ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા ‘ગની' દહીંવાલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા (‘ગની' દહીંવાલા)

[૧૭-૮-૧૯૦૮]

ગઝલકાર શ્રી અબ્દુલગની દહીંવાલા સૂરતના વતની છે, અને એમનો જન્મ પણ સૂરતમાં તા. ૧૭ ઓગસ્ટ ૧૯૦૮ના રોજ થયો હતો. એમના પિતાનું નામ શ્રી અબ્દુલકરીમ અબ્દુલરહેમાન દહીંવાલા અને માતાનું નામ દૂરબીબી. જ્ઞાતિએ તેઓ સુન્ની મુસલમાન-મનસૂરી છે. એમનું લગ્ન ૧૯૩૦માં શ્રી ઝયનબબીબી સાથે થયું હતું. શ્રી દહીંવાલાને માધ્યમિક તેમ ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો નથી. પ્રાથમિક ચાર ધોરણો તેઓ સૂરતની ઉર્દૂ-ગુજરાતી મિશ્ર શાળા નં. ૪માં ભણ્યા હતા (૧૯૧૯). વ્યવસાયમાં તેઓ દરજીની દુકાન ચલાવે છે. શ્રમીણ હોવાથી એમને વાંચવાનો સમય ઓછો મળે છે, પરંતુ મિત્રો સાથેના વાર્તાલાપનો લાભ લઈને તેમ જ કવિતાનાં પુસ્તકો અને સામયિકો વાંચીને સર્જાતા સાહિત્ય સાથેનો સંપર્ક જાળવે છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે એમને ‘મીર’નો ગ્રંથ વાંચવા મળેલો, ત્યારથી કવિતા એમનો પ્રિય સાહિત્યપ્રકાર રહ્યો છે. કવિ ‘ઈકબાલ,' એની ‘ખુદી'ને કારણે એમના પ્રિય લેખક છે, અને ‘બાંગેદરા' એમનો પ્રિય સાહિત્યગ્રંથ છે. ઈ. ૧૯૪૨-૪૩માં સૂરત ખાતે મહાગુજરાત ગઝલમંડળની સ્થાપના થઈ ત્યાર પછીના અમદાવાદ ખાતેના લેખકમિલનમાં એમણે ભાગ લીધો, અને સર્વશ્રી સુન્દરમ્, ઉમાશંકર અને મેઘાણીનો પરિચય થયો. તેમનો તથા ગુજરાતના વડીલ સાક્ષરોના મમત્વનો લાભ એમને મળ્યા કર્યો છે. એ લેખકમિલન જાણે એમના જીવનની મુખ્ય વિકાસદર્શક ઘટના બની ગઈ છે. ગઝલને ગુજરાતમાં સાચી કવિતા તરીકે સ્થાન મળે અને એના પ્રત્યેની સૂગ દૂર થાય એ એમનું લક્ષ્ય છે. ઈ. ૧૯૩૯માં મુસ્લિમોમાં નમાઝ પઢવા અને ધર્મપરાયણ થવા આંદોલન જાગ્યું ત્યારે તેમાં નમાઝ વિશેનું ઉર્દૂ :કાવ્ય પ્રથમ લખ્યું. ત્યારથી શ્રી દહીંવાલાની લેખનપ્રવૃત્તિનો આરંભ થયો. એમનાં ધર્મપત્નીએ સંસારનો ભાર એમના શિરેથી હળવો કરીને એ પ્રવૃત્તિમાં જાણે વેગ આપ્યો. ગુજરાતિમાં એમની પ્રથમ કૃતિ સૂરતના માળવીની વાડીમાં યોજાયેલા મુશાયરામાં રજૂ થઈ અને શ્રી ‘શયદા'ની શાબાશી મળતાં સર્જનપ્રવૃત્તિ વિક્રસી. ઈ. ૧૯૫૨માં સૂરતના નાગરિકોએ નગીનચંદ હૉલમાં મેળાવડો કરી કવિને એક હજાર રૂપિયાની થેલી આપી, અને એમાંથી ૧૯૫૩માં એમનો કાવ્યસંગ્રહ ‘ગાતાં ઝરણાં' પ્રગટ થયો. ગઝલ આપણે ત્યાં ઘણાં વર્ષોથી લોકપ્રિય રહી છે. એમાં પણ કેટલાક વળાંકો આવ્યા છે. હવે સૂફીવાદ-પ્રેમમસ્તીમાંથી પણ છૂટીને નવા ગઝલકારોએ નવનવા વિષયો આલેખવા માંડ્યા છે. શ્રી દહીંવાલા પણ એમાંના એક છે. પ્રેમની અને વિરહની વેદના, મદમસ્ત યુવાની, આશા-નિરાશા વગેરે કલ્પનાની પાંખે લાવેલા હૃદયભાવ દ્વારા ‘ધરાની કથની' તેઓ ગાય છે. એમની કેટલીક ગઝલ સળંગ કૃતિઓ તરીકે પણ આસ્વાદ્ય બની રહે છે, અને ઘણી ગઝલોમાંના છૂટા છૂટા શેર પણ અત્યંત ચોટદાર હોય છે. ગઝલ ઉપરાંત તેમણે કેટલાંક સુંદર ગીતો પણ લખ્યાં છે. એમાનું એક, ‘ભિખારણનું ગીત' સાહિત્ય અકાદમી તરફથી પ્રકટ થતા ‘ભારતીય કવિતા' (૧૯૫૩)ના ગુજરાતી વિભાગનાં કાવ્યોમાં, હિન્દી અનુવાદ સાથે, સ્થાન પામ્યુ છે. મધુર કંઠ દ્વારા એમની ગઝલો સાંભળવી એ પણ એક લહાવો છે. શ્રી ગની ઉર્દૂ અને ગુજરાતી બંનેમાં કાવ્યરચનાઓ કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, કવિલોક, સૂરતનાં રાષ્ટ્રીય કલાકેન્દ્ર અને નર્મદ સાહિત્ય સભા સાથે તેઓ જોડાયેલા છે અને વિવિધ સંસ્કારપ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. ઈ. ૧૯૫૯માં આ કવિના ત્રિઅંકી નાટક ‘પહેલે માળે’ ને મુંબઈ સરકાર તરફથી પારિતોષિક મળ્યું હતું.


કૃતિઓ
૧. ગાતાં ઝરણા : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૩.
પ્રકાશક : પોતે
૨. જશને શહાદત : મૌલિક, હિન્દી ગીતનૃત્યનાટિકા, પ્ર. સાલ ૧૯૫૭,
પ્રકાશક : રાષ્ટ્રીય કલાકેન્દ્ર, સૂરત,
૩. ગાતાં ઝરણાં (બીજી આવૃત્તિ) : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : હરિહર પુસ્તકાલય, સૂરત.
૪. મહેક : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૧,
પ્રકાશક : હરિહર પુસ્તકાલય, સૂરત,

અભ્યાસ-સામગ્રી :
૧. ‘ગાતાં ઝરણાં' માટે ‘અભિરુચિ' (ઉમાશંકર જોશી).
૨. ગુ. સા. સભાની કાર્યવહી, ૧૯૫૩.
  ‘મહેક' માટે ૧૯૬૧ ની કાર્યવહી.
૩. ‘આસ્વાદ' (સુરેશ જોશી).
૪. 'ગીતગઝલ' (પાટણ) સામયિકમાંની તંત્રી અને શ્રી મકરંદ દવેની ચર્ચા.

સરનામું :ગોપીપુરા, સુભાષ ચોક, સૂરત