ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ભીખાભાઇ પુરુષોત્તમ વ્યાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભીખાભાઇ પુરુષોત્તમ વ્યાસ

એઓ જ્ઞાતે ઔદિચ્ય ટોળકીઆ બ્રાહ્મણ અને ગોધરાના વતની છે. એમનો જન્મ ગોધરામાં સન ૧૮૯૯માં થયો હતો. એમના પિતાનું નામ પુરુષોત્તમ ભવાનીશંકર વ્યાસ અને માતાનું નામ કાશી બ્હેન, બન્ને તેમને બાલવયમાં મૂકી દેવલોક પામ્યાં હતાં. એમનું લગ્ન ગોધરામાં સન ૧૯૧૭ માં કાન્તાગૌરી સાથે થયું હતું. એમણે પ્રે. રા. ટ્રેનિંગ કૉલેજની બીજા વર્ષની પરીક્ષા સન ૧૯૧૮માં પાસ કરી હતી. તે પછી તેઓ શિક્ષક લાઇનમાં જોડાયા હતા. કેટલોક સમય એમણે ગોધરાથી “પંચમહાલ રેવાકાંઠા વર્તમાન” નામનું અઠવાડિક પત્ર કાઢ્યું હતું. પણ પુરતો આશ્રય નહિ મળવાથી તે સાત વરસ ચલાવ્યા બાદ બંધ કરવું પડ્યું હતું. સરકારી નોકરીમાંથી સને ૧૯૨૦માં છૂટ્યા બાદ એમણે બાળકો માટે એક ત્રિમાસિક પત્ર કાઢ્યું હતું. શરૂઆતમાં એ ત્રિમાસિક હતું અને છેલ્લા છ વર્ષથી તે માસિક રૂપે નિકળે છે. પરમહંસ શ્રી રામકૃષ્ણ અને સ્વામી રામતીર્થનાં લખાણની એમના જીવનપર ઉંડી અસર થયેલી છે. ગોધરામાં રહી જાહેર જીવનમાં ખૂબ રસ લેતા આવ્યા છે. સને ૧૯૨૩ થી શ્રી રામકૃષ્ણ સેવા સમિતિ અને શ્રી પંચમહાલ રેવાકાંઠા સાહિત્ય સભા સ્થાપી જનતાને ઉપયોગી કામો અને સાહિત્યની અભિરૂચિ ઉત્પન કરવાનું કામ કર્યું છે. છેલ્લાં છ વરસથી ગોધરા મ્યુનીસીપાલીટીમાં લોક તરફથી ચૂંટાઇને આગળ પડતો ભાગ લે છે; તેમજ સ્કુલબોર્ડના પણ સભ્ય હોઈ કેળવણી માટે યોગ્ય રસ લેઇ રહ્યા છે. બાલસાહિત્ય એ એમનો પ્રિય વિષય છે; અને બાલકો માટે એમણે નીચે પ્રમાણે પુસ્તકો લખીને છપાવ્યાં છેઃ

: : એમની કૃતિઓ : :

સીતા–પૂર્વાર્ધ સન ૧૯૨૫
સીતા–ઉત્તરાર્ધ  ”  ૧૯૨૦
ગુંજાનો વર (નાટક)  ”  ૧૯૨૫
ભયંકર ભુજંગ (નવલકથા)  ”  ૧૯૨૫