ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/ભાભી — દા. ખુ. બોટાદકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભાભી

દા. ખુ. બોટાદકર

ટહૂકે વસન્તકુંજ કોકિલા રે લોલ,
ઘરમાં ભાભીનાં એવાં ગીત રે.

ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ.

વીરા મારાની મધુર મોરલી રે લોલ,
નવલા એ રાગ વહે નિત્ય રે. ભાભીના૦

છોડી પિયરની એણે પાલખી રે લોલ,
મૂકી માયાભરી ભરી માત રે. ભાભીના૦

વહાલાંનો સંગ કર્યો વેગળો રે લોલ,
મારા એ બન્ધવાને માટ રે. ભાભીના૦

સહિયરનો સાથ ત્યજ્યો સામટો રે લોલ,
દાદાનો દૂર કર્યો દેશ રે. ભાભીના૦

ખાંતનાં ભરેલ ત્યજ્યાં ખેલણાં રે લોલ,
છોડ્યો બાળાપણ વેશ રે. ભાભીના૦

એ તો અમારી અન્નપૂરણા રે લોલ,
વીરાના વંશ કેરી વેલ્ય રે. ભાભીના૦

હસતી ઉષા એ અમ આભની રે લોલ,
રઢિયાળી રંગડાની રેલ રે. ભાભીના૦

માડીજાયો તે મધુર મોરલો રે લોલ,
ભાભી ઢળકતી શી ઢેલ રે. ભાભીના૦

વીરો મહેરામણ મીઠડો રે લોલ,
શીળી સરિતની એ સેર રે. ભાભીના૦

ચળકે સદાય એને ચાંદલો રે લોલ,
જીવે એ જુગ-જુગ જોડ રે. ભાભીના૦

હૈયાં એ હેતભર્યાં હીંચજો રે લોલ,
પૂરે પ્રભુજી એના કોડ રે. ભાભીના૦

-દા.ખુ.બોટાદકર (ટૂંકાવીને)


ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

બોટાદકર ભારે લોકપ્રિય કવિ હતા. આ ગીત લીધું છે કાવ્યસંગ્રહ ‘રાસતરંગિણી' (૧૯૨૩)માંથી, જેની પચીસ હજાર નકલ વેચાઈ હોવાનું કહેવાય છે. સો વર્ષ પૂર્વે લખાયું હોવા છતાં ગીત તાજું લાગે છે. સુવર્ણને કાટ ન લાગે.

લોકગીતોમાં નણંદ-ભોજાઈની તકરારોનાં વર્ણન આવે. તેથી વિપરીત આ ગીતની નણંદ ભાભીનું ગુણદર્શન કરતાં થાકતી નથી. સદી પહેલાંના સમાજમાં સ્ત્રીઓ પ્રભાતિયાં, આરતી, હાલરડાં, ગરબા એમ નાનાવિધ ગીતો ગાતી. તેને ‘કોકિલા'ની ઉપમા આપવી યોગ્ય જ છે. (માદા નહિ પણ નર કોયલ જ ગાય, એવા પંખીશાસ્ત્રની ઉપેક્ષા કરવી રહી.) પોતાનો પરિવાર પણ વસંતકુંજ સમો ઉત્ફુલ્લ છે એ કહેવાનું નણંદ ચૂકતી નથી. પુરુષ તર્કપ્રધાન અને સ્ત્રી લાગણીપ્રધાન. માટે ‘ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ.'

પંક્તિએ પંક્તિએ આવતી વર્ણસગાઈ આ ગીતનું ઊડીને કાને વળગે તેવું લક્ષણ છે. એક વાર ગણગણી જુઓ- કકાર, ભકાર, મકાર, નકાર, પકાર.... કડીયુગ્મમાં આવતા પ્રાસ જોયા? ગીત-નિત્ય, માત-માટ, દેશ-વેશ વગેરે. ભાભી એવી મોરલી છે જે ભાઈની ફૂંકનું સૂરમાં રૂપાંતર કરે છે. અહીં સ્ત્રીની કલાસૂઝનું ગૌરવ થયું છે.

પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીએ પિયર ત્યજવું પડે. લગ્ન કરીને પાલખીમાંથી ઊતરવું પડે.સહિયરનો, વહાલાંનો, દાદાનો દેશ છોડવો પડે. ‘દાદા' એટલે કોણ? બળવંત જાની કહે છે કે કુટુંબમાં આધિપત્ય ધરાવતા પિતાના પિતા તે જ દાદા. જ્યારે લાભશંકર પુરોહિત સમજાવે છે કે લોકગીતોમાં જોડકાં વપરાય: દાદા-માતા, ભાઈ-ભાભી, કાકા-કાકી, મામા-મામી. કદી દાદા-દાદી એવો પદપ્રયોગ થતો નથી, માટે લોકગીત પૂરતું ‘દાદા' એટલે પિતા.

ભાભીએ ખાંતથી (હોંશથી) એકઠાં કરેલાં રમકડાં ત્યજ્યાં છે. અસલના વખતમાં બાળલગ્ન થતાં. કન્યા વયમાં આવે પછી તેને પતિગૃહે તેડાવાતી. માટે ખેલણાંનો ઉલ્લેખ ઉચિત છે. રસોડું સાચવતી નારી પરંપરાથી અન્નપૂર્ણા કહેવાઈ છે. વંશવૃક્ષ વધારનારી નારીને 'વેલ્ય' કહેવું સહજ છે. (એ અલગ વાત છે કે વંશવૃક્ષમાં આ ‘વેલ્ય'નો ઉલ્લેખ જ કરાતો નથી.) ભાભી સરિતા અને ભાઈ મહેરામણ, એટલું કહીને નણંદ અટકતી નથી. સરિતાના જળ થકી મહેરામણ મીઠડો થયો એવી અત્યુક્તિ કરે છે. અંતે, ભાઈના દાંપત્યજીવનને આશીર્વાદ અપાય છે.

ગીતમાં કેવી ઉપમાઓ પ્રયોજાઈ છે? ‘કોકિલા,' ‘વસંતકુંજ,' ‘મોરલી,' ‘પાલખી,' ‘વેલ્ય,' ‘ઉષા,' ‘મોર,' ‘ઢેલ,' ‘મહેરામણ,' ‘સરિતા.' ગીતની પરંપરાને પોષક એવી ઉપમાઓથી કાવ્યોચિત બાની બને છે. ઉપમાઓમાં નવીનતા નથી પણ પંક્તિઓ એવી ઊર્મિરસિત છે કે કૃતકતા વરતાતી નથી. આવા કાવ્યને આલંકારિકો ‘ભાવપ્રવણ' કહે છે. પદલાલિત્ય આ ગીતનો પ્રાણ છે. સો વર્ષ પહેલાં રચાયેલા આ ગીતને વાંચ્યા પછી આજના ગીતકારોએ સ્વયંને પૂછવું રહ્યું, ‘હું ગીતના સ્વરૂપને આગળ લઈ જાઉં છું, કે પાછળ?'

નણંદના મુખે કહેવાયેલા ગીતને સાંભળ્યા પછી હવે દિયરના મુખે કહેવાયેલું ભાભી વિશેનું ગીત સાંભળીએ. નરસૈંયાની ભાભીએ ફિટકાર કર્યો હતો. આ ગીતમાં ભાભી મહેણું તો મારે છે, પણ મીઠું:

ખેતરનો શેઢો ને શેઢાની પાળ ઉપર બપ્પોરી ભાથું અણમોલ,
એમાં ભાભીના મીઠા બે બોલ!

ચૂરમાની તાંસળીમાં માખણના લોંદાને મૂક્યો છે સાચવીને કોરે,
મધમીઠા રોટલામાં ઓકળીની ભાત રૂડી ભાભીની આંગળીઓ દોરે!
ભાઈના છાંયડામાં લ્હેરાતો લીલીછમ લાગણીના ખેતરનો મોલ!
એમાં ભાભીના મીઠા બે બોલ!

"નિરાંતે પેટ ભરી બેઠા શું દેવરજી? ઊટકવા ઠામ કોણ જાશે?
ઊંચી ઘોડીનો આ ઊંચો અસવાર આમ કેટલા દી' ઉછીનું ખાશે?
કાન જરા માંડો ઉગમણા પાદરમાં ક્યારનોય વાગે છે ઢોલ!"
આવા ભાભીના મીઠા બે બોલ!
(પરબતકુમાર નાયી - દર્દ)

***