ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/સન ૧૯૩૨ ની કવિતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯૩૨ ની કવિતા

માનવજીવનના સામાજિક અને રાજકીય પ્રશ્નો હાલમાં વધુ નવીન અને વ્યાપક રૂપે ઊભા થયા છે. કવિઓ એ સૌને સ્વાભાવિક ઉદ્ગાતા છે. કવિતા જેમ યુગયુગની પ્રતિચ્છાયા છે તેમ ધાત્રી યે છે. એટલે પ્રત્યેક સાચો કવિ ઇરાદાપૂર્વક યુગકવિ ન બને તોપણ સહજપણે યુગકવિ હોય છે. ભક્તકવિઓ, સમાજસુધારક કવિઓ, રાષ્ટ્રકવિઓ, પ્રકૃતિના ગાયક કવિઓ એ બધા પોતીકા યુગના પ્રતિનિધિ સરખા છે. કવિતા એ કારણે યુગયુગનો રસઇતિહાસ છે. જે ચેતનયુગ છેલ્લી વીસીથી શરૂ થયો છે તેની છાયાઓ આજે ગુજરાતની કવિતામાં ઊતરી છે. પ્રારંભની પ્રચારકામી કૃતિઓ ઓછી થઈને યુગગુણવંતી કવિતા કલારૂપે જન્મી છે. કવિતાનું ક્ષેત્ર જીવન જેટલું વ્યાપક છે. કુટુંબનાં દૈન્ય, સમૃદ્ધિ અને સુખશાન્તિથી માડીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય દૈન્ય, સમૃદ્ધિ ને સુખશાન્તિ સુધીનો પ્રશ્ન કવિતાક્ષેત્રનો છે. વતનની કુદરતથી માંડીને દેશપરદેશની કુદરત ગાવાનો પ્રશ્ન કવિતાનો છે. આજે પ્રથમનો પ્રશ્ન ઊકળતા ચરૂ પર ચડે છે પણ કવિઓ દ્રષ્ટા તરીકે બેસી રહેતા નથી. તેઓ તો કળાકૃતિઓ દ્વારા ભાવિ સૃષ્ટિને વર્તમાનમાં આકર્ષે છે. આ રીતે સાહિત્ય, શિલ્પ, નૃત્ય, ચિત્ર અને પ્રજાના હુન્નરઉદ્યોગો યુગગુણયુક્ત કળામય રૂપ ધારણ કરે છે. કવિતાનાં કળામય રૂપો હજુ શ્લોકબદ્ધ ટૂંકા કાવ્યો તરીકે છે એ ખરું; પરંતુ પૂર્ણ કળાનું પ્રભુત્વ કાઈ સહસા સંભવતું નથી; કેમ જે પૂણ સ્વરૂ૫ તો માનવજાતિના સંસ્કારી કલ્પનાજીવનના સંપૂર્ણ રસાનુભવનું સર્જન છે. છતા આ નાજુક ઘરદીવડાં ખોટાં તો નથી જ.- હવે પ્રસ્તુત વિપય પર આવીએ.

