ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/શંકરલાલ મગનલાલ કવિ
એઓ જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ; અને નાંદોલ, તાલુકે દહેગામના વતની છે. એમના પિતાનું નામ મગનલાલ કરૂણાશંકર વ્યાસ અને માતાનું નામ ઉમિયાબાઇ છે. એમનો જન્મ આજોલમાં તા. ૧૪ મી ફેબ્રુઆરી ૧૮૯૬ ના રોજ થયો હતો અને લગ્ન તા. ૨૦ મી ડિસેમ્બર ૧૯૨૨માં એક દક્ષિણી દેશસ્થ બ્રાહ્મણ સુમતિબાઈ આત્રેયી નામના બાઈ સાથે થયું હતું. વસ્તુતઃ તે બાલવિધવા સાથેનું પુનર્લગ્ન હતું; અને તે એમની સુધારા માટેની ધગશ તેમ સાહસિક પ્રકૃતિનો પરિચય કરાવે છે. પ્લેગ, ઇન્ફલ્યુએંઝા અને રેલ સંકટના વખતે પીડિતોની એમણે સુંદર સેવા બજાવી હતી. પોતે સિનિયર ટ્રેન્ડ ટિચર છે; પણ ઘણું ફરેલા છે. મીરઠની ધી પ્રિન્સ હોમ્યોપેથિક કૉલેજમાંથી ઉત્તીર્ણ થઈ એમ. ડી. બી. ની ડીગ્રી અને એક મેડલ પણ મેળવ્યો હતો. તે સિવાય વ્યાખ્યાતા, સમાજસેવક અને હિન્દીના ખાસ અભ્યાસી તરીકે એમ બીજા પણ મેડલો મેળવેલા છે. અત્યારે તેઓ ધી ઇન્ડિયન સ્કુલ-જીંજા (યુગાન્ડા)માં શિક્ષક છે. ચરિત્રગ્રંથો અને વૈદક એમના પ્રિય વિષયો છે. તેઓ સમાજસુધારા માટે તીવ્ર લાગણી ધરાવે છે; સારા વક્તા છે અને બંગાળી, હિંદી, પંજાબી, સિંધી, મરાઠી વગેરે ભાષાઓ સારી રીતે જાણે છે.
: : એમના ગ્રંથો. : :
| ૧. | ઝેર ઉતારવાના તાત્કાલિક ઉપાયો | સન ૧૯૧૧ |
| ૨. | કાવ્ય ચંદોદય | ” ૧૯૧૩ |
| ૩. | દિવ્ય કિશોરી | ” ૧૯૧૪ |
| ૪. | સદ્ગુણમાળા | ”” |
| ૫. | ગુરુકીર્ત્તન | ” ૧૯૧૭ |
| ૬. | ગુજરાતી-હિન્દી ટીચર | ” ૧૯૨૨ |
| ૭. | સુમતિની વાતો | (અપ્રકટ) |