ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી

[તા. ૨૬-૫-૧૯૧૭]

ભાષા-સંશોધનને ક્ષેત્રે આપણા ગણતર વિદ્વાનોમાં માનભર્યા સ્થાનના અધિકારી શ્રી હરિવલ્લભ ભાયાણીનો જન્મ સૌરાષ્ટ્રના મહુવા ગામે ઈ.સ. ૧૯૧૭ ની ૨૬ મી મે એ થયો હતો. પિતા શ્રી ચુનીલાલ લવજી ભાયાણી અને માતા ગંગાબેન તે શ્રી ભાયાણીની નાની વયે જ ગુજરી ગયેલાં. દાદીએ એમને ઉછેરીને મોટા કર્યા. જ્ઞાતિએ તેઓ દશા શ્રીમાળી વણિક છે. ૧૯૫૦માં તેમનું લગ્ન ચંદ્રકળાબેન સાથે થયું. પ્રાથમિક શિક્ષણ સ્થાનિક દરબારી શાળામાં લઈને મહુવાની શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં દાખલ થયા અને ઈ. ૧૯૩૪માં મેટ્રિક થયા. માધ્યમિક શાળાના અભ્યાસ દરમ્યાન વિદ્યારામ સંસ્કૃત સ્કૉલરશિપ એમને પ્રાપ્ત થયેલી. ઉચ્ચ શિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું અને ત્યાંથી મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની પરીક્ષા સંસ્કૃત મુખ્ય વિષય સાથે ઈ. ૧૯૩૯માં પ્રથમ વર્ગમાં ઉત્તીણ કરી; ૧૯૪૧માં સંસ્કૃત મુખ્ય વિષય અને અર્ધમાગધી ગૌણ વિષય સાથે ભારતીય વિદ્યાભવન (મુંબઈ)માંથી એમ. એ. ની પરીક્ષા પણ પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને પસાર કરી અને ભગવાનદાસ પુરુષોત્તમ સંસ્કૃત પારિતોષિક મેળવ્યું. ૧૯૫૨માં એ જ સંસ્થામાંથી અપભ્રંશ ભાષાના મહાન કવિ સ્વયંભૂરચિત મહાકાવ્ય ‘પઉમચરિઉ' નું સંપાદન કરી પીએચ. ડી. ની પદવી મેળવી. એમનો મુખ્ય વ્યવસાય અધ્યયન-અધ્યાપનનો છે અને એમની લેખનપ્રવૃત્તિને એ અનુકૂળ છે. ઈ.સ. ૧૯૪૫થી ૧૯૬૫ સુધીનાં વર્ષો એમણે ભારતીય વિદ્યાભવનમાં સંશોધન-અધ્યાપનમાં ગાળ્યાં. હાલ ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ભાષાવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપે છે. શાળાજીવનમાં, કૉલેજજીવનમાં અને અધ્યાપકજીવનમાં વધુ ને વધુ સમૃદ્ધ પુસ્તકાલયોનો સુયોગ એમને થતો રહ્યો છે. ગાંધીવાદી વિચારસરણીએ અને પશ્ચિમના માનવતાવાદ તથા વૈજ્ઞાનિક સંશોધનની દૃષ્ટિએ એમના જીવન ઉપર પ્રબળ અસર પાડી છે. માનવપ્રકૃતિ અને માનવ–ઇતિહાસને લગતી જ્ઞાનવૃદ્ધિમાં સાથ આપવો, અને વિશેષે ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસના અજ્ઞાત અંશ પર પ્રકાશ નાખી તે માટે આવશ્યક સાધનસામગ્રી બહાર લાવવાનો તેમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ છે. શ્રી ભાયાણીએ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિંદીમાં પણ લેખનપ્રવૃત્તિ કરી છે. લેખનપ્રવૃત્તિતી શરૂઆત ૧૯૩૯માં ‘પ્રસ્થાન'માં દેવકથાસૃષ્ટિવિષયક એક લેખ લખીને કરેલી. ભાષાશાસ્ત્ર, પ્રાચીન ભારતીય સાહિત્ય, લોકકથાઓ તથા રસમીમાંસા–એ ઐતિહાસિક વિકાસ અને મૂળભૂત તત્ત્વોની ચર્ચા