હાલ જે નવા લેખકો કવિતાપ્રદેશ ખેડી રહ્યા છે તે બધા યુવાનો છે અને તેમને યૌવને ભરેલા યુગપ્રાણની સ્પષ્ટ અસર આ વર્ષની કાવ્યકૃતિઓમાં પ્રવેશી છે. ભાવનામય સ્પષ્ટ વિચારસૃષ્ટિ અને સરળ પ્રવાહી ભાષાશૈલીમાં અગ્રપદે જેમ ભાઈ રામપ્રસાદ શુક્લ આવે છે તેમ ભાઈ ‘સુન્દરમ્‌’ પણ પોતાના નિરાળા વ્યક્તિત્વથી વિશિષ્ટ સ્થાન ધરાવે છે. યૌવનની કાચી તાજપ, સ્વાર્પણની ધગશ, સેવાભાવ, આદર્શ સ્વપ્નદૃષ્ટિ અને વિચારસૃષ્ટિ, ઊંચી મહત્ત્વાકાંક્ષા, વણમ્હોરી કલ્પનાઓ, ઊંડાં અનુકંપનો, એ બધું આજના યુવાન કવિઓની કૃતિઓમાં દેખા દે છે, તથા એ સૌ વચ્ચે આત્મવિશોધનની ગંભીર પ્રજ્ઞાનો પ્રવાહ સુતરના તાંતણા જેમ સોંસરવો વહે છે. તે સાથે આદર્શ જીવનની ભાવનામયતા પણ ગૂંથાએલી રહી છે. સમયવ્યાપી અહિંસાધર્મને અંગે બુદ્ધપૂજા, દીન જનોની દયા અને આપભોગની એષણા વિશેષ રૂપે પ્રગટે છે. શ્રી ખબરદાર અને શ્રી ‘શેષ’ તો સિદ્ધહસ્ત કલાકારો છે ને ગૂજરાત-વિખ્યાત છે. યુવાન કવિઓમાં અગ્રણી ભાઈશ્રી ચન્દ્રવદનની શક્તિઓ પણ જૂજવી જીવનપ્રવૃત્તિઓમાં થઈને નવીન કલારૂપો સરજાવતી વહે છે. ભાઈશ્રી રામપ્રસાદ તેમજ કૃષ્ણલાલ શ્રીધરાણી અને ઉમાશંકર હજુ છેલ્લા વષોમાં જ પત્રો દ્વારા પ્રકાશિત થયા છે, છતાં બીજાના પ્રમાણમાં એમના કાવ્યગુણો અધિકાંશે ચડિયાતા છે. ઉમાશંકર, ઈન્દુલાલ, સુન્દરમ્‌, સુંદરજી ગો. બેટાઇ અને મનસુખલાલે ખંડકાવ્યોના પ્રદેશમાં પાંખો ફફડાવી છે એ સ્તુત્ય છે. કવિતા પોતે પૂર્ણ આનંદભરી છે એટલે જ વિશેષ સેવ્ય છે એમ મનાય તો જ કાવ્યોની રિદ્ધિસિદ્ધિ વધે. ગૂજરાતના ક્ષેત્રફળ અને પ્રજાવિસ્તારના પ્રમાણમાં કવિસંખ્યા અતિશય જૂજ છે. ગુજરાતની કવિના કૃશાંગી મટી પૂર્ણપ્રફુલ્લાંગી બને એ સારું કાવ્યલેખકો, પત્રકારો અને ધનિકો પોતપોતાનો યથેચ્છ ભાગ લેશે તો એ પાકસમય બહુ દૂર નથી. આજે તો આ સરસ બીજાંકુરો જોઈને જ રાચીએ. એક રીતે જેમ ‘લોલલોલ’નું ટાહ્યલું ઓછું થયું છે અને તેને બદલે ધીરગંભીર ભાવોવાળી કવિતા જન્મી છે તેમ બીજી રીતે છેલ્લાં વર્ષોમાં જણાતો ઉત્તમ રસગીતોનો અભાવ પણ ઈચ્છવાયોગ્ય નથી. વિષયોનું વૈવિધ્ય આવ્યું છે એ ખરૂં, પરંતુ છંદવૈવિધ્ય બહુ જ ઓછું છે. પ્રધાનપણે અગેય પૃથ્વી છંદ રહ્યો છે. બીજા પ્રચલિત છંદોમાં નવીનતા લાવવાના પ્રયત્ન પણ થયા છે. લેખનશૈલી સંયમભરી ને વિવેકવંતી, એટલે સૌમ્ય સંસ્કારવાળી બની છે. જોકે જોઇએ એવી ભવ્ય નહિ તો બલવતી તો છે જ. રસ અને અલંકાર આછા છે. પરિણામે કૌમુદીકાર પોતાના વાર્ષિક સાહિત્યાવલોકનમાં જણાવે છે તેમ કવિતા કૃશાંગી છે. તોપણ આપણે કહી શકીએ કે એમાં ગંભીરા જેટલું ઊંડાણ અને તેટલો જ શાન્ત સ્વચ્છ વેગ નજરે પડે છે. સશોક કહેવું રહે છે કે ઉત્તમ રસગીતોના અભાવ જેવડો જ અભાવ સ્ત્રીકવિઓનો છે. ગૂજરાતે પોતાની કન્યાઓને કવિતાકલામાં પ્રેરવાનો અને પ્રવેશ કરાવવાનો સમય ક્યારનો ય આવી પહોંચ્યો છે. વારસો છે, સંસ્કાર છે, રસજીવન છે તો કવિતાકળા કેમ નહોય? અને આટલી ઊણપો સત્વર પૂરાશે એ આશા વ્યર્થ નથી.

