ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/વેણીલાલ છગનલાલ બૂચ
સ્વ. વેણીભાઈ જામનગરના નાગર કુટુંબમાં ઈ.સ. ૧૮૯૯માં જન્મ્યા હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ વતનમાં લીધા પછી ૧૯૧૬ના અરસામાં તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં દાખલ થયા હતા. ત્યાંથી ૧૯૨૦ના અરસામાં તેઓ રસાયણશાસ્ત્રનો વિષય લઈને બી. એ. પાસ થયા. બરાબર એ જ વખતે ગાંધીજીએ દેશમાં અસહકારની લડત શરૂ કરી હતી. સ્વામી આનંદના સંસર્ગમાં આવતાં વેણીભાઈને પણ દેશસેવાની લગની લાગી. તેમણે તરત જ અસહકારની લડતમાં ઝંપલાવ્યું. સેવા અને સ્વાર્પણના રંગે તેમનું જીવન રંગાવા લાગ્યું. ગાંધીવાદી લોકસેવકને માટે પ્રહેલી શરત બ્રહ્મચર્યની હતી. ‘સ્વજનવિહોણા વેણીભાઈએ સારે ઠેકાણે થયેલ સગપણનું એક માત્ર જાળું તોડી નાખીને સમસ્ત દેશને સ્વજન બનાવી નિર્વ્યાજ સેવાકાર્ય સ્વીકાર્યું:’ તેઓ આજીવન બ્રહ્મચારી રહ્યા. એાછામાં એાછું વેતન લઈને વધુમાં વધુ કામ આપવાની તેમની ભાવના હતી. આથી તેમનું જીવન ‘અણીશુદ્ધ અપરિગ્રહી’ રહ્યું હતું. ૧૯૨૦-૨૧નાં વર્ષોમાં ‘નવજીવન’ સંસ્થાનાં મંડાણ થતાં હતાં તે વખતે સ્વામી આનંદે મુંબઈ યુનિવર્સિટીને આ ભાવનાશાળી ગ્રેજ્યુએટને પત્રપ્રકાશનની તાલીમ આપીને ‘નવજીવન’ના મુદ્રક-પ્રકાશક અને સંચાલકની જવાબદારી સોંપી હતી. એકાદ વર્ષ એ કામ કર્યા પછી વેણીભાઈ ભાવનગરની દક્ષિણમૂર્તિ સંસ્થામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાર પછી તેમણે સૌરાષ્ટ્રના જાહેર સેવાક્ષેત્રમાં પ્રવેશ કર્યો. કાઠિયાવાડ યુવક પરિષદ, રાજકીય પરિષદ અને સૌરાષ્ટ્ર સેવા સમિતિમાં સન્નિષ્ઠ, મૂક સેવક તરીકે તેમણે અનોખી ભાત પાડી હતી. ૧૯૩૦ની લડત પછી તેઓ વિરમગામને પોતાના સેવાક્ષેત્ર તરીકે સ્વીકારીને ત્યાં જ સ્થાયી થયા. વિરમગામ તાલુકા સમિતિના મંત્રી તરીકે તેમણે સતત પંદર વર્ષ સુધી ઊંચી ધ્યેયનિષ્ઠા ને નિઃસ્વાર્થ ભાવનાથી લોકસેવા બજાવીને ઉત્તમ છાપ પાડી હતી. તેમણે શ્રી જવાહરલાલ નેહરુના ‘Glimpses of the World History’ના મોટા ભાગનું ‘તવારીખની તેજછાયા’ નામે ભાષાંતર કર્યું હતું, જે પહેલાં સૌરાષ્ટ્ર કાર્યાલય દ્વારા ચાર નાની નાની પુસ્તિકાઓ રૂપે પ્રસિદ્ધ થયું હતું. અંગ્રેજી સાહસકથા ‘Tarzan Twin’નું ભાષાંતર ‘સ્ત્રીજીવન’ માસિકમાં તેમણે હપ્તે હપ્તે પ્રસિદ્ધ કર્યું હતું. આ ઉપરાંત ‘કુમાર’માં તેઓ અવારનવાર કિશોરકથાઓ, ચરિત્ર-લેખો અને પ્રકીર્ણ વિષયોના માહિતીદર્શક નિબંધો આપતા હતા. ઉપર્યુક્ત અનુવાદ તેમજ લેખો હજુ પુસ્તકાકારે પ્રસિદ્ધ થવા બાકી છે. કોંગ્રેસની પ્રત્યેક હાકલને માન આપીને વેણીભાઈએ છએક વાર કારાવાસ સેવ્યો હતો. તેને લીધે ક્ષીણ થઈ ગયેલ દેહને સેવાકાર્યમાં છેવટ લગી ઘસી નાખીને આ આદર્શ લોકસેવકે ૧૯૪૪ના ડિસેંબરની ૨૩મી તારીખે આત્મવિલોપન સાધ્યું હતું.
કૃતિઓ
- કૃતિનું નામ *પ્રકાર *પ્રકાશન-સાલ *પ્રકાશક *મૂળ કૃતિ
- ૧-૪ તવારીખની તેજ છાયા ભા. ૩-૪-૫-૬ *પત્રો *૧૯૩૫-૩૭ *સૌરાષ્ટ્ર કાર્યાલય, રાણપુર *શ્રી જવાહરલાલ નેહરુ કૃત ) ‘Glimpses of the World Histroy’નો અનુવાદ
(આના પહેલા બે ભાગ શ્રી ગુણવંતરાય આચાર્યો અનુવાદિત કર્યા છે. તેથી આખી માળા સળંગ ગ્રંથાકારે પ્રસિદ્ધ થતાં બંનેનાં નામ અનુવાદક તરીકે મૂકેલાં છે.)
- ૫: આ૫વીતી *આત્મકથા *૧૯૪૦ *નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ *ધર્માનંદ કાસંબીની મરાઠી આત્મકથાનો અનુવાદ
અભ્યાસ-સામગ્રી
- ૧૯૪૫ના જાન્યુઆરિ માસના ‘કુમાર’માં શ્રી બચુભાઈ રાવતે લીધેલી અવસાન-નોંધ.
***