ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/જન્મશંકર મહાશંકર બુચ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મશંકર મહાશંકર બુચ (ઉર્ફે લલિત)

તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ છે. તેમનો જન્મ ઇ. સ. ૧૮૭૭માં તા. ૩૦ જૂને (સંવત ૧૯૩૩ના બીજા જેઠ વદ ૫ ને શનિવારે) જુનાગઢમાં થયો હતો. માતાનું નામ સાર્થક ગૌરી હતું. તેમણે સંગીત પાયેલું ને પિતાજીએ સાહિત્યનાં અંજન આંજેલાં. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઇસ્કુલમાં પ્રથમ સને ૧૯૦૩માં નોકરી લીધેલી; તે પછી સને ૧૯૦૮ થી ૧૯૧૦ સુધી રાજકોટના તે વખતના અંગ્રેજી દૈનિક કાઠિયાવાડ ટાઈમ્સનું તંત્રીપદ લીધેલું અને તે સાથે એજંસીની સનદથી અદાલતોમાં ભાષાંતર કરી આપવાનું કાર્ય પણ તેઓ કરતા. પ્રથમ ‘ચંદ્ર’ માસિકમાં કવિતા લખી મોકલવાનું સને ૧૮૯૫થી શરૂ કરેલું; જો કે પ્રથમ કવિતાનો ફુવારો સને ૧૮૯૩માં ફુટેલો અને તે પછી ઘણાંખરાં ગુજરાતી માસિકો અને વર્તમાન પત્રોમાં એમની સ્વદેશભક્તિ, લગ્નસ્નેહ, બાલભાવ, પ્રભુની પ્રેમભક્તિ, જીવન સૌંદર્ય વગેરે અનેક વિષયો સંબંધી કવિતા અવારનવાર આવતી રહે છે. એમના કાવ્યસંગ્રહો “વડોદરાને વડલે” અને “લલિતનાં કાવ્યો” એ નામથી છપાયેલા છે; પણ તે પછી એમની રચેલી છૂટક પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિતા ઘણી મળી આવશે. અસહકારની હિલચાલ વખતે તેમણે મુંબાઇના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપકનું કાર્ય સને ૧૯૨૧ થી ૧૯૨૫ સુધી કરેલું અને તે પહેલાં કેટલાંક વર્ષો સુધી વડોદરા રાજ્યમાં લાયબ્રેરી ખાતામાં તેમને લોકોપદેશ તરીકે સને ૧૯૧૩ થી ૧૯૨૦ સુધી રોકવામાં આવ્યા હતા.

એમના મૃદુ અને સ્નેહાળ સ્વાભાવથી અને એમના માધુર્યભર્યા સાહિત્યરસિક કીર્તનો–કાવ્ય સંગીતથી અનેકનાં મન હરી લેતાજ નહિ પણ જીવન રસભર્યાં પાછા કરી દેતા તે જણાશે.

એમના ગ્રંથોની યાદીઃ

ગીત સંગીત–સીતા વનવાસ— ૧૯૦૩
લલિતનાં કાવ્યો. ૧૯૧૨
વડોદરાને વડલે. ૧૯૧૪