તરફના એમના પ્રકૃતિગત વલણને કારણે એમના પ્રિય અભ્યાસવિષયો રહ્યા છે. એ જ કારણથી પ્રાકૃત-અપભ્રંશ ભાષા તથા સાહિત્ય, ગુજરાતી ભાષા અને લોકકથાની એતિહાસિક તુલના એમના મનગમતા લેખનવિષયો બન્યા છે. અપભ્રંશ તથા જૂની ગુજરાતીના ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન તથા તેમની સાથે સંકળાયેલાં કર્તૃત્વ, સાહિત્યસ્વરૂપ, ભાષાપરંપરા વગેરે ઐતિહાસિક વિષયોનું અન્વેષણ એમના સંશોધનના કેન્દ્રસ્થાને રહે છે. સર્જન-વિવેચન-ચિંતન અને સંશોધનનું સાહિત્ય તેઓ નિરંતર વાંચે છે. અભ્યાસકાળ દરમ્યાન જ એમને ભાષાશાસ્ત્રના વિષયમાં રસ જાગ્યો હતો. એ પછી ભારતીય વિદ્યાભવનના સંશોધન-વિભાગમાં સંશોધન અને અનુસ્નાતક અધ્યાપનનું કાર્ય કરતાં કરતાં અપભ્રંશ સાહિત્યના અભ્યાસમાં એમને વિશેષ ને વિશેષ રસ પડતો ગયો. એમની પ્રથમ કૃતિ ઈ.સ. ૧૯૪૫માં મુનિશ્રી જિનવિજયજી સંપાદિત અપભ્રંશ કાવ્ય ‘સંદેશરાસક'ના વ્યાકરણ અને છંદનું વિશ્લેષણ કરી તેનું અધ્યયનમૂલક વિવેચન કરતો એ કૃતિ સાથે જોડાયેલો અભ્યાસલેખ છે. એ પછી ઈ. ૧૯૪૮માં શ્રી મધુસૂદન મોદીના સહકારમાં ‘પઉમસિરિચરિઉ' (અપભ્રંશ કાવ્ય)નું એમનું સંપાદન અને ત્યારબાદ હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણનું સર્વાંગસંપૂર્ણ કહી શકાય તેવું સંપાદન અને શામળકૃત ‘મદનમોહના', ‘સિંહાસનબત્રીસી' જેવી કૃતિઓનાં આદર્શ સંપાદનો એમની આ વિષયની ઊંડી સૂઝનાં દ્યોતક પ્રકાશનો છે. ‘કુમાર'માં પ્રગટ થતી જતી ‘શબ્દકથા' તેઓ શુષ્ક કહેવાતા વિષયને પણ કેવો સરલ અને રસિક બનાવી શકે છે એના અનુપમ ઉદાહરણરૂપ છે. વ્યાકરણ અને વ્યુત્પત્તિની એમની ચર્ચાઓ, કોઈ સાહિત્યકૃતિ વાંચતાં હોઈએ એવો આસ્વાદ કરે છે. એમનો ‘વાગ્વ્યાપાર' ગ્રંથ અને એ પછી એની સંવર્ધિત આવૃત્તિ ‘અનુશીલનો' એમની વિદ્વત્તાની કલગી સમ છે. અપભ્રંશ શબ્દોના કોયડા તેઓ સ્વતંત્ર રીતે ઉકેલે છે. પરાપૂર્વથી ચાલ્યાં આવતાં મંતવ્યોની તેઓ શાસ્ત્રીય રીતે ચિકિત્સા કરે છે અને પછી જ આગળ ડગ માંડે છે. એમની તીક્ષ્ણ, સમતોલ અને સહૃદયી વિવેકબુદ્ધિનું એમના પ્રત્યેક લેખમાં દર્શન કરી શકાય છે. પરંતુ શ્રી ભાયાણી માત્ર ભાષાવિજ્ઞાનમાં જ રચ્યાપચ્યા રહે છે એવું નથી. અર્વાચીન ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યપ્રવાહોથી તેઓ સંપૂર્ણ વાકેફ હોય છે: એટલું જ નહિ, સાહિત્યપદારથની તાત્ત્વિક ચર્ચા હોય કે નવતર કવિતાનાં ભિન્ન ભિન્ન અંગોની આલોચના હોય-એમની એ વિશેની સજ્જતા આપણાં પ્રેમાદર જીતી લે એવી છે. કાવ્ય, નવલકથા, વિવેચન આદિ અનેક સાહિત્યપ્રકારોના ગાઢ પરિચયમાં તેઓ રહે છે અને એ વિશે એમની મૂલગામી ચર્ચાવિચારણા સાંભળવી કે વાંચવી એ લહાવો બની રહે છે. ગુજરાતી ભાષાના ધ્વનિવિકાસવિષયક, લોકકથાના અધ્યયનવિષયક