ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ.

ભાઈ ચીમનલાલનો જન્મ સન ૧૮૮૧ ના ચૈત્ર માસમાં ખેડામાં થયો હતો. તેમનું કુટુંબ વચલા વર્ગનું-સાધારણ સ્થિતિનું પણ કુળવાન હતું. તેમના પિતાશ્રી રા. ડાહ્યાભાઈ સાંકળચંદ શાહ વેપાર અર્થે અમદાવાદમાં ઝવેરીવાડામાં આવી વશ્યા હતા અને તે રૂની દલાલીનો ધંધો કરતા. સામાન્ય રીતે વેપારી અને વણિક વર્ગમાં ઉંચી કેળવણી લેવા માટે ઝાઝો ઉત્સાહ કે લાગણી દેખાતાં નથી. વ્યવહારીક જ્ઞાન અને દુનિયાદારીનું ડહાપણ પ્રાપ્ત કરવાં એ તેમનું અંતિમ લક્ષ્ય હોય છે, પણ રા. ડાહ્યાભાઈ પર જુદા પ્રકારના સંસ્કાર પડયા હતા. કાંઇક અગવડ વેઠીને પણ યુનિવરસીટીનું ઉંચું પણ ખર્ચાળ શિક્ષણ પોતાના પુત્રોને આપવું એવી તેમના મનમાં ભારે ઉમેદ હતી અને પ્રભુ કૃપાથી તે બર આવી હતી. તેમના મોટા પુત્ર રા. વાડીલાલે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી સંતોષ માન્યો અને આગળ અભ્યાસ કર્યો નહિ પરંતુ બીજા-વચલા પુત્ર ભાઈ ચીમનલાલની મનોવૃત્તિ અને વલણ ન્હાનપણથી જ અભ્યાસ પ્રતિ વિશેષ હતાં અને જિંદગીભર તેમણે એક સાચું વિદ્યાર્થી જીવન ગાળ્યું હતું. નિશાળનો તેમનો અભ્યાસ શરૂઆતથી જ યશસ્વી હતો અને તેમની બુદ્ધિ અને હોંશિયારીનાં વખાણ થતાં. પહેલે વર્ષે જ મેટ્રિક્યુલેશનની પરીક્ષા તેમણે ટંકશાળની ન્યુ ઇંગ્લિશ સ્કુલમાંથી સારે નંબરે પાસ કરી. તે પછી ગુજરાત કોલેજમાં દાખલ થયા. મૂળથી તેમનો સ્વભાવ તદ્દન શાંત અને એકમાર્ગી હતો. એકલા રહેવું અને હરવું ફરવું તેમને વિશેષ પસંદ હતું. વિદ્યાર્થીઓમાં તેઓ ઝાઝા ભળતા નહિ અને વાંચન અને અભ્યાસ કરવામાં એકચિત્ત અને મશગુલ રહેતા. ન્હાનપણથીજ જૈન ધર્મના સંસ્કારોની સુદ્રઢ છાપ તેમના પર પડી હતી. તેમને એટલી બધી ધર્માસ્થા હતી કે, દરરોજ દેરાસરમાં દર્શન કર્યા વિના તે ભોજન લેતા નહિ. વળી જૈન સાધુઓના સંસર્ગમાં તે વારંવાર આવ્યાથી તેમનાં ધર્મશાસ્ત્રો પ્રતિ પણ તેમને ખૂબ અભિરૂચિ ઉત્પન્ન થઈ હતી, અને તે માટે તેના અભ્યાસ અને મનન કરવા માટે સંસ્કૃતનું જ્ઞાન તેમને આવશ્યક જણાયું. પછી ઉપાશ્રય પાઠશાળામાં તેમણે સંસ્કૃત-સિદ્ધાંત કૌમુદીનો અભ્યાસ ચાલુ કર્યો. કોલેજના અભ્યાસ ઉપરાંત તેઓ આ દુર્ઘટ વિષયને પણ ખેડતા જતા હતા. કોલેજનો અભ્યાસ પુરો થતા થતામાં તો તે સંસ્કૃતમાં પારંગત થયા. આરંભથીજ તેમને સંસ્કૃત ભાષાનો શોખ હતો અને ફુરસદના વખતે સંસ્કૃતનું પ્રકીર્ણ વાંચન અને નવીન શ્લોક રચના વગેરે કરતા હતા. તે જ્યારે પ્રિવિયસ કલાસમાં હતા તે વખતે જ તેમણે પ્રો. દારૂવાળાના માનમાં સુંદર સંસ્કૃત શ્લોકોમાં તેમની પ્રશસ્તિ બનાવી, સર્વેની શાબાશી મેળવી હતી. યુનિવરસીટીની પરીક્ષાઓ પાસ કરવામાં તેમને આ અભ્યાસ અને જ્ઞાન મોટી મદદરૂપ થઈ પડતાં હતાં. સન ૧૯૦૮માં તેમણે ઐચ્છિક વિષય તરીકે ઇંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય પસંદ કરી, બી. એ. ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી અને કોલેજના બધા વિદ્યાર્થીઓમાં તે ઉંચે નંબરે આવવાથી એક વર્ષ માટે તેમની દક્ષિણ ફેલો તરીકે નિમણુંક થઈ. વળી આ વર્ષે એમ. એ. ની પરીક્ષા માટે તેમણે વાંચવા માંડયું. સંસ્કૃત-વ્યાકરણ લઇ એમ. એ. ની પરીક્ષા પાસ કરનારાઓની સંખ્યા જૂજ હોય છે અને કેટલાક વર્ષોથી તે વિભાગમાં કોઈએ પરીક્ષા આપી નહોતી એટલો બધો તે વિષય કઠીન મનાય છે છતાં, પોતાની શક્તિ અને અભ્યાસમાં વિશ્વાસ રાખી, તેજ વિષય એમ. એ. ની પરીક્ષા માટે લેવાનું તેમણે પસંદ કર્યું અને વળી તે પરીક્ષા માનભરી રીતે પાસ કરી જે માટે ખચિત કોઈ પણ વ્યક્તિ મગરૂર થઈ શકે. હિંદુ સંસારના રિવાજ પ્રમાણે તેમનું લગ્ન સંવત ૧૯૫૬ માં પ્રથમ વિદ્યાર્થી અવસ્થામાં થયું પણ તે ઘર સંસાર માંડે તે પહેલાં તેમની પત્ની મૃત્યુ પામ્યાં. ધર્મના સંસ્કાર અને જૈન સાધુઓના સંગે તેમના જીવન પર એવી પ્રબળ અસર કરી હતી કે, પ્રાચીન ઋષિજીવન ગાળવાની તેમના સંસ્કારી મનમાં અભિલાષા થઈ રહેલી હતી. ઘણાં વર્ષો થયાં તેમણે એ કારણે મિષ્ટ ભોજન લેવાનું ઉત્કટ બંધ કર્યું હતું અને ઉંચી શય્યાપર તે કદી સુતા નહિ. તેમજ જેમ બને તેમ શરીરને કસવા અને કઠિન કરવા તે પ્રયાસ કરતા. તેમણે પોતાના કુટુંબીઓને બીજીવાર લગ્ન કરવાની ના પાડી અને લગભગ આઠ વર્ષ સુધી તેઓ આ વિચારને મક્કમ રીતે વળગી રહ્યા. છેવટ સગાં સંબંધી અને વડીલોના દબાણને વશ થઈ તેમણે ફરી લગ્ન કરવા કબુલ્યું. આવી તેમની સાધુ જેવી સરલ વૃત્તિ અને સાદું પણ ઉન્નત જીવન તેમના સહવાસમાં આવનાર દરેક વ્યક્તિ ઉપર છાપ પાડયા વગર રહેતું નહિ. સહેજ પ્રસંગ પ્રાપ્ત થતાં તે તીર્થ યાત્રાએ નિકળી પડતા અને ગુજરાતમાં એકે જૈન તીર્થસ્થાન નહિ હોય કે જ્યાં તે ગયા નહિ હોય. જૈન સાધુઓનો સમાગમ તે નિરંતર શોધતા રહેતા, તેથી તે મંડળમાં તે બહુ પ્રિય અને પરિચિત થયા હતા. પોતાના જ્ઞાન અને વિનયથી તેમણે તે સર્વનાં આદરમાન અને પ્રીતિ સંપાદન કર્યાં હતા. પ્રાચીન સાહિત્યની શોધખોળ અને સંશોધનમાં તેમણે જૈન સાધુઓની સહાનુભૂતિ મેળવી હતી, અને તેથી તેમને પોતાના કાર્યમાં કેટલીક સરળતા અને મદદ મળ્યાં કરતાં હતાં. તેમના સહકાર્યથી જૈન સાહિત્યનો ઉત્કર્ષ કરવા તેમને ભારે હોંશ હતી. પરંતુ એ ઇચ્છા ફલિભૂત થાય એ પૂર્વેજ તે સદ્ગતિ પામ્યા છે. જો તે થોડાંક વધારે વર્ષ જીવ્યા હોત તો જૈન ધર્મ, સાહિત્ય અને ઇતિહાસની બહુ સારી સેવા કરી શકત અને તેને દિપાવત. પણ તે આશા નિષ્ફળ નીવડી છે. ખરે ભાવી બળવાન છે. એમ. એ. ની પરીક્ષા પાસ કર્યા પછી પોતાને મન પસંદ અને અનુકૂળ થઈ પડે એવી કોઈ સારી નોકરી મેળવવાની તે તજવીજ કરતા હતા. તે દરમિયાન વડોદરામાં શ્રીમંત મહારાજા સાહેબની આજ્ઞાનુસાર અમેરિકન વિદ્વાન મિ. બોર્ડનની દેખરેખ નીચે એક લાઈબ્રેરી વર્ગ સ્થાપવામાં આવનાર છે અને તેમાં