ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/મા — કિરીટ દૂધાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મા

કિરીટ દૂધાત

મા
પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી
અને
થોડી વૃદ્ધ પણ હોય છે.
આપણામાં જ્યારે
સમજણ આવી જાય છે ત્યારે
કહીએ છીએ
“મા, તને કંઈ સમજણ નથી પડતી.”
પછી
મા કશું બોલતી નથી.
પચાપ ઘરના એક ખૂણામાં બેસીને
પોતાના વાથી પીડાતા
પગને પંપાળ્યા કરે છે.
પછી એક દિવસ
મા મરી જાય છે
અને આપણે
બે હાથ જોડીને કહી પણ શકતા નથી,
માફ કરી દેજે
મા.
સ્ત્રીઓનાં
બે સ્તનો વચ્ચેથી પસાર થતા
રાજમાર્ગ પર
દોડી દોડીને એક વાર
હાંફી જઈએ ત્યારે ઇચ્છા થાય છે
માના
વૃદ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની
ત્યારે ખ્યાલ આવે છે
મા તો મરી ગઈ છે
મા
જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.
- કિરીટ દૂધાત

મા વિશેની આ એક જુવાનિયાની ઉક્તિ છે, બાકી બાળક માતાની સુંદરતા કે વય વિશે તુલનાત્મક વિધાનો કરે ? એને માટે તો માનું હોવું જ પૂરતું. પ્રેમિકાને સામે કાટલે બેસાડીને પુરુષ માને તોળવા બેઠો છે. આમ નમતું મૂકે તો માવડિયો, તેમ મૂકે તો વહુઘેલો. અંગ્રેજી કહેવત છે: તમે પોતાની માને આમલેટ બનાવતાં શીખવી ન શકો. બુદ્ધિ આવી ગઈ એટલે બાને અબૂધ કહેવી પડે? બાને ઓશિયાળી ન બનવા દેવાની શરતે સ્વતંત્ર થઈ જવું એ જ યુવાનની કસોટી. બાકી તો શયદાના શેરમાં શબ્દફેરે કહેવું પડે:

મને એ જોઈને હસવું હજારોવાર આવે છે,
કે બા, તારા બનાવેલા તને આજે બનાવે છે.

શિશુની ક્ષણમાળામાં ફુમતું થઈને હાથવગી રહેતી બા, યુવાનના સમયપત્રકમાં આવે તો છાપભૂલ ગણાઈ જાય છે. પિતા જ્યારે હોતા નથી અને મા વધારે વૃદ્ધ થતી જાય છે. ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે :

‘આ પુત્ર મને સાચવશે ખરો ?’

*

દીકરાનો હાથ એને દગો દેશે તો ?

હું એને ટેકો આપી શકે એવું કશું જ કહી નથી શકતો.
ફક્ત મને મારા હાથ કાપી નાખવાનું મન થાય છે.
(વિપિન પરીખ)

ભીંતેથી પોપડો ખરે તેમ મા ખરી પડે છે એક દિવસ અને પછી ભીંતે નવો રંગ ચોપડાઈ જાય છે. ‘પછી એક દિવસ મા મરી જાય છે’ એવા બાય-ધ-વે સ્વરમાં મૃત્યુની ઘટના કહી દેવાઈ છે, કારણ વ્યક્તિની પહેલાં સંબંધ મરી ગયો છે. હાથ જોડીને માફી માગવાની વાત સમજાતી નથી. મા સાથે કરેલું ઓરમાયું વર્તન શાળાના વર્ગમાં કરેલું તોફાન તો નથી કે વાત કેવળ નતમસ્તક, બદ્ધહસ્ત ઊભા રહેવાથી પતી જાય. પ્રેયસીના સ્તનમાર્ગના નિત્યપ્રવાસીને ક્યાંથી જડે માતાના ચહેરાની કરચલિયાળી પોળ ? સુખે સાંભરે સોની ને દુઃખે સાંભરે રામ. આઘાતની ક્ષણે ‘ઓ માડી રે’ નીકળે કે ‘ઓ મહેબૂબા’? પ્રેમિકા અંગૂઠો બતાવી દે ત્યારે આપણને માની આંગળી ઝાલવી હોય છે, એવી હૈયાધરણ સાથે કે માએ બધું આપ્યું છે તો ક્ષમાયે આપશે.

आपत्सु मग्नं स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवेशि ॥
नैतत्शठत्वं मम भावयेथा, क्षुधातृषार्ता जननीं स्मरन्ति ॥

(મુસીબતમાં મુકાયો ત્યારે યાદ કરું છું તેને હે કરુણામયી દુર્ગા, મારી ધૂર્તતા ન ગણીશ, કારણ કે ભૂખ્યાંતરસ્યાં તો માને જ સ્મરે ને !)

સ્તનમંદિરનાં દ્વારો બહારની બાજુએ ખૂલનારાં છે.

***