેમાનંદ, પણ એમની નજરમાં કમરનો લાંક ખરોને, એટલે કહે છે ‘કામ પડયો કેડે'.

કો વચ્છને સાટે ગૌને છોડે સાંઢને સેલો વાળે રે,
કો બાળકને સુવાડી હેઠળ ઉપર ઢોલિયો ઢાળે રે.

સેલો વાળવો એટલે દોહવા પહેલાં ગાયના પગ બાંધવા. અલી ગોપી, તું તો ઘેલાં કાઢે છે! વાછરું ધાવી શકે માટે ગાયને બાંધવાને બદલે, તેને છોડે છે? સાંઢને સેલો વાળે છે? લોકગીતોમાંયે આવો હાસ્યરસ મળી આવે.

ભવાન પટેલે ભેંસ લીધી, ને મોટાં શિંગડે મોહ્યા,
બોઘરણું લઈ દોહવા બેઠા ને પોકે પોકે રોયા

પાડાને દોહવા બેસે તેનું નામ ભવાન પટેલ અને સાંઢને સેલો વાળે તેનું નામ ગોપી.

કો ઊંધી દોણી માંડે અબળા, ઉતાવળી ગૌ દોહે રે,
કોઈ દોષ દ્યે દીપકને, અવળાં દર્પણ જોયે રે.

ગોપી ગાયને દોહ્યે જાય છે. પણ દોણી જ મૂકી છે ઊંધી.

રસોઈ કરતાં વેણુ સાંભળી, ભોજન કરે છે નાથ રે,
તે અન્ન પીરસતી ઊઠી ચાલી, ચાટવો રહ્યો છે હાથ રે.

આખ્યાન સાંભળતી સ્ત્રીઓ ખિલખિલાટ હસતી હશે: હું હીંડતી થઈશ! તમતમારે બેસી રહેજો, હાથ ચાટતાં!

કોએ નાહતાં નાદ સાંભળ્યો, મન થયું હરિમાં મગ્ન રે,
તે જળનીંગળતી ઊઠી ચાલી, વસ્ત્રવિહોણી નગ્ન રે.

ગોપી શૃંગારરસમાં નીતરતી ઊઠી ચાલી. તે નગ્ન હોવા છતાં નગ્ન લાગતી નથી, કારણ કે તેણે હાસ્યનું ઉપરણું ઓઢ્યું છે.

અવળાં આભરણ-ભૂષણ પહેર્યાં, મનડું હર્યું જગદીશ રે,
ઓઢણી પહેરી કટિસ્થાનકે, ચણિયા ઓઢ્યાં શીશ રે.

‘ચણિયાં ઓઢ્યાં શીશ રે’—ગોપીની મતિમાં રતિ પ્રવેશ્યો, ગુહ્યાંગ ઉત્તમાંગ થયું. પ્રેમાનંદના એક સૈકા પછી, દયારામમાં આ ચિરંજીવ ચણિયો પાછો દેખાય છે:

સાંભળ રે તું સજની! મારી, રજની ક્યાં રમી આવી જી?
અવળો ચણિયો કેમ પહેર્યો છે? જેમતેમ વીંટી સાડી જી.

પ્રેમાનંદ આગળ કહે છે:

એક બાંહ્ય પહેરી ચોળીની, માંહે અવળો આણ્યો હાથ રે,
એક સ્તન ઉઘાડું દીસે, જેમ દહેરા વિના ઉમિયાનાથ રે.

પ્રેમાનંદ જો શૃંગારને તાકતા હોત, તો બે સ્તન અરધાં દેખાડતે, પણ હાસ્યને તાકે છે, એટલે એક સ્તન આખું દેખાડે છે. ઉમિયાનાથ, દહેરા વિનાના હોય તોય, પૂજા-અર્ચનાને યોગ્ય તો ખરા જ! દેવતાઓનું ઓઠું લઈને શૃંગારિક વર્ણન કરનારા પ્રેમાનંદ કંઈ પહેલા કવિ નથી. ‘કુમારસંભવ'માં કાલિદાસ લખે છે, ‘વસ્ત્ર સરકવાથી લજ્જા પામતી પાર્વતીએ હથેળીઓથી શિવનાં બે નેત્ર ઢાંકી દીધાં, પરંતુ ત્રીજા નેત્ર વિશે કશું કરી ન શકી.'

કો કાજળે કરીને સેંથો પૂરે, કો નયણે આંજે સિંદૂર રે.

જે યુવતી અખાના સમયમાં આંખનું કાજળ ગાલે ઘસતી હતી, તે પ્રેમાનંદના સમયમાં કાજળથી સેંથો પૂરે છે. ભૂલ જૂની છે, રીત નવી છે. પછી આઠ પંક્તિની યાદી આવે છે: ગોપીએ હાથની વીંટી પગની આંગળીએ પહેરી, વીંછિયા પહેર્યા હાથે, ઝાંઝર કાને, કંકણ ઘૂંટીએ, કંદોરો કંઠે, માળા કેડે, બાજુબંધને બદલે ગોફણ પહેરી, શીશફૂલ બાંધ્યા પોંચે... આખ્યાન આગળ વધે છે પણ કાવ્ય આગળ વધતું નથી. ‘આ પાસા' ભાગવતનો શૃંગારરસિત ઓગણત્રીસમો અધ્યાય અને આ ‘આ પાસા’ પ્રેમાનંદનો હાસ્યરસિત ઓગણત્રીસમો અધ્યાય. ઉમાશંકર જોશીએ ભલું નોંધ્યું છે, ‘હાસ્ય પ્રેમાનંદની રગોમાં ઊછળે છે. પરિસ્થિતિમાં હાસ્યની શક્યતા હોય અને પ્રેમાનંદ એ ચૂકે એ કદી બને નહીં.' આપણી પાસે શેક્સપિયર નથી પણ આપણી પાસે પ્રેમાનંદ તો છે.

***