ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. બાળાશંકર ઉલ્લાસરામ કંથારીઆ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બાળાશંકર ઉલ્લાસરામ કંથારીઆ

એઓ જ્ઞાતે સાઠોદરા નાગર ગૃહસ્થ; નડિયાદના વતની; જન્મ ઈ. સ. ૧૮૫૯ માં જેઠ શુદ ૫ મે થયો હતો. એમના પિતાશ્રી ઉલ્લાસરામ મામલતદાર હતા. એમણે પ્રિવિયસ સુધીનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી અવસ્થામાંથી કવિતા કરવાનો છંદ લાગેલો; એમણે ‘સ્વસુધારક’ નામે એક મંડળ સ્થાપ્યું હતું, જેના એક સભ્ય પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી પણ હતા. એ મંડળમાં કાવ્યચર્ચા થતી; પછીથી એ વિસ્તૃત થઈ ‘સાઠોદરા જ્ઞાતિ શુભેચ્છક’ એ નામે જાણીતું થયું હતું.

સન ૧૮૮૦માં તે ઘોઘામાં કસ્ટમ ખાતામાં જોડાયેલા. સને ૧૮૮૧ -૮૨ માં ભરૂચમાં રેવન્યુ તથા રજીસ્ટ્રેશન ખાતામાં કલાર્ક હતા. ત્યાંથી સન ૧૮૮૨-૮૩ માં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટના શિરિસ્તેદાર તરીકે તેમની બદલી થયેલી અને છેલ્લે આમોદમાં ત્રિજોરી કારકુન નિમાયલા.

પણ સાહિત્ય શોખ અને માતૃભાષાની સેવા કરવાની તમન્ના પહેલેથી એટલે રેવન્યુ ખાતાની નોકરી તેમની પ્રકૃતિને રૂચતી નહિ; તેથી એ સારી આશાવાળી નોકરી છોડી દઈને તેમણે સાહિત્યસેવા કરવાનું બીડું ઝડપ્યું હતું.

સન ૧૮૮૭ માં “ભારતી ભૂષણ” નામનું ત્રૈમાસિક કાઢ્યું; તેમાં વિવેચન, અપ્રાપ્ય અને લોકપ્રિય, પ્રાચીન તથા મૂળ, સંસ્કૃત તથા વૃજ અને ગુજરાતી કાવ્ય અને ગદ્ય ગ્રન્થ તથા લેખોનું વિવરણ થતું; એટલું જ નહિ ૫ણ તે કામમાં વિદ્વદ વર્ગનો સહકાર મેળવવા તે શક્તિમાન થયા હતા.

વૃજભાષાનું બેનીલાલકૃત “સાહિત્યસિંધુ” અને સંસ્કૃતમાંથી મમ્મતકૃત ‘કાવ્ય પ્રકાશ’ તથા ‘સાહિત્ય દર્પણ’ના તરજુમા ગુજરાતીમાં ઉતારવા પ્રયાસ કર્યા હતા; તેની સાથે ફારસી અને અરેબિકમાંથી ઉત્તમ કૃતિઓ ગુજરાતીમાં આપવા તજવીજ કરતા, એક મુન્શી હંમેશાં તેમની પાસે રહેતો તેની સાથે તે ફારસી ગ્રંથોનો અભ્યાસ કરતા. હાફેઝ એમનો પ્રિય કવિ હતો અને તેની કેટલીક સુંદર ગઝલોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો, જે ગઝલો ગુજરાતીમાં લોકપ્રિય નીવડી હતી.

ગુજરાતના ઇતિહાસના ફારસી ગ્રંથો ગુજરાતીમાં તરજુમો કરવા તેમણે ખાસ શ્રમ લીધેલો; તદર્થ “ઇતિહાસમાળા” નામનું એમ જુદુ માસિક સુદ્ધાં કાઢેલું, એટલો બધો તે માટે અનુરાગ હતો.

એવી રીતે એક મિત્ર સાથેના સંબંધથી પ્રેરાઈને એમણે સન ૧૮૯૩ માં ‘કૃષ્ણ મહોદય’ નામનું એક માસિક કાઢેલું; અને તેના માલિક શેઠ સાંકળચંદ મગનલાલ વૈષ્ણવ હોવાથી, વૈષ્ણવ ધર્મના સિદ્ધાંતોને તથા શ્રી કૃષ્ણ ભક્તિને ઉત્તેજે એવા સાહિત્યનું તેમાં પ્રકાશન થતું. ગીત ગોવિંદ દી. બા. કેશવલાલ ધ્રુવ અનુવાદિત ૫હેલપ્રથમ એ માસિકમાં પ્રકટ થયું હતું.

‘ભારતી ભૂષણમાં’ તેમણે સંસ્કૃત ગ્રંથ ‘કર્પુરમંજરી” અને “મૃચ્છકટિક’ના ભાષાંતરો કટકે કટકે છાપેલાં; અને દેવીદાસની રાજનીતિ એ ગ્રંથ પણ તેમાં પ્રસિદ્ધ થયેલો.

કલાન્ત કવિ નામથી લખેલી એમની કવિતા પણ મધુર તેમ પ્રાસાદિક જણાશે.

થોડોક સમય તેઓ ગુ. વ. સોસાઈટીમાં આસિ. સેક્રેટરી તરીકે રહેલા અને એમણે બુદ્ધિપ્રકાશનું સંપાદન કરેલું; પછીથી તેઓ ધંધામાં પડેલા, જેમાં મોટી ખોટ આવેલી. સન ૧૮૯૮ ચૈત્ર સુદી ૧૧ ના રોજ આ ફાનિ દુનિયાનો તેમણે ત્યાગ કરેલો.

ગુજરાતી સાહિત્યમાં તેમણે કાંઈ કાંઈ નવા પ્રયોગો અજમાવેલા અને તેમાં તેમને સફળતા પણ મળેલી. અને તે પ્રારંભના પ્રયોગો હોવા છતાં તેમની કૃતિઓ લોકાદર પામી હતી.

–: એમની કૃતિઓ :–

૧ મૃચ્છકટિક
૨ કર્પુરમંજરી
૩ કલાન્ત કવિ
૪ ચંદ્રાવલા
૫ દેવદાસની રાજનીતિ