ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/નત્થૂસિંહ હા. ચાવડા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નત્થૂસિંહ હા. ચાવડા

ભાઈશ્રી ચાવડા વડોદરા રાજ્યાન્તર્ગત બીલોદરા ગામના વતની હોઈ જાતે ચાવડા-રાજપૂત છે. તેમનો જન્મ ત્યાંજ તા. ૧ ઑગસ્ટ ૧૯૦૬ ના રોજ થયો છે. તેમના પિતાશ્રીનું નામ હાથીભાઈ ગો. ચાવડા અને માતાનું નામ શ્રીમતી લાલબા સ. ભાટી હતું. લગ્ન સને ૧૯૨૭માં વિસનગર મહાલના ઉદલપુર ગામે થયેલું છે.

વતનમાં જ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી મહા ગૂજરાતના પ્રસિદ્ધ પુસ્તક વિક્રેતા જાગુષ્ટેના ભારતી–ભવન (અમદાવાદ) માં બે વર્ષ કલાર્ક તરીકે નોકરી કરી, પોતાના વિદ્યાગુરુના ‘શિક્ષક થનારે આજન્મ વિદ્યાર્થી રહેવું આવશ્યક છે.’ એ સૂત્રના પાલનાર્થે અનેક દુષ્પ્રાપ્ય પુસ્તકોનું અધ્યયન કર્યું; ત્યારબાદ એક વર્ષ રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે જોડાયા.

તેમના પિતા ભરૂચ જિલ્લામાં એક માનનીય ફોજદાર હતા, પિતાના સ્વગવાસથી વતનમાં આવી વડોદરાની મેઇલ ટ્રેનિંગ કૉલેજમાં દાખલ થયા, ત્યાં બે વર્ષ શિક્ષક માટેની તાલીમ લઈ આવી હાલ રાજ્યના કેળવણીખાતામાં શિક્ષક તરીકે ચાલુ છે. સને ૧૯૨૯ થી તેમણે પુરાતત્ત્વ વિષયનો ખાસ અભ્યાસ શરૂ કર્યો હોઈ “ક્ષત્રિયમિત્ર” દ્વારા અનેક ઉપયોગી લેખો પ્રગટ કર્યા છે.

ઇતિહાસ અને ગૂજરાતી તેમજ હિન્દી ભાષા એ એમના પ્રિય વિષયો છે. હિન્દી ભાષા તરફ તેમને પ્રેમ હોઈ અમદાવાદની મહિલા પાઠશાળાના એક વિદ્વાન અધ્યાપકને આશ્રયે હાલ ‘વિશારદ’ નો અભ્યાસ કરે છે; અને પ્રાચીન રાજવંશનો ઇતિહાસ લખે છે.

—:એમની કૃતિઓ:—

(૧) વીણેલાં ફૂલ ૧૯૨૭
(૨) ચાવડાવંશનો ઈતિહાસ અપ્રસિદ્ધ
(૩) ક્ષત્રિય કવિઓ અને સાક્ષરો અપ્રસિદ્ધ