ગ્રેજ્યુએટોને તાલીમ લેવા પસંદ કરવામાં આવનાર છે એવી જાહેર ખબર તેમના જોવામાં આવી. સરકારી ખાતામાં સારા પગારની અને ઉંચી નોકરી મળવાનો સંભવ હતો પણ તેમને એમ જણાયું કે લાઈબ્રેરી ખાતામાં દાખલ થવાથી તે વધારે ઉપયોગી અને સંગીન કાર્ય કરી શકશે. તેથી બીજા લાભોની દરકાર કર્યા વગર દેશી રાજ્યની ઓછા પગારની નેકરીમાં જોડાવાનું તેમણે પસંદ કર્યું. પોતાના વિચાર અને આશય પાર પાડવાને આ ખરી રીતે તેમનો એક પ્રકારનો સ્વાર્થત્યાગ અને આત્મભોગ હતો. લાઈબ્રેરી કલાસમાં પ્રથમ તેમને જુદી જુદી લાઈબ્રેરી પદ્ધતિઓનું અને પુસ્તકોનું વર્ગીકરણ કામ શીખવવામાં આવ્યું. આ પદ્ધતિનું જ્ઞાન ગુજરાતીમાં કેવી રીતે ઉતારવું અને દાખલ કરવું તેની વ્યવસ્થા થવા તજવીજ ચાલી. એ બાબત સહેલાઇથી સમજી શકાય તે હેતુથી, એક પ્રયોગ તરીકે તેમણે પ્રથમ ૧૦૦૦ ગુજરાતી પુસ્તકોનું નવી પદ્ધતિએ વર્ગીકરણ તૈયાર કર્યું અને તે એક ચોપાનીયા રૂપે પ્રસિદ્ધ કર્યું, વળી જ્યાં ત્યાં આ નવી લાઈબ્રેરી પદ્ધતિનો પ્રચાર કરવા અને તેના જ્ઞાનનું સાહિત્ય ઉત્પન્ન કરવા, લાઈબ્રેરી ખાતા તરફથી એક લાઈબ્રેરી ત્રૈમાસિક કાઢવાની યોજના કરવામાં આવી. આમાંના ગુજરાતી વિભાગનું બધું જ કામ અને તેનું તંત્રીપદ રા. દલાલને સોંપાયું. એ ઉપરાંત સંસ્કૃત પુસ્તકોનું શાસ્ત્રીય ધોરણ૫ર વર્ગીકરણ કરવાનું કાર્ય તેમણે હાથ ધર્યું અને તે કાર્ય સંપૂર્ણ ફતેહમંદ થાય તે માટે દેશના જુદા જુદા વિદ્વાનોને પત્ર લખી તેમના અભિપ્રાય અને સૂચનાઓ મેળવ્યાં. આ રીતે ત્રણેક વર્ષ આ નવા લાઈબ્રેરી વિષયનું જ્ઞાન સંપાદન કરવામાં અને તેનો પ્રચાર કરવામાં અને તેનું સાહિત્ય તૈયાર કરવામાં તેમણે ગાળ્યાં. ત્યારબાદ મિ. બોર્ડનની નોકરીની મુદ્દત પુરી થવા આવી અને તેમને પાછા અમેરિકા જવાનું ઠર્યું. તે સાથે મિ. કુડાલકરે યુરોપ, અમેરિકા, જાપાન આદિ દેશોમાં પ્રવાસ કરી, ત્યાંની લાઈબ્રેરી પદ્ધતિઓનો જાતિ અનુભવ લઈ આવવા હજુર આજ્ઞા થઈ. દરમિયાન લાઈબ્રેરીનું કામ બીજી રીતે પ્રતિદિન વધતું અને ખીલતું જ ચાલ્યું. એ ખાતાને પ્રથમ પ્રેસ રિપોર્ટરનું કામ સોંપાયું. અને ધીરે ધીરે પ્રેસ કટિંગ, મુખ્ય અને જાણવા જેવા લેખોની નોંધ અને સાર, બાળ- વાંચન વિભાગ, સરક્યુલેટિંગ અને ટ્રાવેલિંગ લાઈબ્રેરીઓ, સિનેમેટોગ્રાફ અને સચિત્ર કાર્ડ દ્વારા જ્ઞાનપ્રચાર વગેરે કાર્યો નવાં ઉમેરાતાં ગયાં. આ કાર્યોમાં રા. દલાલ રસપૂર્વક ભાગ લેતા. પરંતુ તેમનું મન ખરી રીતે તો પ્રાચીન સાહિત્યના સંશોધન અને સંગ્રહના કાર્ય પ્રતિ જ રોકાયેલું રહેતું. સેંટ્રલ લાઈબ્રેરીનો સંસ્કૃત વિભાગ તેમને સોંપવામાં આવ્યો હતો અને તેમાં સુધારાવધારા કરીને વધારે આકર્ષક-ઉપયોગી બનાવવાને તેઓ હંમેશ ઉત્સુક રહેતા. બહાર ગામના વિદ્વાનો તે સંગ્રહનો સારી રીતે લાભ લઈ શકે એવી વ્યવસ્થા તેમણે કરી. તેથી તેનો બહોળો ઉપયોગ થવા માંડ્યો અને તે