ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ચિમનલાલ દામોદરદાસ ત્રિપાઠી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચિમનલાલ દામોદરદાસ ત્રિપાઠી (“કુઞ્જ”)

તેઓ અમદાવાદ પાસે સરખેજના વતની છે. જ્ઞાતિએ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ છે. સરખેજના માસ્તર દામોદરદાસ રણછોડભાઈ ત્રિપાઠીના તે વચલા પુત્ર છે. તેમનાં માતુશ્રીનું નામ રૂક્ષ્મણી દલસુખરામ છે. તેમનો જન્મ ઇ. સ. ૧૮૮૭માં અમદાવાદ જિલ્લાના ધોલેરા ગામમાં જ્યાં તેમના પિતા ગુજરાતી શાળામાં હેડમાસ્તર હતા, અને તેમનાં માતુશ્રી કન્યાશાળામાં હેડમિસ્ટ્રેસ હતાં, ત્યાં થયો હતો. તેમનાં માતા પિતાએ પોતાની નોકરી દરમિયાન ઉચ્ચ કર્તવ્યનિષ્ઠા તથા બાહોશીથી અપૂર્વ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને તેમના ઉચ્ચ ગુણો તેમના ત્રણે પુત્રોમાં ઉતરેલા છે. જગન્નાથ, સ્વ માસ્તર દામોદરદાસના જ્યેષ્ટ પુત્ર થાય, જેઓ “દીવાને સાગર”ના કર્તા તથા “ગુજરાતી ગઝલિસ્તાન”ના સંગ્રહકાર “સાગર” ઉપ નામથી ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે; ચિમનલાલ વચલા પુત્ર તથા મણિભાઈ કનિષ્ટ પુત્ર છે.

ઇ. સ. ૧૯૦૯માં મુંબઈ યુનિવસિટિની પ્રીવીઅસની પરીક્ષામાં નિષ્ફળ થયા પછી ચિમનલાલે વિદ્યા પ્રત્યે અનન્ય પ્રીતિ છતા “પ્રણયચિન્તા”ને લીધે અધ્યયનનો ત્યાગ કરેલો અને શિક્ષક તરીકે જીવન શરૂ કરેલું. હાલ તેઓ નડીઆદની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક છે

એમના પ્રિય વિષયો સંસ્કૃત અને ગુજરાતી સાહિત્ય છે. તેઓએ એક કવિ તરીકે જાણીતા થયલા છે, અને એમનો કાવ્યસંગ્રહ – “હૃદયકુંજ્જ” નામથી ઇ. સ. ૧૯૧૧માં પ્રસિદ્ધ થયો છે. તેમાં ઇ. સ. ૧૯0૫ થી ૧૯૦૯ સુધીનાં કાવ્યોનો સમાવેશ થાય છે. તેમની કવિતામાં નીતિ અને સ્નેહ પ્રતિ વિશેષ ઝોક રહે છે, તેમજ દિવ્ય શ્રદ્ધા અને ઇશ્વરભક્તિનું પ્રાબલ્ય જણાય છે. તેમણે ઇ. સ. ૧૯૦૫માં માસિકોમાં લેખો, કાવ્યો વગેરે લખવાનું શરુ કરેલું. એમના લેખો, કાવ્યો, વગેરે “બુદ્ધિપ્રકાશ”, “સુદર્શન”, “સુન્દરી સુબોધ” અને “જ્ઞાનસુધા”માં અવારનવાર પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. એમની લેખનશૈલી સરળ અને શિષ્ટ છે. એમણે એમના નિબંધોમાં ચર્ચેલા કેટલાક મુદ્દાઓ વિચારણીય જણાશે. “હૃદયકુંજ્જ” જેવો બીજો એક સંગ્રહ થઈ શકે તેટલાં તેમનાં કાવ્યો છૂટક છૂટક પ્રસિદ્ધ થયેલાં છે.

એમનો ગ્રંથઃ

“હૃદયકુંજ્જ”