દેશળજી ૫રમાર

સ્વપ્ન

(રાગ ભૈરવીઃ તાલ લાવણી)

તારૂં સ્વપ્ન ન કો દે ભૂંસી રે, હો રણરઢિયાળા!
ભલે તેગ રુધિર લે ચૂસી છે, હો રણરઢિયાળા! (ધ્રુવ)
આભ થકી તુજ કાજ ઊતરતા
જુગજુગના સંદેશ;
ઘોર વહે અંધાર ભલે, પણ
પડે ન ઝાંખા લેશઃ
જોની ઝગમગતા એ તારા રે, હો રણરઢિયાળા!
એના પંથ સદા અંધારા રે. હો રણરઢિયાળા! તારૂં
દિનભર શોરબકોર મચાવે,
જગત બને પ્રતિકૂળ;
નહિ તુજ અંતરઆંખ બીડાવે,
આભ ભરી દે ધૂળઃ
તારી જ્યોતિ ન કો હોલાવે રે, હો રણરઢિયાળા!
ભલે વા વાદળ ડોલાવે રે, હો રણરઢિયાળા! તારૂં
વ્યોમ ઊડતાં પડે વિમાનો,
ડૂબે તરતાં જહાજ;
કઈ બંદુક તારાને વીંધે?
નભ બાંધે કઇ પાજ?
તારૂં આતત્મબળ લે સાધી રે, હો રણરઢિયાળા!
એ જ શક્તિ અલૌકિક લાધી રે, હો રણરઢિયાળા! તારૂં
આભ ન રોધે, પૃથ્વી ન રોધે,
રોધે કો ન દિગંત;
અણગણ તારક ભરે નિરંતર
અંતર તારૂં અનંત!
ચિરધર્મે શો અંદેશો રે? હો રણરઢિયાળા!
તારો એ જ અભય સંદેશો રે! હો રણરઢિયાળા! તારૂં
અરદેશર ફ. ખબરદાર

ઉમા–મહેશ્વર

(શિખરિણી)

‘અરે ભોળા સ્વામી! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.
જુઓ ઈન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈશ્રવસ ને,
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો.

લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમસમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.
બધાએ ભેગા થૈ અમૃત તમને છેતરી પીધું,
અને...’ ‘ભૂલે! ભૂલે! અમૃત ઉદધિનું વસત શી?
રહી જેના ભાગ્યે અનુપમ સુધા આ અધરની!’

‘રહો, જાણ્યા એ તો! જગમહીં બધે છેતરઇને
શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ; વિષ પીધું ક્યમ, કહો?’
‘બન્યું એ તો એવું કની સખિ! તહીં મંથન સમે

દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને;
અને કાળા કંઠે સુભગ કર એેવો ભજી રહ્યો,
મને મારા કંઠે મન થયું બસ્‌ એ રંગ ધરવા.
મૂકી જો, આ બાહુ ઘનમહીં ન વિદ્યુત સમ દિસે?’

તહીં આખે વિશ્વે પ્રણયઘન નિઃસીમ ઉલટ્યો,
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું.
શેષ

પ્રેમવિભવ

(પૃથ્વી)

અનન્ત તુજ આશિષો અમ પરે પ્રભો ઊતરી,
વહે પવન, પાણી, તેજ રમતું રહે વિશ્વમાં;
સ્ફુરી જીવનચેતના દિન દિને ટકે જે વડે,
અહો! નજર ઠારી રંજન અસંખ્ય દૃશ્યો કરેઃ
નદી, ઉદધિ, પર્વતો ગગન ઘેરી ગોળા ભમે,
અને હૃદયતાર સૌ ઝણઝણે લહી પ્રેમને
પ્રિયાનયનમાં, શિશુસ્મિત વિષે, પિતાઅંકમાં,
ઉરે જનનીના, મને સુહૃદ ભાઇભાંડુ તણા.
પિતા! બસ નથી શું આ વિભવ માનવીને મળ્યો?
પ્રમાણ તુજ પ્રેમનું પ્રકટ એ નથી? કે મથે
અહમ્‌ વધુ પ્રમાણવા ક્યમ, કિંહાથી, ક્યારે અને
પડી વિફળ શોધમાં બડબડી ઊઠે ને બળે?
ન બિન્દુ જળનું લહે કદી ય માપ સિંધુ તણું,
વિરાટ–ઉરમાં વસે બસ નથી જ શું એટલું?
રામપ્રસાદ શુક્લ