કાર્યમાં તેમની મદદ અને સલાહ બહુ કિંમતી થઈ પડયાં. પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોનો સંગ્રહ કરવાનું અને તે માટે નવાં નવાં પુસ્તકો મેળવવાનું કામ શરૂઆતથી થયા કરતું હતું અને તે વિભાગમાં મિ. દલાલના ખંત અને ચાલુ ઉદ્યોગના પરિણામે બહુ ઉપયોગી પ્રાચીન ગ્રંથોનો ઉમેરો થયો. અત્યારે એ સંગ્રહને જે મહત્તા ને કિંમતીપણું પ્રાપ્ત થયાં છે, તે વાસ્તવિક રીતે તો મિ. દલાલના શ્રમ અને ખંતને જ આભારી છે. આમ માત્ર સંગ્રહ કરવાથી તેમ છતાં તેમને પુરતો સંતાપ થયો નહિ, તેથી વધુ શોધ અને તજવીજ થવા તેમણે એક ટિપ્પણ તૈયાર કર્યું. મે. દિવાન સાહેબ આગળ તે રજુ કરવામાં આવતાં તેમણે પાટણના જુના જૈન ભંડારોની તપાસ કરી, તે વિષે એક સવિસ્તર રિપોર્ટ કરવા મિ. દલાલને ખાસ હુકમ આપ્યો. મિ. દલાલના કાર્યે અહિંથી નવીન સ્વરૂપ ધારણ કર્યું, અને તે મૃત્યુપર્યંત તેમણે અવિચ્છિન્ન રીતે ચલાવ્યું. તેમના ભગીરથ અને અવિશ્રાંત શ્રમનું પરિણામ બહુ સુંદર આવેલું સર્વ કોઈ સ્વીકારે છે. ત્રણ માસ તે પાટણમાં રહ્યા. છતાં એટલા ટુંકા સમયમાં તેમણે ૧૧ ભંડારોની તપાસ કરી. એ ભંડારોમાં આશરે ૧૩૦૦૦ કાગળ પર અને ૬૫૮ તાડપત્ર ઉપર લખેલાં પુસ્તકો હતાં. એ પુસ્તકો મિ. દલાલે ખૂબ ધ્યાનપૂર્વક અને બારીકાઈથી તપાસ્યા અને ખંભાતના ભંડારો તપાસી ડો. પિટરસને એક સવિસ્તર રિપોર્ટ કર્યો હતો તેમ અને તે પદ્ધતિ પર તમામ પુસ્તકની વિગતવાર નોંધ કરી અને તેમાંના ઉપયોગી અને કિંમતી પુસ્તકોની નકલ ઉતરાવી, મિ. દલાલે પોતાના કાર્યને પાર ઉતાર્યું. આગળ ડો. બ્યુલર, ડો. ભાંડારકર, ડો. પિટરસન અને પ્રો. મણિલાલ નભુભાઈ વગેરે પ્રસિદ્ધ વિદ્વાનો પાટણના ભંડારોની મુલાકાત લઈ ગયા હતા. પરંતુ તેઓ એ ભંડારો પુરેપુરા તપાસી શક્યા ન હતા, તેમ તેમાંનાં ઘણાં પુસ્તકો-ખાસ કરીને તાડપત્ર ઉપર લખાયેલાં ગુપ્ત રાખવામાં આવ્યાં હતાં, એટલે એ ભંડારોની તપાસ અને નોંધ અપૂર્ણ અને ખામીવાળી રહેલી હતી. આનંદની વાત તો એ છે કે, એ દિશામાં મિ. દલાલે બજાવેલું કાર્ય અત્યંત સંતોષકારક અને ઉપયોગી જણાયું છે. તે જાતે જૈન હોવા ઉપરાંત તેમના આચારવિચાર અને રહેણી એટલાં ધાર્મિક અને સાદાઈવાળાં હતાં અને જૈન સાધુઓમાં તે આટલા જાણીતા હતા અને તેમની લાગવગ અને માન એવાં હતાં કે જે તેમને પોતાનું કાર્ય કરવામાં અત્યંત સહાયક નીવડ્યાં હતાં. જે પ્રાચીન સાહિત્ય અત્યાર લગી ભંડારોમાં અંધારામાં પડી રહ્યું હતું અને કોઈની નજરે પડતું નહિ, તે તેમને સહેલાઈથી ઉપલબ્ધ થયું. અને આ પ્રમાણે મળી આવેલી તકનો તેમણે ખરેખર સદુપયોગ કર્યો હતો. આ શોધખોળના પરિણામે અનેક જુનાં અને મહત્વનાં પુસ્તકો પ્રકાશમાં આવ્યાં છે, વળી એવું કેટલુંક અપભ્રંશ સાહિત્ય મળ્યું છે કે જે હિંદી, ગુજરાતી અને મરાઠી એ ત્રણે દેશી ભાષાઓની ઉત્પત્તિ અને ઇતિહાસ માટે જાણવા જેવી અને ઉપયોગી માહિતી પૂરી