ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/આત્મારામ મોતીરામ દીવાનજી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આત્મારામ મોતીરામ દીવાનજી

[બી. એ.,]

એઓ જ્ઞાતે વાલ્મિકી કાયસ્થ અને સુરતના વતની છે. એમના પિતાનું નામ મોતીરામ ઇચ્છારામ દીવાનજી અને માતાનું નામ કમળાગવરી છે. એમને જન્મ સન ૧૮૭૩માં સુરતમાં થયો હતો. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે સુરતમાં લીધેલું. સન ૧૮૯૧માં મેટ્રીક થયા બાદ મુંબઈની વિલસન કૉલેજમાં તેઓ જોડાયા હતા. સન ૧૮૯૬માં તે કેમેસ્ટ્રી અને ફીઝીકસ ઐચ્છિક વિષય લઈને બી. એ. થયા. ડીગ્રી મળ્યા પછી તેઓ સરકારી કેળવણી ખાતામાં આસિસ્ટંટ માસ્તર તરીકે એલ્ફિનસ્ટન હાઇસ્કૂલમાં નિમાયા હતા; અને જાતમહેનત, પ્રમાણિકતા, સતત ઉદ્યોગથી તેઓ તે ખાતામાં એક પછી એક મોટી પાયરીઓએ, છેક એજ્યુકેશનલ ઇન્સ્પેકટર, ઉત્તર વિભાગના હોદ્દાએ પહોંચી, એ જગાએથી નિવૃત્ત થયા હતા. એ એમની બાહોશી અને કાર્યદક્ષતાનું ફળ હતું. કેળવણી ખાતામાં વહિવટી કામમાં, ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર અને પર્સનલ આસિસ્ટંટ ટુ ધી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે ઘણાં વર્ષો કામ કરવામાં કાઢેલાં; તેમ છતાં લેખનકાર્ય અને સાહિત્યના અભ્યાસ માટેની એમની અભિરુચિ ઝાંખી પડી નહોતી. એમને આરામ એટલે કોઈ પ્રકારનું કંઇક લેખનકાર્ય. ગુ. વ. સોસાઈટી માટે એમણે ‘ખગોળવિદ્યા’, ‘ખગોળ સંબંધી વ્યાખ્યાન’, ‘મિરાતે સિકંદરી’ અને ‘રોમનો ઇતિહાસ’ વગેરે ઉપયોગી ગ્રંથો લખી આપેલાં છે. ‘ખગોળવિદ્યા’ અને ‘ખગોળ સંબંધી વ્યાખ્યાન’ની તો ત્રણ આવૃત્તિઓ નિકળી ચૂકી છે અને મિરાતે સિકંદરી માટે માગણી થયા કરે છે, એ એમના ગ્રંથોનો ઉપાડ કેવો સારો છે તે દર્શાવે છે. સાહિત્ય પરિષદ ભંડોળ કમિટી માટે એમણે ફિરસ્તાકૃત ગુજરાતના ઇતિહાસ વિભાગનો અનુવાદ કરી આપેલો અને કેળવણી ખાતા માટે એમણે જૂદાં જૂદાં વિષયો પર લખેલાં પુસ્તકો અનેક છે, જેની યાદી નીચે આપી છે. એમના અભ્યાસના પ્રિય વિષયો ખગોળ, ઇતિહાસ અને ભૂગોળ છે. નોકરીમાંથી ફારગ થયા પછી તેઓ સુરત શહેરની એક વા બીજી સેવાપ્રવૃત્તિમાં પોતાનો સમય પસાર કરે છે. હમણાં સોસાઈટી માટે ‘ગ્રીસને ઇતિહાસ’ લખી રહ્યા છે. એટલે કે કાર્ય, કાર્ય અને કાર્ય એ એમના જીવનનો મુદ્રાલેખ છે.

એમના ગ્રંથોની યાદી:

૧. પશુના ઔષધનું શાસ્ત્ર [ઇંગ્રેજી પુસ્તકનું ભાષાંતર] સન ૧૯૦૫
૨. શારીર અને ઈંદ્રિય વિજ્ઞાનશાસ્ત્ર [અંગ્રેજીનો અનુવાદ.] ” ૧૯૦૫
૩. અશ્વ પરીક્ષા [ઇંગ્રેજીનો અનુવાદ] ” ૧૯૦૫
૪. સુરત જીલ્લાની ભૂગોળ ” ૧૯૦૬
૫. ખગોળ સંબંધી વ્યાખ્યાનમાળા ” ૧૯૦૭
૬. ભૂગોળવિદ્યાના મૂળતત્ત્વો ભા. ૧ ” ૧૯૦૮
૭. ભા. ૨ જો ” ૧૯૦૮
૮. ખગોળવિદ્યા ” ૧૯૧૦
૯. મિરાતે સિકંદરી ” ૧૯૧૪
૧૦. ફિરિસ્તાકૃત ગુજરાતનો ઇતિહાસ ” ૧૯૧૭
૧૧. માધ્યમિકશાળા માટે ભૂગોળવિદ્યા ભા. ૧ ” ૧૯૨૩
૧૨. ભા. ૨ ” ૧૯૨૩
૧૩. ભા. ૩ ” ૧૯૨૩
૧૪. ભા. ૪ ” ૧૯૨૩
૧૫. ભા. ૫ ” ૧૯૨૩
૧૬. પ્રાથમિકશાળા ”   ભા. ૧ ” ૧૯૨૪
૧૭. કન્યાશાળા ભા. ૧ ” ૧૯૨૫
૧૮. ભા. ૨ ” ૧૯૨૬
૧૯. પ્રાથમિકશાળા ”   ભા. ૨ ” ૧૯૨૮
૨૦. ભા. ૩ ” ૧૯૨૯
૨૧. રોમનો ઇતિહાસ ” ૧૯૨૯