તથા અપભ્રંશ અને પ્રાચીન કૃતિઓનાં સંપાદકવિષયક કાર્ય હાલ તેમના હાથ પર છે. અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના ચિદંબરમ્ ખાતેના ૧૭મા અધિવેશન (૧૯૫૫)માં પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષપદે એમની વરણી થયેલી. ગુજરાત સાહિત્યસભાએ ઈ. ૧૯૬૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને આપવાનો નિર્ણય કરીને ચંદ્રકનું ગૌરવ કર્યું છે. મુંબઈ યુનિવર્સિટીએ એમને ‘વિલ્સન ફિલોલૉજિકલ લેક્ચર્સ' માટે નિમંત્રણ પાઠવીને આ ગુર્જરવિદ્વાનની અખિલ ભારતીય જ નહિ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિની કદર કરી છે. શ્રી ભાયાણી ફાર્બસ ગુજરાતી સભા, ઑલ ઇંડિયા લિંગ્વિસ્ટિક સોસાયટી અને ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સના આજીવન સદસ્ય છે. આ વ્યુત્પન્ન પંડિતની વિદ્વત્તા એમની વિનમ્રતાથી સોહી ઊઠે છે. એમની સાત્ત્વિક પ્રકૃતિ અને મુખ પર નિરંતર રમતું સ્મિત એમના સંપર્કમાં આવનાર કોઈ પણ વ્યક્તિના દિલને જીતી લે છે. એમની દોરવણી હેઠળ ગુજરાતી અને અર્ધમાગધીમાં ઘણા વિદ્યાર્થીઓએ પીએચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. ભાષાવિજ્ઞાનના આપણે ત્યાંના મહત્ત્વના વળાંકનું દર્શન આ૫ણને ડૉ. ભાયાણીનાં લખાણોમાં થાય છે.

કૃતિઓ
અપભ્રંશ ભાષા-સાહિત્યવિષયક :
૧. સંદેશરાસક (ભૂમિકાને કોશ) : મૌલિક અધ્યયન, મુનિશ્રી જિનવિજયજી સંપાદિત ૧૩મી શતાબ્દી લગભગના અપભ્રંશ કાવ્યની ભાષા, છંદ આદિનું અધ્યયન-સારાનુવાદ તથા શબ્દકોશ સાથે (અંગ્રેજીમાં); પ્ર. સાલ ૧૯૪૫.
પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૨. ધાહિલકૃત પઉમસિરિચરિઉ : સહસંપાદન, ૧૧ મી શતાબ્દી લગભગના અપભ્રંશ સંધિબદ્ધ કાવ્યની ભૂમિકા, અનુવાદ અને શબ્દકોશ સહિત; પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૩. પઉમચરિઉ (સ્વયંભૂકૃત) : સંપાદન-અધ્યયન વિસ્તૃત ભૂમિકા સાથે, પ્રાચીન અપભ્રંશ મહાકાવ્ય, ખંડ ૧-૨-પ્ર. સાલ ૧૯૫૩, ખંડ ૩–પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
પ્રાચીન ગુજરાતી ભાષા-સાહિત્યવિષયક :
૪. ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો : સંપાદન (રેવંતગિરિરાસ, નેમિનાથ ચતુષ્પદિકા અને સ્થૂલિભદ્ર ફાગુ); પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક: ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ.
૫. શામળકૃત મદનમોહના: સંપાદન-અધ્યયન, પદ્યવાર્તાનું સંપાદન-અધ્યયન; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક: ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૬. શામળકૃત રુસ્તમનો સલોકો : સંપાદન: પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ.
૭ . શામળકૃત સિંહાસનબત્રીશી વાર્તા : સંપાદન, પદ્યવાર્તાનું સંપાદન- અધ્યયન, પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૮. શામળકૃત વૈતાલપચીશી: સંપાદન, પદ્યવાર્તાનું સંપાદન-અધ્યયન; પ્ર. સાલ ૧૯૬૨.
પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
ભાષાશાસ્ત્રીય અધ્યાયનો :
૯. વાગ્વ્યાપાર : મૌલિક, ભાષાશાસ્ત્ર: પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક: ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૧૦. અપભ્રંશ વ્યાકરણ (સિદ્ધહેમનો અપભ્રંશ વિભાગ) : હેમચંદ્રીય અપભ્રંશના પૃથક્કરણ સાથે અપભ્રંશ ભાષા તથા સાહિત્યવિષયક નિબંધયુક્ત સંપાદન; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક: ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ.
૧૧. સુબોધ વ્યાકરણ: વ્યાકરણ; પ્ર. સાલ ૧૯૫૫.
૧૨. જાતક વાર્તાઓ : પ્ર. સાલ ૧૯૫૬.
૧૩. શબ્દકથા : પ્ર. સાલ ૧૯૬૩.
૧૪. અનુશીલનો : મૌલિક, ગુજરાતી અને અપભ્રંશવિષયક અધ્યયનલેખોનો સંગ્રહ (‘વાગ્વ્યાપાર'ની શોધિત-સંવર્ધિત આવૃત્તિ); પ્ર. સાલ ૧૯૬૫.
પ્રકાશક: પોપ્યુલર બૂક સ્ટોર.
૧૫. શોધ અને સ્વાધ્યાયઃ મૌલિક, લેખસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૫.
પ્રકાશક : આર. આર. શેઠની કુ., મુંબઈ.
ઉપરાંત પચાસેક જેટલા અંગ્રેજી, ગુજરાતી, હિન્દીમાં લખાયેલા સંશોધન–લેખો.
અભ્યાસ-સામગ્રી :
૧. ‘પઉમચરિઉ’ Journal Asiatique (Louis Renon) 243/4, 1955; પૃ. ૫૨૨-૨૩; Journal of the American Oriental Society (Ernest Bender) 1955 (?); Journal of the Oriental Institute, Baroda (B. J. Sandesara) 1961 (?); Archiv Orientalni (Vladimir Miltner) 31, 1963, પૃ. ૫૦૩-૪.
૨. ‘સિંહાસનબત્રીશી' માટે 'સ્વાધ્યાય’ ૧, ૧૯૬૪, પૃ. ૨૧૭-૧૮ (શ્રી રણજિત પટેલ).
૩. ‘શબ્દકથા' માટે ‘સ્વાધ્યાય’ ૧, ૧૯૬૪, પૃ. ૧૧૦-૨. (શ્રી સોમાભાઈ પટેલ); ‘ગ્રંથ', પૃ. ૧૮-૧૯, ૧૯૬૪, (શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલ); ‘ગુજરાત મિત્ર' અને ‘ગુજરાતદર્પણ', ૨૬ એપ્રિલ, '૬૪ (શ્રી કૃષ્ણવીર દીક્ષિત).
૪. ‘અપભ્રંશ વ્યાકરણ' માટે ‘જન્મભૂમિ' તા. ૧૧-૧૨-૧૯૬૧ (શ્રી રામપ્રસાદ બક્ષી).
૫. ‘રુસ્તમનો સલોકો' અને ‘જાતક વાર્તાઓ' માટે ‘જન્મભૂમિ' તા. ૨૨-૭-૫૭ (શ્રી કૃષ્ણવીર દીક્ષિત).
૬. ‘શોધ અને સ્વાધ્યાય' માટે ‘ગ્રંથ' ૨૧/૧૮.
૭. રણજિતરામ સુવર્ણચંદ્રક સમયે પ્રસિદ્ધ થયેલ પરિચયપત્રિકા.

સરનામું : ૨૪, મહાદેવનગર, અમદાવાદ-૧૪.