પાડે છે. બારમા, તેરમા અને ચૌદમા સૈકાની જુની ગુજરાતી ભાષાના ગ્રંથો હાથ આવ્યા છે, જે અપભ્રંશમાંથી જુની ગુજરાતીનો કેવી રીતે વિકાસ થયો, તેનો બહુ સારો પૂરાવો પૂરો પાડે છે અને ભાષાના સાહિત્યમાં તેમની પ્રાપ્તિ બેશક ઉપયોગી અને કિંમતી ગણાય. આ હિલચાલનું એક વ્યાવહારિક પરિણામ એ આવ્યું છે કે, તેમના રિપોર્ટથી ખુશ થઈ, પાટણ ભંડારોમાંનાં પ્રાચીન ઐતિહાસિક પુસ્તકો, એક જુદી ગ્રંથમાળા તરીકે પ્રસિદ્ધ કરવા શ્રીમંત મહારાજા સાહેબની ખાસ આજ્ઞા થઈ. ‘ગાયકવાડ પોર્વાત્ય ગ્રંથમાળા’ની પ્રસિદ્ધિ સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં એક અપૂર્વ બનાવ ગણાય અને વિદ્વાનવર્ગ તરફથી તેની યોગ્ય કદર થાય એ ખુશ થવા જેવું છે. પ્રસ્તુત ગ્રંથમાળામાં આજ દિન સુધીમાં સાત પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે અને બીજાં તૈયાર થાય છે. આમાંનાં ત્રણ પુસ્તકો રાજશેખર રચિત ‘કાવ્યમીમાંસા’, વસ્તુપાલ કૃત “નરનારાયણાનંદ’ કાવ્ય અને ‘પાર્થપરાક્રમ’ રા. દલાલે એડિટ કર્યાં છે અને બીજાં ચાર પુસ્તકો (૧) હમીરમદમર્દન, રચ્યા સાલ સં. ૧૨૩૦. (૨) વસંતવિલાસ ૧૩ મી સદી, (૩) પંચમીકહા, અપભ્રંશનું પુસ્તક ૧૨ મી સદી અને (૪) પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ, જેમાં ૧૨ મા, ૧૩ મા, ૧૪ મા શતકનાં કાવ્યો આપેલાં છે, જે પ્રેસ માટે નોટસ અને ઉપોદઘાત સહિત તૈયાર કરતા હતા અને તે સિવાય ૪ થા સૈકાની ઉદયસુંદરીની કથા, વત્સરાજ રચિત કર્પૂર ચરિત, રૂકિમણી પરિણય, હાસ્ય ચૂડામણિ, ત્રિપુરદાહ, કિરાતાર્જુનીય, અને સમુદ્રમંથન એ ગ્રંથોનું સંશોધન અને સારી નકલો કરવામાં આવતી હતી. આ પ્રમાણે વિવિધ પુસ્તકોની તૈયારી કરવામાં તે રોકાએલા હતા. ખરી રીતે ગ્રંથમાળાની તમામ વ્યવસ્થા અને યોજના તેજ કરતા હતા. વળી નોટસ અને ઉપોદઘાત વગેરે લખવાં અને જુદા જુદા પાઠો તૈયાર કરવા, એ બધું કામ તેમના હસ્તક થતું હતું, અને તે કાર્ય એટલું વિદ્વત્તાપૂર્ણ અને ઉંચી પ્રતિનું થએલું છે કે, પાશ્ચાત્ય અને પૌર્વાત્ય વિદ્વાનેાએ તે ગ્રંથોની મુક્ત કંઠે પ્રશંસા કરેલી છે. તેની પ્રસિદ્ધિથી સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન સાહિત્યના ઇતિહાસ પર કેટલોક નવીન પ્રકાશ પડ્યો છે. આવા ઉપયોગી અને કિંમતી કાર્ય બદલ શ્રીમંત મહારાજા સાહેબ બેશક મગરૂર થઈ શકે અને સાહિત્યસમાજ તેમનો જેટલો ઉપકાર માને તેટલો ઓછો જ છે. પણ તે સાથે અહીં એટલું ઉમેરવું જેઈએ કે, તે ગ્રંથમાળાની યોજના અને પ્રસિદ્ધિ ખરી રીતે રા. દલાલના પ્રસ્તુત્ય પ્રયાસનું ઉમદા અને સુંદર ફળ છે, અને તેનું માન અને યશ એક રીતે તેમને જ ઘટે છે. તેમના આ કિંમતી કાર્યની કદર બુજીને ત્રીજે વર્ષે શ્રીમંત મહારાજા સાહેબે તેમને ‘રાજ્યરત્ન’નો ઈલ્કાબ બક્ષ્યો હતો, તે યોગ્ય જ થયું હતું. પાટણના ભંડારોની તપાસ આટલી બધી ફળદાયી અને મહત્વની