ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/રતિલાલ વિઠ્ઠલદાસ દલાલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શ્રી. રતિલાલ વિઠ્ઠલદાસ દલાલ

એઓ જ્ઞાતે દશા મોઢ વાણીઆ અને અંકલેશ્વરના વતની છે. જન્મ રાંદેરમાં સંવત ૧૯૬૪ના આસો સુદ ૪ ને દિવસે થયો હતો. એમના પિતાશ્રી વિટ્ઠલદાસ રસીકદાસ દલાલ એક વેપારી તથા કમીશન એજન્ટ તરીકે જાણીતા છે. એમના માતુશ્રીનું નામ ગોદાવરીબેન છે, જેઓ માણેકલાલ પરભુદાસનાં પુત્રી થાય. એમનું લગ્ન ઈ. સ. ૧૯૨૯ના માર્ચ માસમાં અંકલેશ્વરના સૌ. મધુમાલતી-તે રા. ઠાકોરલાલ હરકીશનદાસ મહેતાનાં પુત્રી-સાથે થયેલું છે.

પ્રાથમિક તથા માધ્યમિક કેળવણી એમણે અંકલેશ્વરમાં લીધેલી, અને કૉલેજ શિક્ષણ માટે તેઓ સુરતની એમ.ટી.બી. આર્ટસ કૉલેજમાં દાખલ થયેલા. પ્રિવિયસનો અભ્યાસ સુરતમાં કરી ઇંટરકોમર્સના અભ્યાસાર્થે મુંબઈ સિડનહામ કૉલેજમાં દાખલ થયેલા. ગણિત અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ પડતો હતો. ઇંટરકોમર્સનો અભ્યાસ કરતા હતા તે સાલમાં સત્યાગ્રહની લડત પુર જોસમાં ચાલતી હોવાથી અભ્યાસ તરફ એમનું મન ઉઠી જવાથી તેજ સાલમાં અભ્યાસ છોડી પોતાના પિતાની સાથે વેપારમાં જોડાયા.

પ્રથમથી એમને સાહિત્યનો શોખ વધારે હતો. માધ્યમિક કેળવણી લેતા હતા તે દરમ્યાન અંકલેશ્વરમાંથી હસ્તલિખિત અઠવાડિક પણ કાઢતા. અત્યારે તેઓ બાળસાહિત્યમાં ખૂબ રસ લઈ રહ્યા છે. બાલજીવન, બાળક, બાળવાડી, ગાંડીવ, બાલમિત્ર વગેરેમાં બાળોપયોગી ખૂબ લખ્યું છે. બાળકોના એઓ માનીતા લેખક છે. આ ઉપરાંત વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરી વનસ્પતિના લખાણો પણ તેઓએ લખ્યાં છે ને હજી કુમારમાં નિયમિત રીતે લખે છે. હાસ્યરસનો એમને ખાસ શોખ હોવાથી હાસ્યરસના લખાણો પણ અવારનવાર લખે છે ને એ પ્રજામાં આદર પામ્યાં છે.

સાહિત્યની પેઠે એમને રમતગમતો અત્યંત પ્રિય છે. બાળકોને માટે એમણે પુસ્તકો પણ લખ્યાં છે. બાળોપયોગી સાહિત્યનો એમની પાસે સારો ભંડોળ છે.

—:એમની કૃતિઓ:—

(૧) બાળકોની રમતો ૧૯૩૪
(૨) ફળકથા ભાગ. ૧ ૧૯૩૫
(૩) ફળકથા ભાગ. ૨ ૧૯૩૫
(૪) ફળકથા ભાગ. ૩ (છપાય છે)