ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/મહમદ સાદીક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મહમદ સાદીક

એઓ ઈરાક [મેસોપોટેમીયા]માં કરબલાના વતની અને જાતે આરબ છે. એમનો જન્મ કરબલામાં ઇ. સ. ૧૯૦૧માં થયો હતો. એમના પિતાનું નામ શેખ અહમદ સુલતાન સાહેબ અને માતાનું નામ મરિયમ બેગમ છે. એઓએ થોડોઘણો ગુજરાતી તેમ ઇંગ્રેજી અભ્યાસ મુંબાઇમાં કર્યો છે. તેઓ સન ૧૯૧૦માં હિન્દુસ્તાનમાં આવે તે પહેલા ઇરાકથી ઇરાનની મુસાફરી કરી હતી. તે વખતે રેલલ્વેનું સાધન નહિ, એટલે ઉંટ, ખચ્ચર, ઘોડા પર મુસાફરી કરવી પડી હતી. ત્યારે એમની ઉંમર આશરે આઠ વર્ષની હતી. હિંદમાં તેઓ પોતાના માતપિતા સાથે મુસાફર તરીકે આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પોતાના વતને પાછા ફરવા માંગતા હતા ત્યારે તેમના દેશના તુર્કી રાજા અને યુરોપિયન રાજ્યો વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી તેઓ હિંદમાંથી પાછા જઈ શક્યા નહોતા. અને તે પછી તરતજ મહા યુદ્ધ થવાથી હિંદમાં જ રહેવું પડ્યું હતું, એ મુદ્દત દરમિયાન તેઓએ ગુજરાતી અભ્યાસ કર્યો હતો.

એમની મૂળ ભાષા ફારસી છે અને મુંબાઇમાં રહ્યા પછી ઉર્દુ ઝબાન પર સાધારણ કાબુ મેળવ્યો; અને ગુજરાતી પુસ્તકો વાંચવાનો એમને ખૂબજ શોખ હોવાથી તેમણે પોતાના વાંચન શોખથી ગુજરાતી ભાષા પણ શીખી લીધી. એમણે પ્રથમ લેખ સન્ ૧૯૧૫માં લખ્યો હતો.

એમના અભ્યાસનો પ્રિય વિષય ઇતિહાસ છે. લેખનવાચન તરફ અભિરુચિ થવાથી એક પત્રકારનું જીવન એમને વિશેષ રૂચ્યું; હિંદુસ્થાન–મુંબાઇ સમાચાર–સાંજ વર્તમાન અને ભારત પત્રના રીપોર્ટર તરીકે અને તે પછી એ પત્રોના લેખક તરીકે કામ કરવા માંડ્યું. સન ૧૯૨૧થી તેઓ હિંદની રાજકીય લડતમાં જોડાયા છે અને આજ ઘડી સુધી તેઓ કોંગ્રેસ પક્ષમાં રહ્યા છે. અને હમણાં સત્યાગ્રહની લડતમાં જોડાતાં તેમાં તેમને એક માસની સજા થયેલી; તે ભોગવી તાજાજ તેઓ જેલમાંથી છૂટા થયા છે. ૧૯૨૪માં તેમણે શ્રી. શયદા સાથે મળીને “બે ઘડી મોજ” નામનું સાપ્તાહિક પત્ર કાઢ્યું, જે જનતામાં લોકપ્રિય થઈ પડ્યું છે અને બહોળો ફેલાવો પામ્યું છે. ગુજરાતના અગ્રગણ્ય સંસ્કારી લેખક ભાઈ–બહેનોનો એઓએ પોતાના નમ્ર મળતાવડા સ્વભાવને લીધે સારો સહકાર મેળવ્યો છે. ગુજરાતી પત્રકારિત્વમાં ‘બે ઘડી મોજે’ હળવું, રમુજી અને ઉપયોગી વાચનસાહિત્ય,–સચિત્ર–આપવાની પહેલ કરી, એક નવીન માર્ગ ખોલેલો છે; અને તે પ્રયાસ એટલો સફળ થયો છે કે તે પછી બીજા ઘણાઓએ એનું અનુકરણ કરવા માંડ્યું હતું. તેનું આ પ્રમાણે અનુકરણ થયું, એ તે પત્રના સંચાલકો માટે ખચિત્ અભિનંદનીય લેખાય. ભાઇ સાદીકે એ પત્રમાં અનેક ઉપનામો ધારણ કરીને માર્મિક કટાક્ષ કરતા અને પ્રાસંગિક ચર્ચા કરતા લેખો લખ્યા છે.

એમનાં પુસ્તકની યાદી નીચે આપેલી છે, તે પરથી જોઈ શકાશે કે અઠવાડિક પત્ર ચલાવવાનો શ્રમ ઉઠાવવાની સાથે, તેમનું અન્ય લેખનવાચન કાર્ય ચાલુ રહેલું છે અને એમાંનાં કેટલાંકની પ્રસ્તાવના જાણીતા સાક્ષરોએ લખી આપેલી છે; અને તે તે પુસ્તકોની ઉપયોગિતાની સાથે લેખકની શક્તિ અને કાર્યનું એક ઉત્તમ પ્રમાણપત્ર છે.

બંગાળી ભૂત [અનુવાદ] ઇ. સ. ૧૯૨૨
મહાત્મા શેખ સા’દી [પ્રસ્તાવના: દિ. બ. કૃષ્ણલાલ ઝવેરી.] ૧૯૨૪
દિલ્હીના મોગલ સમ્રાટ બહાદુરશાહ ઝફર
(પ્રસ્તાવનાઃ શ્રી. કનૈયાલાલ મુનશી.) ૧૯૨૫
રસ ઝરણા ૧૯૨૫
મહા કવિ ગાલિબ (સાંજ વર્તમાનમાં પ્રકટ.) ૧૯૨૬
સુલ્તાના રઝિયા (પ્રસ્તાવનાઃ દિ. બ. કૃષ્ણલાલ ઝવેરી.) ૧૯૨૮
દરબારે અકબરી (પ્રસ્તાવનાઃ પ્રો. કેશવલાલ કામદાર) ૧૯૩૦