ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/વસંતરામ હરિકૃષ્ણ શાસ્ત્રી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વસંતરામ હરિકૃષ્ણ શાસ્ત્રી

એઓ જ્ઞાતે ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિના છે. મૂળ વતની જામનગરના પણ તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. લાંબા સમયથી તેમના પિતા અમદાવાદમાં આવી રહ્યા હતા. એમના પિતાનું નામ હરિકૃષ્ણ અને માતાનું નામ જેઠીબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૭૧ મા જામનગરમાં શ્રીમતી અજવાળીબ્હેન સાથે થયું હતું. અમદાવાદ સંસ્કૃત પાઠશાળામાં એમણે સદ્‌ગત મહામહોપાધ્યાય શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો અને અલંકાર, વ્યાકરણ, કાવ્ય સાહિત્ય, ન્યાયશાસ્ત્ર, વેદાત વગેરે એ એમના અભ્યાસના પ્રિય વિષયો હતા. એઓ એક પત્રકારનું જીવન ગુજારે છે; અને પુષ્ટ સંપ્રદાયનાં પુષ્ટિ ભક્તિ સુધા અને વૈષ્ણવ ધર્મ પતાકાના ઉપતંત્રી તથા તંત્રી થઇને “શુદ્ધાદ્વૈત” નામનું માસિક હાલમાં સાત વર્ષથી ચલાવે છે. સાંપ્રદાયિક ધર્મના માસિકમાં તે બહોળું વંચાય છે; અને તેમાં આવતા ઐતિહાસિક અને પ્રાચીન સાહિત્યના લેખોને લઇને ઈતર વાચકોને પણ આકર્ષક થાય છે. ધર્મ પ્રવૃત્તિ ઉપરાંત તેઓ સામાજિક વિષયોમાં ખૂબ રસ લે છે. કવિ શ્રી દયારામભાઇના અપ્રસિદ્ધ સાહિત્યો પ્રકટ કરવામાં અને સંગીતમાં ગાઈને તેનો પ્રચાર કરવામાં પણ ઘણો ઉત્સાહ ધરાવે છે. શ્રીમદ્‌ વલ્લભાચાર્યના શ્રીસુબોધિની પુસ્તકે એમના જીવનપર પ્રબળ અસર કરેલી છે. વળી માજી ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર મનમોહનદાસ દલાલ, બી. એ., પાસેથી એમને એમના સેવા કાર્યમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. એમણે વૈષ્ણવ સંપ્રદાય સાહિત્યને લગતાં લગભગ ૩૩ પુસ્તકો એડિટ કરી પ્રસિદ્ધ કર્યા છે, તેમાં એમના લખેલાં નીચે મુજબ છે.

: : એમની કૃતિઓ : :

૧ ફલપ્રકરણ સુબેાધિની સંવત્‌ ૧૯૭૧
૨ શાંડિલ્ય ભક્તિ સૂત્રભાષ્ય   ”
૩ સિદ્ધાંત રહસ્ય   ”
૪ આટલું તો કરજોજ   ”૧૯૮૨
૫ શ્રી હરિરાય વચનામૃત   ”
૬ ન્યાયમૂર્તિનો ચુકાદો   ”૧૯૮૩
૭ શ્રી પુરુષોત્તમજીનું ચરિત્ર   ”૧૯૮૫
૮ પુષ્ટિમાર્ગનો ઇતિહાસ   ”૧૯૮૯