સ્મારક

(પૃથ્વી)

લઉં ફુલછડી? સુગંધીમય પાંખડી? કે ઘડી
શિલા શકલને અબોલ વદને ય વાચા દઉં?
વિરાટ નભમાળથી ચકચકિત તારા લઉં
ધરૂં ચરણમાં? પળેપળ રચું નવી દીવડી?
સહસ્રકિરણાવલિરચિત દીપતી રાખડી
થકી ગ્રથિત વિશ્વનાં પરમ પંચ તત્ત્વો સહુ
તણા અચલ ચિત્રની જ સ્મૃતિ એક તારી ચહું;
કિયું રચું કહે? અનંત યુગરાજથી યે વડી!
હતી રમતીઆળ તું—સરલ શાંત ગંગોદક—
સદા પતિતપાવની, કમલરેખ શી વિસ્તરી,
વહી ઘન ગભીર નિત્ય મુજ જીવને નિર્ઝરી,
ઉડંત જગતાતની અતિ વિશાળ કો કલ્પના
સમી, તુજ મસે કઈ નવીન હું રચું ભાવના?
‘ઈલા’ શબદ એક એ જ નથી ભવ્ય શું સ્મારક?
ચન્દ્રવદન મહેતા

વિશ્વતોમુખી

(ઉપજાતિ–વંશસ્થ)

હિમાલયે મસ્તકનાં ઉશીકાં!
ને બાહુ ઝીલે જલ ગંગ–સિંધુનાં!
સહ્યાદ્રિશૃંગે પગ એક ટેકવી,
ઝંખ્યા કરૂં દર્શન ભાગ્યઇંદુનાં.
વંટોળ ઊઠે મરુભોમના ઉરે,
સ્મિતે શમાવું સ્વર–મંજુ–કંપને;
ને વિન્ધ્યના શૈલશૂલે વીંધાઉ,
તોયે હસું જાગૃત સ્વપ્નસિંચને.
ને એ ક્ષણે તો લઘુ માનવી મટી,
બની રહું રાષ્ટ્ર–વિરાટ–ચેતના;
પ્રજાપ્રજાના ઉર–સ્પંદ–તાને,
ગૂંજી રહું ઊર્મિલ ઐક્ય–પ્રેરણા.

ઉકેલતો તારકશબ્દપોથી;
ને પ્રેમધારા વહું વિશ્વતોમુખી.
ઉમાશંકર જોષી

વ્યોમ–તુંબડું

(ઉ૫જાતિ–વંશસ્થ)

ત્રિકાલકેરો કરી માનદંડ,
પ્રકાશની તારત્રયી મઢી લઇ;
પ્રતપ્ત ભાનુ તણી અંગુઠી કરી,
અશ્વિનીએ સાદ કર્યો પ્રચંડઃ

‘વિરાટ! તારૂં જયગાન ગાવા,
તંબૂરનું એક અનન્ત તુંબડું
દઈ શકે તો મુજ દંડમાં મઢું,
સંગીત એ શાશ્વતને શમાવા!’
વિરાટનું સોણલું તો સરી પડ્યું,
ધીમે રહી અંતર ખોલી આપ્યું;
અનન્ત એવું અવકાશ વ્યાપ્યું,
અશ્વિનીને સાંપડ્યું વ્યોમ–તુંબડું.

સંગીતના શાશ્વત બોલ થીજતાં
તારા બની તુંબ મહીં દીવા થતા!
કૃષ્ણલાલ શ્રીધરાણી

બે ભાવનાઓ

(પૃથ્વી)

જજો–યદિ જવું ગમે જ–સ્મિત લક્ષ્મીનાં ઓસરી,
સુવર્ણતણી કાન્ત કાન્તિ મળી જાય માટી મહીં,
હીરા રતન ને મણિ પથ તણી બનો કાંકરી,
૫રંતુ અમલું પ્રસાદમય હાસ્ય પાવિત્ર્યનું
થજો ન કદિ ઝાંખું, ના મલિન એ કદિ યે થજો,
નિરંતર પ્રસન્ન ૫દ્મસભ અંતરે એ ઠરો.

