ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/સંપાદકનો પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જક-પરિચય
Hiralal Tribhuvandas Parekh.jpg


પારેખ, હીરાલાલ ત્રિભુવનદાસ (જ. 27 એપ્રિલ 1882, સૂરત; અ. 20 જૂન 1938, અમદાવાદ) : ગુજરાતી લેખક અને સંદર્ભસાહિત્યના સંકલનકાર. 1900માં મૅટ્રિક થઈને 1904માં નોકરી માટે નાગપુર રહેલા, પણ પછી અમદાવાદ આવીને 1904માં ઇતિહાસ અને ફારસી વિષયો સાથે બી.એ. થયા હતા. સાહિત્ય અને કેળવણી પ્રત્યે એમને સહજ અભિરુચિ હતી. અનેક નિબંધ-સ્પર્ધાઓમાં ભાગ લઈ એમણે પારિતોષિકો પ્રાપ્ત કરેલાં. તેઓ આનંદશંકર ધ્રુવ, કેશવ હ. ધ્રુવ અને ડાહ્યાભાઈ દેરાસરીના સંપર્કમાં આવ્યા. તે પછી ગુજરાતી સાહિત્ય તેમજ ઇતિહાસ પ્રત્યેના પ્રેમને કારણે, 1910થી 1938 સુધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)ના આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે અને ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે તેમણે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એ સંસ્થાને વિકસાવી. અનેકવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતની અસ્મિતાને ખીલવવી એ એમના જીવનનો પ્રધાન ઉદ્દેશ હતો. એ માટે એમણે પુસ્તકાલયો ઊભાં કર્યાં, સમૃદ્ધ બનાવ્યાં અને પ્રજામાં વાચનરસ જાગૃત કર્યો. ‘બુદ્ધિપ્રકાશ’માં તેઓ લખતા અને ગ્રંથાવલોકનો પણ કરતા.

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ લખવાની એમની ઉત્કટ ઝંખના એને ત્રણ ભાગમાં (1932-37) લખીને અને પ્રગટ કરીને પૂરી કરી. એ જ રીતે 1801થી 1936 સુધીના મુખ્યત્વે રાજકીય ચિતાર સાથે રાજકારણ, સાહિત્ય, કેળવણી, પત્રકારત્વ જેવાં પાસાંને આવરી લઈને ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ (1935-37) ત્રણ ભાગમાં પ્રગટ કરીને પોતાનું જીવન-સ્વપ્ન પૂરું કર્યું. સંદર્ભ-સાહિત્ય તૈયાર કરવા માટે એમણે ગ્રંથકારો-સાહિત્યકારો, શિષ્ટ ગ્રંથો અને સાહિત્યની ગતિવિધિનો પરિચય કરાવતી ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના આઠ ગ્રંથો(1930-1938)ની શ્રેણી ખૂબ શ્રમ લઈને પ્રગટ કરી હતી. આ સર્વ ગ્રંથોમાં એમની અભ્યાસનિષ્ઠા તેમજ એમનાં ખંત અને ચીવટનો નોંધપાત્ર પરિચય મળે છે. એવું જ એમનું અન્ય સેવાકાર્ય તે ‘દલપતરામ હસ્તલિખિત પુસ્તકોની સૂચિ’ (1930) તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા, દસમા અને બારમા અધિવેશનના અને પહેલી અને બીજી પત્રકાર પરિષદના અહેવાલોના પ્રકાશનનું ગણી શકાય. આ ઉપરાંત એમણે વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ (1927), ‘અમદાવાદ મ્યુનિસિપલ શતાબ્દી ગ્રંથ’ (1938), ‘લેડી વિદ્યાબહેન મણિમહોત્સવ અભિનંદન ગ્રંથ’(1936)નાં સહસંપાદનો પ્રગટ કરેલાં છે. ‘કાવ્યગુચ્છ’ (1918), ‘પ્રભુભક્તિનાં કાવ્યો’ (1919), ‘નરસિંહ મહેતાનું આખ્યાન’ (1923) જેવાં સહસંપાદનો પણ એમણે આપેલાં છે.

ગુજરાતના સંસ્કારજીવનને પોષક બને એવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા અને મૂલ્યવાન સંદર્ભ-સામગ્રીના પ્રકાશન દ્વારા એમણે એ સમયમાં ગુજરાતની અને ગુજરાતી ભાષાની નોંધપાત્ર સેવા કરી હતી.

— ચિમનલાલ ત્રિવેદી
(‘ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર)