ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જેઠાલાલ ગોરધનદાસ શાહ

જ્ઞાતિએ દશા મઢ માંડલીઆ વાણીઆ; વતન ખંભાત; અને જન્મ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામમાં તા. ૧૦મી ઑક્ટોબર ૧૮૯૩ના રોજ થયો હતો. જન્મભૂમિમાં ગુજરાતી સાત ધોરણનો અભ્યાસ કરેલો અને માધ્યમિક અને ઉંચી કેળવણી અમદાવાદમાં વૈશ્ય બોર્ડિંગમાં રહીને મેળવેલી. સન ૧૯૧૭માં બી. એ;ની પરીક્ષા ઑનર્સ સહિત પાસ કરી અને સન ૧૯૨૩માં એમ. એ;ની પછી ઑનર્સ સહિત મેળવી. અત્યારે તેઓ અમદાવાદના લાલશંકર ગુજરાતી મહિલા પાઠશાળામાં અધ્યાપક છે. કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી લેખનવાચનનો શોખ અને ખાસ કરીને ભક્તિ સાહિત્ય પ્રતિ વિશેષ રૂચિ. એમનો પ્રથમ લેખ ભોજ કવિ વિષે સન ૧૯૧૮માં ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રસિદ્ધ થયો હતો. એમના પ્રિય વિષયો તત્ત્વજ્ઞાન અને તેમાંય શુદ્ધાદ્વૈત અને અલંકારશાસ્ત્ર છે. વલ્લભી સંપ્રદાયના સાહિત્યને પ્રકાશમાં આણવાને એમણે સ્તુતિપાત્ર યત્ન સેવ્યો છે. અત્યારસુધી એ સાહિત્ય પ્રાથમિક અવસ્થામાં હતું; પણ એમણે પુષ્ટિમાર્ગ એટલે શું? તત્ત્વદીપ નિબંધ, સુબોધિની ત્રણ ખંડમાં, અનુભાષ્ય, રસેશ શ્રીકૃષ્ણ, બસો બાવન વૈષ્ણવોની વાર્તા વગેરે પુસ્તકો રચીને એ સંપ્રદાયની કિમતી સેવા બજાવી છે; અને તે પણ કોઈ પણ પ્રકારના અંગત લાભ અર્થે નહિ પણ સંપ્રદાય પ્રતિની લાગણી અને સેવાભાવથી. એમની એ સેવા બદલ અમદાવાદ વૈષ્ણવ મહાસભા દ્વારા ચીમનલાલ રણછોડદાસ પારેખ સુવર્ણચંદ્રક સન ૧૯૨૯માં એમને અર્પણ કરવામાં આવ્યો હતો. વળી યુનિવરર્સિટી તરફનું નારાયણુ પરમાનંદ ઇનામ રૂ. ૨૦૦)નું અને બાલકૃષ્ણ પારિતોષિક રૂ. ૧૫૦)નું એમણે મેળવેલાં છે. તેમની સાહિત્ય સેવા બદલ ગોધરાના વૈષ્ણવ મંડળ તરફથી એક માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ એક ઉંચી કોટીના અભ્યાસી અને લેખક છે : ગુ. વ. સોસાઇટી તરફથી દયારામકૃત રસિક વલ્લભ જરૂરી નોટસ્ ઉપોદ્ઘાત સાથે એડિટ કરી આપવાનું એમને સોંપાયું છે.

એમના ગ્રંથોની યાદીઃ

૧ પુષ્ટિમાર્ગ એટલે શું? (સં. ૧૯૮૦)
૨ તત્ત્વદીપ નિબંધ (૧૯૮૧)
૩ બસોબાવન વૈષ્ણવની વાર્તા. (૧૯૮૨)
૪ સુબોધિની ખંડ. ૧ (૧૯૮૨)
ખંડ. ૨ (૧૯૮૨)
ખંડ. ૩ (૧૯૮૨)
૭ અણુભાષ્ય ભા. ૧ (૧૯૮૩)
ભા. ૨ (૧૯૮૫)
૯ રસેશ શ્રીકૃષ્ણ. (૧૯૮૪)
૧૦ સુરદાસ (૧૯૮૦)
૧૧ પંચડંડ અને અન્ય કવિતા–નોટસ્ સાથે– (૧૯૮૫)
 [સ્કુલ લિવિંગ સરટીફીકેટ પરીક્ષાનું પાઠ્ય પુસ્તક.]