ભલે સકળ વિશ્વનાં વિષ જ્વલંત ને કારમાં
સુખે જગત ઠાલવે મુજ મુખે, અને દાહના
દુઃખે અણુઅણુ બને વિકલ વ્યસ્ત છો માહરા;
૫રંતુ ધરશો નહિ હૃદય વજ્રકાઠિન્યને,
સુકાઈ ઉરથી જશો ન કદી પ્રેમની નિર્ઝરી,
વહી વહી વિશાલ વિશ્વપટ નિત્ય ભીંજાવતી.
રહો વિષસમુદ્રમાં અમૃતપૂર્ણ મંદાકિની,
અનંત સ્મિતના તરંગ પર ભદ્ર વિસ્તારતી.
પૂજાલાલ

શહાદત

(પૃથ્વી)

મશાલ સળગાવી મૂક દુઃખિયાં જનો ઢૂંઢવા;
પ્રફુલ્લ તુજ સ્વપ્નની—જીવનનાં—અધૂરી કળીઃ
અસંખ્ય કચડાયલાં અબલની થવા પ્રેરણા,
દિવેલ ખૂટતાં બલિ બની જજે મશાલે ચડી.

ફગાવ તુજ કલ્પ્ય સૃષ્ટિ સજવા નવાં આયુધો,
નવાં સરજનો વિના ક્યમ શમે ક્ષુધા ક્રાંતિની?
નવાં સરજનો વિના પ્રતીતિ રે, થશે શ્રાંતિની!
મરી જીવવું એ વૃત્તિ જીવી રહ્યાં નવાં સર્જનો.

નહિ સૂરજના વિના ધરતી રૂપ ધારે નવું,
નથી રજની દીસતી મધુરવી વિના ચંદ્રિકા;
લીલોતરી વિના સુધા પ્રકૃતિમાં નથી ઊડતી,
નથી નૂર સ્વતંત્રતા તણું કદી શહીદો વિના.

શહાદત બની જશે જીવનની મજા જે ઘડી,
જયંત કરવા તને જગ સિંહાસને ઊતરી
કમાન રચશે દ્યુતિ!
ઈન્દુલાલ ગાંધી

વિશ્વ અને વ્યક્તિ

(વસંતતિલકા)

ઊંચે નીચે સહુ દિશે પ્રસર્યું અપાર
આ શું બધું નિરખું જે મુજ આસપાસ?
હું ક્યાં ઊભો?–મુજ નિવાસ કહાં પ્રમાણું?
ચોપાસ વ્યકત સઘળું દિસતું અજાણ્યું.
આ ઝાડ ડુંગર અનન્ત અગાધ વ્યોમ,
તારા અસંખ્ય ઘન વાદળ સૂર્ય સોમ;
સંબન્ધ શો સકલ સાથ હશે મહારો,
અદૃશ્ય સૂત્ર મહીં સર્વ પરોવનારો?

કુંડાળું કાંકરી પડ્યે જલમાં તણાય,
કાંઠા ભણી પળપળે સરતું જણાય;
‘હું’ શૂન્ય–સાગર–જલે પડતાં શું પામ્યું
વિસ્તાર વિશ્વતણું વર્તુલ?—કેમ જાણું?
‘હું’ મધ્યબિન્દુ મટતાં, પ્રભવ્યો ‘હું’ થી જે
આકાર વર્તુલતણો, મટી શું જશે તે?
નલિન મણિશંકર ભટ્ટ

જીવનઘૂપ

(વંશસ્થ)

(૧)

ઉદ્યાનમાં મંડપ કેળસ્તંભના
રોપ્યા, રચી મેં શત સ્વર્ણવેદિકા,
રંગોળીની રમ્ય ગૂંથેલ આકૃતિ,
નાચે ૫તાકા વનતોરણાવલિ.

હોમ્યાં હવિષ્યાન્ન ઘૃતાદિ કૈં બલિ,
પ્રદીપ્ત જ્વાલા ક્રતુની ભભૂકતી;
ભંડાર હોમ્યા ધનરાશિદાનથીઃ
સુગંધ વ્યાપી નભ યજ્ઞધૂપની.

(ર) પ્રભાતને બ્રાહ્મમુહૂર્તકાલ હું એકાંતમાં મંદિરદ્વાર ઠેલતો; જલાવતો સપ્તશિખાની આરતિ, સ્તોત્રો યશોગાન તણાં અલાપતો.

