ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/કાશીરામ ભાઈશંકર ઓઝા (પ્રેમી)
એઓ જ્ઞાતે શ્રીમાળી બ્રાહ્મણ અને પાલીતાણાના વતની છે. જન્મ પણ ત્યાં જ સં. ૧૯૪૨ ના મહા સુદ પાંચમના રોજ થયો હતો. એમના પિતાનું નામ ભાઈશંકર ભગવાનજી ઓઝા અને માતાનું નામ બાઈ ધનકુંવર પ્રાણશંકર ત્રિવેદી છે. એમનું લગ્ન સં. ૧૯૭૮ ના વૈશાખ શુદ ૧૦ મે આંબલીઆસણમાં સૌ. કમળાગૌરી સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી એમણે પાલીતાણામાં લીધેલી અને માધ્યમિક તેમજ સંસ્કૃતનો અભ્યાસ ભાવનગરમાં કર્યો હતો. ત્યાં સંસ્કૃત પાઠશાળામાં પાદપૂર્તિની હરીફાઇમાં તેમને પટ્ટણી ઇનામ મળ્યું હતું. વડોદરાના “હિન્દ વિજય” સાપ્તાહિક પત્રના સબ-એડિટર તરીકે તેમણે સન ૧૯૧૪ થી ૧૯૨૨ સુધી કામ કર્યું હતું. હાલમાં તેઓ દયા પ્રચારિણી મહાસભાના આસિસ્ટંન્ટ સેક્રેટરી હોઈ ઉપદેશકનું કામ કરે છે; અને તે નિમિત્તે અવારનવાર કાવ્યો લખતા રહે છે. વળી ઘણીખરી સામાજિક તેમજ સ્વજ્ઞાત્તિની સંસ્થાઓમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. ધર્મશાસ્ત્ર અને સાહિત્ય એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે; અને કવિ દલપત, નર્મદ અને ન્હાનાલાલે એમના જીવનપર બહોળી અસર કરેલી છે, એમ તેઓ જણાવે છે. એમના કાવ્યો વિધ વિધ વિષયોપર મળી આવશે; જો કે તેમાં જેને આપણે કવિત્વ કે પ્રેરણા જેવું કહીએ તે ઝાઝું નહિ હોય, પણ તે બોધક તો છે જ; તેમાંય તેમનું રાસમંજરી પુસ્તક અને ગંગાલહરીનું સમશ્લોકી ભાષાંતર આદરપાત્ર જણાશે. એમની કાવ્યસંજ્ઞા “પ્રેમી”ની છે. શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રગણ્ય સ્ત્રી પુરુષોની ચરિત્રાવળી તેમણે બે ભાગમાં બહાર પાડી છે, તે એક ઉપયોગી પ્રસિદ્ધિ છે અને તે માટે એમને ધન્યવાદ ઘટે છે.
: : એમની કૃતિઓ : :
| ૧. | શ્રી કૃષ્ણ ભજન સંગ્રહ | સં. ૧૯૬૯ |
| ૨. | ચાર યોગીની વાર્તા | ” ” |
| ૩. | શ્રી સયાજી યશબાવની | ” ૧૯૭૧ |
| ૪. | હાતમતાઈ | ” ૧૯૭૩ |
| ૫. | વિધવા વિવાહ નિબંધ | " ૧૯૭૮ |
| ૬. | રાષ્ટ્રીય ગરબાવળી | ” ” |
| ૭. | પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું | ” ૧૯૭૯ |
| ૮. | ઉત્તર ગીતા | ” ૧૯૮૦ |
| ૯. | રાસ મંજરી | ” ૧૯૮૧ |
| ૧૦. | શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ અને અગ્રગણ્ય સ્ત્રી પુરુષો ભાગ-૧ | ” ૧૯૮૪ |
| ૧૧. | ”” ભાગ-૨ | ” ૧૯૮૫ |
| ૧૨. | ગંગા લહરી | ” ૧૯૮૬ |