ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ધીરજલાલ ટોકરશી શાહ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ધીરજલાલ ટોકરશી શાહ

એઓ જ્ઞાતે વીશા શ્રીમાળી જૈન; અને કાઠિયાવાડમાં આવેલા મૂળી રાજ્યના ગામ દાણાવાડાના વતની છે. એમનો જન્મ એ જ ગામમાં સં. ૧૯૬૨ના ફાગણ સુદ આઠમના દિવસે થયો હતો. એમના પિતાનું પૂરૂં નામ ટોકરશી ત્રિકમદાસ શાહ અને માતાનું નામ મણિબ્હેન જેચંદ છે. એમનું લગ્ન સં. ૧૯૮૬ના કારતક વદ દસમના રોજ બોટાદ પાસે ટાટમ ગામે શ્રીમતી ચંપાબ્હેન સાથે થયું હતું. એમણે ગુજરાત વિદ્યાપીઠના વિનીત વર્ગની પરીક્ષા સુધી અભ્યાસ કર્યો છે. ચિત્રકળામાં સારી પ્રવીણતા પ્રાપ્ત કરેલી છે. ગરિબ સ્થિતિમાં ઉછરેલા; અને અમદાવાદમાં શેઠ ચમનલાલ નગીનદાસ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરેલો. પ્રથમ બે વર્ષે ચિત્રકામનો ધંધો કરી એજ સંસ્થામાં શિક્ષક તરીકે જોડાયા અને સં. ૧૯૮૬ સુધી ચાર વર્ષ એમણે એક સફળ શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. હમણાં તેઓ જ્યોતિ કાર્યાલય નામની સંસ્થા ચલાવે છે, જેના તરફથી ‘જૈન જ્યોતિ’ નામનું માસિક ચલાવે છે તેમજ ચિત્રો કાઢવાનું કામ કરે છે. પ્રવાસનો એમને ભારે શોખ છે. ત્રીજે વર્ષે અજંટા વિષે પગ રસ્તે મુસાફરી કરેલી તેનું સચિત્ર વર્ણન પુસ્તકરૂપે બહાર પાડયું હતું; તેમજ એમના તરફથી પ્રવાસનાં બીજાં બે પુસ્તકો પ્રસિદ્ધ થયલાં છે, તે મુસાફરને મદદગાર અને ઉપયોગી છે. ગયા વર્ષે તેમણે બ્રહ્મદેશ અને શાન સ્ટેટનો પ્રવાસ કર્યો હતો તથા ચીનની સરહદ પરના અત્યંત વિકટ પ્રદેશમાં પગ રસ્તે મુસાફરી કરી હતી. એ ભાગમાં પ્રવાસ કરનાર તે પહેલાજ ગુજરાતી છે. તે સિવાય જૈન ધર્મ અને સાહિત્ય અને ઇતિહાસનો બાળકોને ૫રિચય કરાવવા એમણે બાળગ્રંથાવળી યોજી છે, જેના પાંચ વર્ષના ૧૦૦ અંકો દર વર્ષે વીસ પ્રમાણે છપાયલાં છે; અને તે ખૂબ વખણાઈ તેનો મોટો ઉપાડ થયો છે.

: : એમની કૃતિઓ : :

૧. જીવવિચાર પ્રવેશિકા સં. ૧૯૮૪
૨. જળમંદિર પાવાપુરી સં. ૧૯૮૭
૩. કુદરત અને કળાધામમાં વીસ દિવસ સં. ૧૯૮૭
૪. અજન્તાનો યાત્રી સં. ૧૯૮૭
૫. કળાવતી ૧૯૮૭
૬. સતી સુભદ્રા
૭. ઋષિદત્તા
૮. રતિસુંદરી
૯. અચલરાજ આબુ
૧૦. પાવાગઢનો પ્રવાસ
બાળગ્રંથાવળીમાં ઘણી મૌલિક ને ઐતિહાસિક કૃતિઓ છે.