જલે તહીં નિશ્ચલ દીપજ્યોતિઓ, પેટાવતો અંતર—દીવડો ઉરે; એકાત્મતા પુણ્ય—સ્વરૂપ પામતોઃ સુગંધ વ્યાપી ઉર જ્ઞાનધૂપની (૩) નદી નહેરે સુ–રસાળ ભૂમિમા, અનંત મેં બીજ સુવર્ણ વાવિયાં; લચી રહ્યાં ખેતર પાકભારથી, સંધ્યા નમી, મોલ લણ્યા કણેકણ.

અને હસે ધાન્ય તણા મહાગિરિ સુવર્ણવર્ણા મૃદુ સાંધ્યતેજથી રસ્યા, ધર્યા એ તુજ પાદયુગ્મમાં : સુગંધ વ્યાપી જગ કર્મધૂપની. તનસુખ ભટ્ટ


અર્ધ્ય (મંદાક્રાન્તા) જંપ્યો શું એ પ્રલયજ્વર તાપે તપેલો પ્રબુદ્ધ? મીચાયાં શું વીજળીતણખા વેરતાં ઉગ્ર નેન? રૂંધાઈ શું અહીં પડી ગયો રુદ્ર આત્મા અચેન? કે બૂઝાઇ પ્રજ્વલિત શિખા ક્રાન્તિની કર્મશુદ્ધ?

આજે હૈયા વિગલિત બની નેણ આસુ નીગાળે. શા રેલાયે હૃદયભરની વેદનાના, વિલાપ! ઢોળો શાને વિફળ નયનાશ્રુ કરીને પ્રલા૫, છાંટ્યાં એણે તન-રૂધિરને રાષ્ટ્રસંક્રાન્તિકાળેઃ

હોમ્યું જેણે નિજ શરીરને દેશકલ્યાણયજ્ઞે, રાખ્યો વિશ્વે સજીવ ઉજળી ભાવનાનો હુતાશ; વેર્યો જેણે યુગજીવનની પ્રેરણાનો પ્રકાશ, પોંખાયો એ પ્રિય સ્વજન, સૈનિક સ્વાતંત્ર્યલગ્ને.

ચોળી એણે યુગશરીરને ભસ્મ શેણિતભીની, તોડી એણે જડ જીવનની શૃંખલા પૂર્વજોની. ચમનલાલ ગાંધી


.......ને અહો! તુજ વધામણે પ્રકૃતિ આજ શી શોભતી! ઝૂમી કુસુમનાં રહ્યાં વિવિધ આજ શાં ઝૂમખાં! ધસું ઝટ હું બ્હાવરો ઉપવને ફુલો વીણવા, અને કુસુમગ્રન્થિથી ચરણ તાહરા પૂજવા.

ગુલાબ લઊં? ના, કપોલ તુજ રમ્ય એથી ઘણાં; મૃણાલ? નહિં ફુલ્લ એથી તુજ નેત્ર સોહમણાં; લઊં શું બટમોગરો? નહિ જ; ચપકો? ના, નહિ; શિરીષ? નહિ;—માલતી? નહિ જ; માળ મન્દારની?

ખસો, કુસુમ શી વિધે કુસુમસત્ત્વશીને ઉરે વસે? ઇતરને ભલે કુસુમ સર્વ એ રીઝવે; હું તો મુજ અધુકડા, ખટમીઠા જ શબ્દો ગૂંથી, પદે તુજ મહેશ્વરી! હૃદય ભાવભીને ધરી કૃતાર્થ મુજને ગણીશ, સુરસંઘશું સ્પર્ધતો.

કૃતાર્થ નહિ કેમ હું કવિ અને કલાકારથી? હું તો અનુભવીશ આજ સહુ તેમની કલ્પના! કળા કવનની અને પરમ સત્ત્વ તું શિલ્પનું, સદેહ મુજ શન્ય આ સદન આજ ઉજાળશે! મનઃસુખલાલ મગનલાલ ઝવેરી



દિવ્યત્રયી (વસંતતિલક) સૌન્દર્યની સરિત સૂક્ષ્મ સદા વહન્ત, ત્હેમાં અનન્ત રમતા શુચિ પ્રેમદી૫; પ્રત્યેક ઊર્મિ નવલું સ્મિતગીત ગાતી, પ્રત્યેક દીપ નવજ્યોત રહે વિલાસી.

