ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ભોગીલાલ જયચંદ સાંડેસરા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભોગીલાલ જયચંદ સાંડેસરા

એઓ જાતના લેઉઆ પાટીદાર અને એમનું વતન પાટણ છે. એમના પિતાનું નામ જયચંદભાઇ ઈશ્વરલાલ સાંડેસરા અને માતાનું નામ મહાલક્ષ્મીબ્હેન છે. એમનો જન્મ ચિત્ર વદ ૬ સં. ૧૯૭૩ ના રોજ મોસાળમાં પાટણ તાબે ગામ સંડેરમાં થયો હતો. એમનું લગ્ન પાટણમાં સં. ૧૯૮૮ માં શ્રી શાન્તાગૌરી સાથે થયું હતું. એઓ હજુ મેટ્રીક્યુલેશન ક્લાસમાં છે. બધો અભ્યાસ પાટણમાં કર્યો છે. મુનિ જિનવિજયજીની ભલામણપરથી તેમણે પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી પાસે પ્રાકૃત વ્યાકરણ, સંસ્કૃત વગેરેનો અભ્યાસ આરંભ્યો હતો અને તેમની જ લાગવગ ઉપરથી હસ્તલિખિત જૈન પુસ્તક ભંડારો તપાસવાની સરળતા પ્રાપ્ત થઈ હતી. અત્યારે કોઈ સારા અભ્યાસીની હરોળમાં મૂકી શકાય એવો ઉંડો અભ્યાસ એ વિષયોમાં–જુના ગુજરાતી અપભ્રંશ વગેરેમાં–એમણે કર્યો છે, એમ એમના લેખો ‘બુદ્ધિપ્રકાશ’, ‘પ્રસ્થાન’, સાહિત્ય’, મુંબાઈનું અઠવાડિક “ગુજરાતી” વગેરેમાં પ્રસિદ્ધ થયલા છે, તે પરથી જણાશે. તેમનો પ્રથમ લેખ ‘બુદ્ધિપ્રકાશ’ જુન ૧૯૩૧ માં ‘પડીમાત્રાને સમય” નામનો પ્રકટ થયો હતો. એક ગ્રંથકાર તરીકે એમણે શરૂઆત કરી દીધી છે અને ભવિષ્યમાં ઉમદા કૃતિઓ આપણને એમના તરફથી મળશે એવી આશા પડે છે.

: : એમની કૃતિઓ : :

નં. પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
૧. માધવકૃત રૂપસુન્દર કથા સન ૧૯૩૪
૨. સંઘવિજયકૃત સિંહાસન બત્રીસી
૩. વાઘેલા વંશ (પ્રેસમાં છે.)

ઉપરાંત વિક્રમ સંવત્‌ના ચૌદમા સૈકાથી માંડી સત્તરમા શતક સુધી ગૂજરાતી ભાષાના વિકાસનો ખ્યાલ આપે તેવાં નાનાં કાવ્યોનો એક સંગ્રહ ટીકા વગેરે સાથે તૈયાર થાય છે.