માલમ પડ્યાથી, જેસલમીરના ભંડાર-જેમાંનાં પુસ્તકો અતિ પ્રાચીન હેવાની વિદ્વાનોમાં સામાન્ય માન્યતા છે અને જે પુસ્તકોની અત્યાર સુધી ખાતરીપૂર્વક તપાસ અને યાદી થઈ ન હતી, તે પાટણ ભંડારમાંના કેટલાંક પુસ્તક એડિટ કરતાં એમ માલમ પડ્યું કે, તેની બીજી પ્રતો જેસલમીરના ભંડારમાં કદાચ હોવી જોઈએ. તેથી એ ભંડારની બરોબર તપાસ થવી જોઈએ એમ નક્કી થયું. ડો. બ્યુલરે સન ૧૮૭૨ માં તે ભંડાર પ્રથમ તપાસ્યો હતો. પણ તેમને માત્ર ૪૦ પોથીઓ બતાવવામાં આવી હતી. તે તપાસમાંથી ડો. બ્યુલરે ‘વિક્રમાકદેવચરિત’નું ઐતિહાસિક કાવ્ય લીધું અને પાછળથી મુંબાઈ સંસ્કૃત ગ્રંથમાળા માટે એડિટ કર્યું. તેમના પછી કેટલેક વર્ષે મુંબઈ સરકારે તે ભંડારની ફરી તપાસ અને નોંધ કરવા પ્રો. એસ. આર. ભંડારકરને મોકલ્યા હતા. પણ તે તેમાં ફતેહમંદ થયા નહિ, તેમ જ તે ગ્રંથોની જેઈએ તેવી અને પૂરતી માહિતી બહાર નહિ પડેલી હોવાથી, તે ભંડારની ચોકસાઈથી અને ખાતરીપૂર્વક તપાસ અને નોંધ થવા સૌ કોઈ જરૂર બતાવતા હતા. રા. દલાલને પાટણના ભંડારો તપાસવામાં અસાધારણ ફતેહ મળી હતી, તેથી તે કામ માટે ફરી તેમની જ નિમણુંક થઈ. જેસલમીરની મુસાફરીએ જવું એ કાંઈ સહેલ કાર્ય નથી. પ્રથમ તો ત્યાં જવાનો માર્ગજ વિકટ છે અને રેતીના રણમાં લાંબી મુસાફરી કરવી પડે છે. વળી તે ભંડાર ગઢના કિલ્લામાં એટલો સુરક્ષિત અને સખત જાપતા હેઠળ રાખેલો છે કે તે જોવાની તક બહુ થોડાને જ મળે છે. આવી મુશ્કેલીઓ અને અડચણો હોવા છતાં માત્ર કુનેહ, ખંત, પ્રયત્ન અને યુક્તિવડે અન્યને અસાધ્ય થઈ પડેલું કાર્ય રા. દલાલે ભારે પરિશ્રમ ઉઠાવી ફતેહમંદ રીતે પાર પાડયું અને તે બદલ તેમને અત્યંત ધન્યવાદ મળ્યો. તાડપત્રનાં જુનામાં જુના ગ્રંથો આખા હિંદુસ્તાનમાં માત્ર આ ભંડારમાં સચવાઈ રહેલા છે અને તેમાંના કેટલાંક પુસ્તકો ૧૦ મી સદી જેટલાં પ્રાચીન છે. બીજાં એવાં કેટલાંક અગત્યનાં પુસ્તકો છે કે જેની પ્રતો અન્ય કોઈ સ્થળે ઉપલબ્ધ નથી. અગાઉ આ બધાં પુસ્તકો પાટણના ભંડારોમાં હતાં, પણ આફતના સમયે તે નાશ પામવાની ભીતિથી સં. ૧૪૭૪ માં જૈન સાધુ જિનભદ્રસૂરિએ તે ભંડારને જેસલમીર આણ્યો, જ્યાં અદ્યાપિ તેની પ્રાણની પેઠે રક્ષા થાય છે. પાટણમાં તો માત્ર નકલો રાખવામાં આવી હતી અને તેના પ્રમાણ તરીકે એટલું જણાવવું બસ થશે કે, પાટણમાંથી પ્રાપ્ત થયેલા “કાવ્યમીમાંસા’ અને “હમીર મદમર્દન’ ગ્રંથોની મૂળ પ્રતો રા. દલાલને અહિંથી જ પ્રાપ્ત થઈ હતી. તેમણે એ ભંડારની તપાસ એવી ખુબી અને કુશળતાથી કરી કે તેમના વર્તનથી ભંડારના રક્ષકો પ્રસન્ન થયા. એટલે સુધી કે, બધાં પુસ્તકો તેમને બતાવ્યાં, એટલું જ નહિ પરંતુ તેની બરોબર નોંધ કરવા અને કેટલાક પુરતકોની નકલ ઉતારી લેવા ખાસ પરવાનગી આપી, જે બીજાને જવલ્લે જ મળે છે. આ રીતે પાટણના ભંડારમાંથી નહિ મળેલાં એવાં કેટલાંક મૂળ પુસ્તકોની નકલો કરાવી લીધી અને