સૌન્દર્યની અવનવી મુજ ઊર્મિ મ્હેં તો જાણી સદાય તુજને; મુજ પ્રેમદીપ આત્મા તણા અમલ સ્નેહ વડે સચેત; વ્હાલી, સુમંગલ સદા તુજ ચારુ ગીત.

હું લેખતો પરમ જીવનધન્યતા એ, તું લેખજે પરમ આશિષ ઈશની એ; આહ્‌લાદ–ઈન્દુ નિજ જ્યોતિ તણો પ્રસાદ વર્ષાવતો વિમલ જીવન વિશ્વમાંહે. અનુષ્ટુપ સૌન્દર્ય, પ્રેમ, આહ્‌લાદ વિશ્વની દિવ્ય એ ત્રયી, આપણા જીવને આજે પેખ, ગૂંથાઈ શી રહી! સુંદરજી ગો. બેટાઈ


પતંગિયું અને ગરુડ (શિખરિણી) અહો નાનાં અંગો, શું કે સર્વે રંગો જગતભરના આંહી ભરિયા, ઉષા, સન્ધ્યા, પુષ્પો, વિહગ, નભનાં વાદળ થકી ગ્રહી વીણીવીણી મૃદુલ કરથી, જ્યોતિ લપકી, અહીં નાનાં અંગે સચર પ્રભુએ પાય ધરિયા! અનંતે વૈવિધ્યે, પ્રભુની સાન્નિધ્યે, કુસુમભવનોમાં વિહરતું, કુંળી પાંખોવાળું, પરમ મૃદુતાના અણુ સમું, અહો શું ઊડે આ મુખથી ખરીઉ હાસ્ય પ્રભુનું! હશે ક્ષુદ્રે દેહે સફળ ક્યમ એ જીવ્યું કરતું? (પૃથ્વી) શું એ મનુજ આંખને રીઝવી હર્ષને આપવા ઊડે કુસુમ એકથી અવરપે રસો ચાખવા? ભરી ઉદર જીવવું, અવર કામ એને ન શું? નહિ, નહિ જ, એમ જીવન ન એહને રૂચતું! (સોરઠો) પ્રજળે દીપકજ્યોત, પ્રજળે ઉરમાં ઝંખના; દીપકજ્યોતે અંગ હોમે પ્રાણ ૫તંગિયું. (શિખરિણી) અહો કેવી આંખો! અને આ શી પાખો ગગનતલને બાથ ભરતી! બધા ભાવો સત્તા, વિજય. મહિમા, શ્રેષ્ટમયતા તણી આ મૂર્તિ શું પ્રગટ’ પ્રભુ કેવો રચયિતા હશે જેણે સર્જી પ્રખર બલની સ્વ મુરતિ! ઊંડાં તે આકાશે, દિગન્તોની પાસે, ગિરિવરતણા ઉચ્ચ શિખરે, અહો જેને ર્‌હેવા, ઊડણ કરવા, નિત્ય ભમવું મહા વેગે, તીણા સ્વરથી સઘળું વિશ્વ દમવું; મદોન્મત્તી એેવો ગરુડ જગમા કેમ વિહરે? (પૃથ્વી) શું એ નિજ દમામથી જગતજીવને શક્તિનો, સદા નિજ વિહાર શુદ્ધ ગિરિશીર્ષ ઉત્તુંગનો દઈ પ્રખર પાઠ, ઉચ્ચ શિખવાડતો જીવવું? નહિ, નહિ જ; ભાવ એ પ્રખર ક્યાથી ભૂખ્યા કને? (સોરઠા) ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખીડું; હૈયું ચીરી ક્રૂર ભરખે બીજાને ગરુડ. (શાર્દૂલવિક્રીડિત) જે જીવે રસ પુષ્પનો રજ ચૂસી ડંખે ય ના ત્યાં પડે, ને જે જીવન કાજ જીવ ભરખી ત્રાસે ભરે સૃષ્ટિને; રે સૃષ્ટિક્રમ જીવવા અવરને સંહારવાનો ખરો, કે અર્પી નિજ દેહ ને પ્રણયના ખોળે સૂવાનો ખરો? ‘સુન્દરમ્‌’



