ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી

[પ્રોફેસર, એમ. એ. એલએલ. બી.]

તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ છે; જન્મ સુરતમાં ઈ. સ. ૧૮૮૫ ને ૧૫મી ઍપ્રિલના રોજ થયો હતો. એમના પિતાશ્રી સ્વ. રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ગુજરાતના એક અગ્રગણ્ય સાક્ષર હતા અને એમના સંસ્કારો સર્વ એમના પુત્રમાં પૂર્ણ રીતે ઉતરી આવેલા છે. એમના પિતા નોકરીને અંગે ફરતા રહેતા, તેથી જૂદે જૂદે સ્થળોએ એમણે શિક્ષણ લીધું હતું. સન ૧૯૦૪માં બી. એ; અને સન ૧૯૦૬માં તેઓ એમ. એ; થયા હતા. સન ૧૯૦૭માં એલએલ. બી.ની પરીક્ષા પસાર કરી; પણ વિદ્યા પ્રતિ વિશેષ પ્રેમ હોવાથી અધ્યાપકની નોકરી પસંદ કરી; અને આજ ઘણાં વર્ષોથી (૧૯૧૧ પછી) વડોદરા કૉલેજમાં તેઓ ફિલસૂફી અને તત્ત્વજ્ઞાનના સિનિયર પ્રોફેસર તરીકે કામ કરે છે. તે ઉપરાંત કૉલેજના ગુજરાતીના વર્ગો પણ લે છે. ૧૯૨૧માં તેઓ Ethics(નીતિશાસ્ત્ર)ના યુનિવર્સિટી લેક્ચરર નિમાયા હતા. તેઓએ મૅટ્રિકથી એમ. એ. સુધીની પરીક્ષાઓમાં વર્ષો સુધી પરીક્ષક તરીકે કામ કર્યું છે. એમની પ્રવૃત્તિ સાહિત્ય અને કેળવણીના વિષયોમાં વિશેષ નજરે પડશે. તેઓ લાંબી મુદતથી મુંબાઇ યુનિવર્સિટીના ફેલો છે; સિન્ડિક તરીકે તેમણે ત્રણ વર્ષ કામ કર્યું છે, વળી ઍકેડેમિક કાઉન્સિલના સભ્ય નિમાયા છે. અભ્યાસ કરતા હતા ત્યારથી ‘બુદ્ધિપ્રકાશ’, ‘ગુજરાતશાળાપત્ર’, ‘વસન્ત’ વગેરેમાં તેઓ લેખ લખી મોકલતા; અને પોતે દક્ષિણનો પ્રવાસ કરેલો તેનું રસિક વર્ણન કાવ્યમાં ઉતાર્યું છે. એમણે એમનું પ્રથમ પુસ્તક ઈ. સ. ૧૯૧૦માં ‘જાપાનની કેળવણી પદ્ધતિ’ મી. શાર્પના રિપોર્ટ પરથી ગુ. વ. સોસાયટી માટે લખેલું; અને તે પછી ઈ. સ. ૧૯૧૩માં ગીઝોકૃત ‘યુરોપના સુધારાનો ઇતિહાસ’ લખેલો. તેમનાં સ્વતંત્ર પુસ્તકો ‘નિવૃત્તિ વિનોદ’ અને ‘સાહિત્ય વિનોદ’ એ નામથી છપાયેલાં છે; તે ગ્રંથો લોકપ્રિય નિવડ્યા છે. તે ઉપરાંત કૉલેજના વિદ્યાર્થીઓ માટે ઇંગ્રેજીમાં પુસ્તકો લખેલાં છે, જેની માગણી વિદ્યાર્થી સમૂહમાં વિશેષ રહે છે.

એમના ગ્રંથોની યાદી:

જાપાનની કેળવણીની પદ્ધતિ (પ્રો. શાર્પના ઇંગ્રેજી પુસ્તકનું ભાષાંતર) [૧૯૧૦]
યુરોપના સુધારાનો ઇતિહાસ (ગીઝોના ઐતિહાસિક પુસ્તકના થોડા ભાગનું ભાષાન્તર) [૧૯૧૩]
નીતિશાસ્ત્ર (રૅશડૉલના Ethics, P. B. Seriesનું ભાષાન્તર) [૧૯૧૭]
નિવૃત્તિ વિનોદ [૧૯૧૭]
નીતિ વિવેચન [પ્રો. વીજરીને રા. ઝાલાની સાથે] [૧૯૧૮]
ત્રિવેદી વાચનમાળા પ્રવેશિકા તથા પુ. ૧ થી ૭ સુધી. [૧૯૨૨–વડોદરા સેટ.]
[તેમના પિતાની સાથે] [૧૯૨૩–બ્રિટિશ સેટ]
સાહિત્ય વિનોદ [૧૯૨૮]
Studies in Deductive Logic [1912]
Studies in Inductive Logic [1914]
Psychology [1919]
Ethics [1920]
Logic in an easy chair [1925]

ઉપલી યાદી ઉપરાંત, તેમના છૂટક લેખો, સંવાદે ને ભાષણોની યાદી થાય તેમ છે; પણ તે છૂટાં છૂટાં માસિકોમાં ને અન્યત્ર પ્રસિદ્ધ થયેલાં છે. તેમના હાસ્યરસથી ભરપૂર સંવાદો કૉલેજોમાં ને અન્યત્ર મેળાવડાઓમાં ઘણીવાર ભજવાયા છે.