ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ગ્રંથ પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગ્રંથ પરિચય

ગ્રંથ અને ગ્રંથકારનું પાંચમું પુસ્તક ગુર્જર વાચક સમક્ષ સાદર કરતાં આનંદ થાય છે. આ પુસ્તકમાળાની યોજના એકે અવાજે વખણાઈ છે જે જાણી કાર્યકર્તાને મહેનતનો પૂરેપૂરો બદલો મળી ગયો છે. આ ઐતિહાસિક ઉપયોગિતાવાળું પુસ્તક વિદ્વદ્‌વર્ગ તેમ જ સાધારણ ભણેલાં સર્વની પ્રશંસા પામ્યું છે એ જ તેના આંતર મહત્ત્વનું સૂચક છે. પ્રતિવર્ષ આવો એક ગ્રંથ બહાર પાડવાની યોજના હમેશને માટે જરૂરની રહેશે એમ લાગે છે. હજી તો ઘણા ગ્રંથકારો બાકી છે અને નવા નવા ગ્રંથકારો નીકળતા જાય છે. ગુજરાતી ભાષામાં સરેરાશ બસો અઢીસો પુસ્તકો બહાર દરવર્ષે પડે તેમાં વીસ પચીસ નવા ગ્રંથકારો હોવાનો પૂરો સંભવ છે. પાછળના રહેલા અને આવા નવા મળી લેખકોની સંખ્યા વાર્ષિક પ્રકાશન માટે પૂરતી થવાનો સંભવ છે. વધારે જાણીતા અને ઓછા પરિચિત એવા પુસ્તકકારોની હકીકતની ફુલગુંથણી પ્રત્યેક પુસ્તકમાં કરવામાં આવે છે જેથી વાંચનારને રસની ક્ષતિ ન થાય. આવી ‘રેફરન્સ’ માટે અતિ મહત્ત્વની ગ્રંથમાળા વર્નાક્યુલર સોસાઈટી તરફથી પ્રસિદ્ધ થાય છે એથી સંસ્થાને સંતોષ થાય એ સ્વાભાવિક છે. આ માળાનાં પ્રત્યેક પુસ્તક પેઠે આ પુસ્તકમાં પણ ખાસ આકર્ષણો છે. ગુર્જર-સાહિત્યનું સિંહાવલોકન, છેલ્લાં વર્ષની ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ તેમજ માસિકોના મહત્ત્વના લેખોની સૂચી એ હંમેશ મુજબની વાનગીઓ છે. તે ઉપરાંત ગુજરાતી ભાષાના ગ્રંથોની સાલવારી એ ગુજરાતી સાહિત્યની પ્રગતિપર નવીન પ્રકાશ પાડનાર લેખ ગણાય. ગુજરાતી ભાષાના સાહિત્યનું અતિ મહત્ત્વનું અંગ-પરિપૂર્ણ કોષ-તે હજી પ્રસિદ્ધ થયો નથી; એ કાર્ય ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ પાર પાડવાનું માથે લીધેલું છે પણ અનેક મુશ્કેલીઓને લઇને તે કામ આગળ વધી શક્યું નથી. નાણાંની સવડ તેમ જ કામ પાર પાડવાની ખંત છતાં એ કામ ઉત્તમ રીતે થાય એ અપેક્ષાએ જેમ તેમ કરાવી લેવા મન થતું નથી. આ કામને લગતો લેખ શ્રીયુત વિઠ્ઠલરાય ગૌ. વ્યાસે લખ્યો છે જે આ પુસ્તકની વિશિષ્ટતા છે. માત્ર ગ્રંથકારોની હકીકત અને તેમનાં પુસ્તકોની વિગત ઉપરાંત સોસાઈટીની પ્રવૃત્તિઓ તેમ જ ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષની સામગ્રીઓ સંગ્રહી રાખવા જેવી હોય તે પ્રતિવર્ષ આ પુસ્તકમાં મુકવાની પ્રથા પાડી છે જેને અંગે એની લોકપ્રિયતામાં વધારો થવાની આશા રહે છે. માત્ર નાણાં ખર્ચવાની શક્તિ અને કામ કરવાની ઈચ્છાવડે આ ગ્રંથ સરખાં પુસ્તકોની સફળતા સિદ્ધ થતી નથી. ગ્રંથકારો અગર તેમના સંબંધીઓનો સંપૂર્ણ સહકાર મળે તો જ એ પ્રયોજન યથાયોગ્ય થાય. તે માટે ગુજરાતી ભાષા તેમ જ સાહિત્યના શુભેચ્છકોને બનતી સહાયતા આપવા નમ્ર વિનંતિ છે. નાના મોટા સર્વ ગ્રંથકારોને અહીં સ્થાન મળે અને કોઈ લાયક લેખક અંધારામાં ન રહી જાય એ સંચાલકોની તીવ્ર ઈચ્છા છે અને એ ફળીભૂત થવા યથાશક્તિ પ્રયાસ કરવામાં આવે છે એ વાંચનાર જોઈ શકશે.

અમદાવાદ,
તા. ૪–૧૦–૩૪

વિદ્યાબહેન ૨, નીલકંઠ