ભગ્ન સ્વપ્નની નાવ મારી નાવ કરે કો પાર? કાળાં ભમ્મર જેવાં પાણી, જુગ જુગ સંચિત રે! અંધાર; સૂર્ય ચન્દ્ર નહિ, નહિ નભજ્યોતિ રાત દિવસ નહિ સાંજ સવારઃ મારી નાવ કરે કો પાર? ભાવિના નહિ પ્રેરક વાયુ, ભૂત તણો દાબે ઑથાર; અધડૂબી દીવાદાંડી પર ખાતી આશા મોતપછાડઃ મારી નાવ કરે કો પાર? નથી હીર, નથી માણેકમોતી, કનક તણો નથી એમાં ભાર; ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા તારી કોણ ઉતારે પાર? મારી નાવ કરે કો પાર? ‘સ્નેહરશ્મિ’

વિષાદ (પૃથ્વી) મને અવગણો, તજો, નવ કદી ય સંભારજો, વહે નયન અશ્રુધાર નવ લૂછવા આવજો; અનેક થર જામિયાં ઉર અશાન્તિનાં, ભેદવા પ્રયત્ન કરશો નહિ; સુદૃઢ એ ભલે સૌ રહ્યાં. સુકોમલ ન ભાવ દૂર જડતા કરીને ફરી પ્રસુપ્ત સ્મરણાબ્ધિમાં નવતરંગને પ્રેરશે; સ્પૃહા ન તમ સંગની, ન કરવી રુચે ગોઠડી, વિલુપ્તગતકાલભસ્મ ઉરમાં પડી સંઘરી. વહાવી સહુ ભાવ આ હૃદય શૂન્ય શાને કરૂં? વિભક્ત કરો શોકભાર નવ લેશ ઓછો કરૂં. સુણાવી કથની ન દુઃખ ચહું હું જરી ભૂલવા; પડેલ જખમો તણા ત્રણ દઇશ ના દેખવા.

હું દૂર તમથી જઈ પરમ શાન્ત એકાન્તમાં રહી, લવીશ શોકગીત મુજ ચિત્ત સંતર્પવા. ‘બાદરાયણ’


મૂર્છા

(પૃથ્વી) જતી રજનિ, તારલા પરવરે જુદા દેશમાં, થયા ગુલ પ્રકાશ, નેહ મમતા મળે લેશ ના; નિરાશ નભ, એકલી અટૂલી મ્લાન ચન્દ્રી રડે, પડે ગગનગૉખથી ય, સહસા ઢળી ઓ! ૫ડે. ઊંડું લહરી નિઃશ્વસે થથરતી ડૂબે સાગરે, ગુલાબકળી આંખથી ડળક બે હિમાશ્રુ ખરે; બધે કરુણતા ભરી, રુદનજોસ રહેવાય ના, અથાગ દિલઆર્તિનાં પૂરજુઆળ રોકાય ના. ઊઠે ચીસ અફાટ ઓ! કકળતી તહીં કારમી, પડે તરફડી ચકોર તરુડાળથી એક ત્યાં; ડુમો ઉર અશબ્દ, અન્ધ નયનો ત્યજે ચેતના, દશે દિશ કરાલ કો નીરવતા જ મૃત્યુ તણી.

તદા મુજ નસે નસે, રુધિરસેર થીજી ગઈ, અને ઘટઘટે ચઢી સઘન મૂર્ચ્છના દર્દની. શિરિષ શેલત


દીવાદાંડી (મંદાક્રાન્તા) જાતાં જાતાં સફર મહીં આ સિંધુના માર્ગ માંહી, છૂપા ઊભા ખડક તહીં જે કાળ શા નાવ કેરા! તૂટ્યા જહાજો, ઝઝૂમી મરિયા જે ખલાસી બધા ત્યાં, દીવાદાંડી સ્વરૂ૫ ઝળકે પ્રાણ શું સર્વનો આ?

દૂરેથી કો જલધિજલના માર્ગમાં નાવ આવે, સંદેશાઓ ચમકી ચમકી વ્હાણને એ કહાવે; ના ના, ના ના, અહીં નહિ, અહીં કાળ ઊભો લપાઈ, તારૂં આંહી જીવન સઘળું—પ્રાણ જાશે હરાઇ.

સંદેશાઓ ઝબકી ઝબકી આવતા પ્રાણ કેરા, સૂણીને સૌ દિશ બદલતા નાવ કેરી ખલાસી; જાતાં મારૂં જીવન–જલધિ–માર્ગ જો નાવ તૂટે, દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી. પ્રહ્‌લાદ પારેખ