બીજાં કેટલાંક સંસ્કૃત અને અપભ્રંશનાં નવાં પુસ્તકો પ્રાપ્ત કર્યાં. જેની ટુંકી યાદી વાચકને સહેજ ખ્યાલ આવવા નીચે આપી છે:—ઢઢુંક રચિત વિલાસ વાખા-સંવત ૧૧૩૯, નેમનાથ ચરિત-૧૩ મી સદી, કુલવયમાળા (ઉદ્યોતનસૂરિ) કૃત-સં. ૮૩૫, જયદેવ રચિત-છંદશાસ્ત્ર, (કિસ્સાહ) વ્રકોકિત જીવિત અથવા કુત્તકનું કાવ્યાલંકાર, ઈષ્ટસિદ્ધિ અને લીલાવતી કહા વગેરે. આ તપાસ દરમિયાન તેમણે ૩૪૪ તાડપત્રનાં અને ૬૦૦૦ કાગળનાં હસ્તલિખિત પુસ્તકોની નોંધ લીધી. તે સાથે સીરોહી, બિકાનેર, જોધપુર વગેરે શહેરોમાં ફરી આવી પુષ્કળ માહિતી એકઠી કરી. તે સિવાય પ્રાચીન સાહિત્યની શોધખોળ માટે તે આમોદ, જુનાગઢ, તારાપુર, ખંભાત, ખેડા, માતર, વળા, પાંચગામ, અને અમદાવાદ વગેરે સ્થળોએ જઈ આવ્યા હતા. આ પ્રમાણે સતત પ્રયત્ન કરી લગભગ ૩૦૦ કિંમતી હસ્તલિખિત પુસ્તકે સેંટ્રલ લાયબ્રેરીના સંગ્રહ માટે તેમણે પ્રાપ્ત કર્યો હતાં. એ સંગ્રહની સમૃદ્ધિ અને ઉપયોગિતા મોટા અંશે તેમના પ્રયાસને અને ખંતને આભારી છે. ચાલુ ઑફિસ કામ કરવા ઉપરાંત બાકીનો સમય તે સાહિત્ય સેવા કરવામાં ગાળતા. જુદાં જુદાં માસિકો અને પત્રોમાં વખતો વખત મહત્વના લેખો, તેમ જ પ્રાચીન ગુજરાતી કાવ્યો અને સુભાષિતો વગેરે પ્રસિદ્ધ થવા માટે મોકલી આપતા. વળી સાહિત્યના પ્રશ્નોની ચર્ચામાં રસપૂર્વક ભાગ લેતા. સુરતમાં ભરાયેલી પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ માટે તેમણે પાટણના ભંડારોમાંનાં જુની ગુજરાતી અને અપભ્રંશનાં પુસ્તકો વિષે એક વિદ્વત્તાભર્યો નિબંધ લખી મોકલ્યો હતો, જે પ્રતિ વિદ્વાનોનું સારું ધ્યાન ખેંચાયું હતું, ને યોગ્ય પ્રશંસા થઈ હતી. જનાર્દન રચિત ‘ઉષાહરણ’ અને બિલ્હણ કૃત ‘ચૌરપિંચાસિકા’ વગેરે પ્રાચીન ગુજરાતી કાવ્યો એડિટ કરી ચંદ્રહાસને મળતી અન્ય કથાઓ, ‘સદ્રયવત્સ સાવલિંગા’ અને (‘માધવકામ કુંડળા) ની કથા વગેરે જુની વાર્તાઓનો ઐતિહાસિક અને તુલનાત્મક રીતે અભ્યાસ કરી, ગુજરાતનું સંસ્કૃત નાટક સાહિત્ય તથા પ્રાચીન ગુજરાતીનો વિભક્તિ વિભાગ તથા વાક્યપ્રકાશ ઔક્તિક વગેરે વિચારપૂર્ણ લેખો લખી અને કાશ્મીર મુખમંડનની અને ખંભાત શબ્દોની વ્યુત્પત્તિની ચર્ચામાં ઉંડા ઉતરી તેમણે સાહિત્યમાં ઉપયોગી ફાળો આપ્યો છે અને તેમની સાહિત્યસેવા બહુ ઉંચા પ્રકારની હતી, એટલું ગુજરાતના સાહિત્યના અભ્યાસીઓ સ્વીકાર્યા વગર રહેશે નહિ. ટુંકામાં તેમનું સમગ્ર જીવન પ્રાચીન સાહિત્યના અભ્યાસ અને સેવનમાં નિર્ગમન થયું છે. તેમણે આદરેલું કાર્ય અત્યંત કિંમતી અને મહત્વનું હતું અને તેમાં જે કાંઈક થોડું કરવાને તે શક્તિમાન થયા હોય તો તે તેમને માન અને કીર્તિ આપે એવું ઉંચા પ્રકારનું અને વિદ્વત્તાભર્યું હતું. આપણે આશા રાખીશું કે, લાયબ્રેરી ડિપાર્ટમેન્ટ તરફથી ગાયકવાડ પૌર્વાત્ય ગ્રન્થમાળામાં તેમના પાટણ અને જેસલમીરના ભંડારોની તપાસના બે મોટા રિપોર્ટ સત્વર પ્રસિદ્ધ થવા વ્યવસ્થા થશે. કેમકે તેની પ્રસિદ્ધિ થયેથી તેમનું કાર્ય કેટલું બધું ઉપયોગી અને અગત્યનું હતું તેનો વાચકવર્ગને પુરતો ખ્યાલ આવશે. સ્વભાવે તે તદ્દન શાંત અને નિરભિમાની હતા. તેમની પ્રકૃતિ આગ્રહી અને નિશ્ચયાત્મક હતી. તપસી જેવી તેમની મનોવૃત્તિ અને ભાવના હતાં અને તેને અનુકૂળ જ તેમણે પોતાનો જીવનક્રમ અને વ્યવહાર રાખ્યાં હતાં. દુનિયાદારીની ચીજોની તેમને ઝાઝી સ્પૃહા ન હતી. વળી તેમને માન કે મોટાઈની ઈચ્છા કે પરવા પણ ન હતી. સાદું, એકાંતિક, અને સંસ્કારી સાક્ષરજીવન, એક જૈન સાધુની માફક ગાળવાને તેઓ સદા તત્પર અને ઉત્સુક રહેતા એજ તેમની જીવન ભાવના અને અભિલાષ હતાં. બહુધા તે પુસ્તકોનાં વાચન અને અભ્યાસમાં ગુંથાયેલા માલમ પડતા અને કવિ ચોસરના શબ્દોમાં કહીએ તો

"Of studie took he most care and most hede
Nought a word spoke he more than was nede."

(કામ પુરતું જ તે બોલતા, બાકીનો સમય અભ્યાસ ને અધ્યયનની દરકાર કરવામાં ગાળતા.)

તેમ તેમણે ઉપાડેલું કામ તેમના સ્વભાવને અનુકૂળ અને યોગ્ય દિશામાં હતું. તે માટે યોગ્ય કાર્ય કરનારની જ રાહ જોવાતી હતી. લાયકને લાયક કામ મળી આવ્યું અને સંતોષની વાત છે કે, તેમાં તેમને સારી ફતેહ પણ મળી. તે એટલું સરસ કામ કરી રહ્યા હતા કે, થોડા સમયમાં તેમના પ્રયાસથી સુંદર પરિણામો આવવાની આપણે આશા રાખતા હતા પણ એટલામાં કિનારે આવેલું વહાણ લાધી ગયું.

સંપાદિત ગ્રંથો

ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાળામાં નં. ૧, ૨, ૩, ૪, ૫ તરીકે કાવ્ય મીમાંસા, નરનારાયણનંદ, પાર્થ પરાક્રમ અને રાષ્ટ્રૌઢ વંશ-તે પોતે સંશોધિત કરેલાં તે પોતાની હયાતીમાં જ પ્રકટ થયાં; હયાતી બાદ તેમના સંશોધિત કરેલ વામન કૃત લિંગાનુશાસન નં. ૬, બાલચંદ્રસૂરિ કૃત વસંતવિલાસ નં. ૭, વત્સરાજ કૃત રૂપકષટ્કં-છ નાટક, નં. ૮ તરીકે સને ૧૯૧૮ માં પ્રકટ થયાં અને તદુપરાંત સદ્ગત દલાલ કૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટોવાળું યશ:પાલકૃત મોહપરાજ્ય નાટક નં. ૯ તરીકે બહાર પડયું; ૧૯૨૦ માં તેમનાથી સંશોધિત થયેલ જયસિંહ સૂરિકૃત હમ્મીરમદમર્દન કાવ્ય નં. ૧૦, સોડ્ઢલ કૃત ઉદયસુંદરી કથા નં. ૧૧, પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહ (પ્રસ્તાવના વગરનું) નં. ૧૩; ૧૯૨૧ માં ભાસર્વજ્ઞ મુનિ કૃત પશુપતિ દર્શનનો ગણકારિકા નામનો ગ્રંથ નં. ૧૫, ૧૯૨૩ માં ધનપાલ કૃત ભવિસયત્ત કહા-પંચમી કહા (સદ્ગત પ્રો. ગુણેની પ્રસ્તાવના અને ટિપ્પણી સહિત) નં. ૨૦; ૧૯૨૪ માં જેસલમેર ભંડારની ગ્રંથ સૂચિ (પંડિત લાલચંદની ટિપ્પણીઓ અને વૃદ્ધિ પત્રિકા સહિત) નં. ૨૧ અને ૧૯૨૫ માં લેખપદ્ધતિ (૮ માંથી ૧૫ મા સૈકા સુધીના દસ્તાવેજોનો સંગ્રહ) નં. ૧૯ તરીકે બહાર પડયા. પાટણ જૈન ભંડારના ગ્રંથોની સૂચિ (પંડિત લાલચંદની ટિપ્પણીઓ સહિત) તૈયાર થઈ ગઈ છે ને પ્રેસમાં ગઈ છે.