ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/નામ લખી દઉં — સુરેશ દલાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નામ લખી દઉં

સુરેશ દલાલ

ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી લઉં!
અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે...
ત્યાં તો જો —
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે...
વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં.
તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!

તમને નિહાળું કે તમારી સંગાથે વાત કરું?

‘લાવ નદીના પટ પર તારું નામ લખી લઉં!’ તમે કહેશો, ‘ન લખાય, જળ પર નામ ન લખાય.' પરંતુ કવિ પાસે તરકીબ છે. ‘પવનની આંગળીએથી' જળ પર લહરીઓ લખી શકાય. કવિ વહેતા જળ પર નહીં, પરંતુ વહેતી પળ પર પ્રેયસીનું નામ લખવા ઇચ્છે છે. ‘પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે...' —બે પાંખ ફરકવાથી પંખી ઊડે અને બે હોઠ ફરકવાથી શબ્દ, પ્રેયસીના બોલવાની અસર કેવી થઈ? 'ત્યાં તો જો – આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો, તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…' – પ્રેયસીએ પહાડને કહ્યું હોત, તો બે-ચાર પડઘા પડત, પણ કવિને કહ્યું, એટલે ‘કલશોર ધબક્યો'. સુરેશ દલાલના પ્રથમ સંગ્રહનું આ પ્રથમ કાવ્ય! ત્યાર પછી તેમણે રચેલા કાવ્યસંગ્રહોની સંખ્યા ગણવા જઈએ, તો બે હાથના વેઢાયે ઓછા પડે. આ પંક્તિની લયલીલામાં પણ આપણને વહેતા તરંગનો કલશોર સંભળાય છે. વક્ષ ઉપરથી સરી પડેલા પાલવને સરખો કરતાં, ઢળી પાંપણે ઊંચે જોતી નાયિકાને આપણે પણ જોઈ શકીએ એવું સુરેખ શબ્દચિત્ર! (આને કહેવાય સ્વભાવોક્તિ અલંકાર.) પાલવ વક્ષ ઉપરથી સરી પડ્યો હશે? કે નાયિકાએ સરવા દીધો હશે? ‘ત્યારે તારી માછલીઓની મસ્તી શી બેફામ.' – પહેલાં 'નદીનો પટ' આવ્યો, પછી ‘માછલીઓ’ આવી. નાયિકાની આંખો માછલીઓ જેવી છે. (એનું નામ મીનાક્ષી હશે?) ‘લાવ નદીના તટ પર ઠામેઠામ લખી લઉં' – પહેલાં પટ પર લખવું હતું, હવે તટ પર લખવું છે. પ્રવાહી ઇચ્છા નક્કર થઈ છે. 'તવ મેંદીરંગ્યા હાથ' —પ્રેયસીએ મેંદી મુકાવી એટલે મંગલ પ્રસંગ હશે. 'લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!’ —અહીં અધિકાર જમાવવાની ચેષ્ટા (પઝેસિવનેસ) દેખાય છે. કાવ્યમાં અત્ર તત્ર સર્વત્ર ગતિમાન ચલચિત્ર જોવા મળે છે: ‘પવનની આંગળી, નદીનો પટ, અધીર, ઊડવા માટે આતુર, પાંખ ફરકે, વહેતા ચાલ્યા અક્ષર, તરંગની લયલીલા, સરી પડેલો, [[right|મસ્તી શી બેફામ.’ આવી ગતિ ગદ્યમાં ન ઝિલાય માટે કવિએ કટાવ છંદ પલોટ્યો છે. કવિએ પવનને ‘ફૂલપાંદડી જેવો કોમળ’ કહ્યો છે. પવન ફૂલથી વધારે કોમળ હોય. ફૂલ સાથે સરખાવવાથી પવનની કોમળતાનું ગૌરવ વધતું નથી પણ ઘટે છે. ‘લાવને મારું પણ ત્યાં નામ લખી દઉં’—'પણ' શબ્દ શું કામ? શું હથેળી પર બીજા કોઈનું પણ નામ લખાયું છે? કવિએ પ્રેયસીના હોઠ ફરકતા જોયા છે, એ શું બોલી તે સાંભળ્યું નથી.

તુમ મુખાતિબ ભી હો, કરીબ ભી હો
તુમ કો દેખેં કિ તુમ સે બાત કરેં?
-ફિરાક ગોરખપુરી

(તમે મુખોમુખ છો, સમીપે પણ છો. તમને નિહાળું કે તમારી સંગાથે વાત કરું ?)

***