ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. ભગુભાઈ ફતેચંદ કારભારી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભગુભાઈ ફતેહચંદ કારભારી

સાદરાના જાણીતા વકીલ અને એક વખતના માણસા સંસ્થાનના કારભારી રા. રા. ફતેહચંદ રામચંદને ત્યાં સને ૧૮૭૧ની સાલમાં એમને જન્મ થયો હતો. બાલ્યાવસ્થામાં જ પોતાની માતાના મરણથી તેમના સુખનો વિયોગ થયો હતો. મી. કારભારીનું કુટુમ્બ કેળવણીને માટે જાણીતું છે. જૈન કોમમાં આગળના વખતમાં અંગ્રેજી કેળવણી ઘણા જ થોડા સંપાદન કરતા હતા અને મરહુમ મી. કારભારીના પિતા તેમાંના એક છે. પોતાને મળેલી કેળવણીનો લાભ અવશ્ય પોતાના પુત્રને આપ્યો. ક્રમશ: કૉલેજમાં ગયા, પણ તે પહેલાં જ હાઈસ્કૂલમાંથી એક ગુજરાતી લેખક અને પત્રકાર તરીકે બહાર પડવાની એમનામાં જીજ્ઞાસા ઉત્પન્ન થઈ. તે ઈચ્છા પૂરી પાડવાને ઉંચી કેળવણીનો લાભ પૂરો નહીં મેળવતાં કૉલેજ જલ્દીથી છોડવામાં એમણે મોટી ઉતાવળ અને ભૂલ કરી હતી; પરંતુ તેનો બદલો એમને ખાનગી વાચનમાં જે શ્રમ ઉઠાવ્યો હતો તેનાથી પુરતો મળ્યો. મર્હૂમમાં જાહેર અને ખાનગી જીવનને યોગ્ય અનેક ઉત્તમ ગુણો હતા. તેઓ સ્વભાવે ઘણા જ સરળ હતા અને કોઈને પણ લેશ માત્ર દુ:ખ ઉપજે એવું કહેવામાં પાપ સમજતા હતા ઉપરાંત બહુ વિશ્વાસી હોવાથી ઘણીકવાર વિશ્વાસઘાતના ભોગ થઈ પડતા હતા. ઘણા દબાણથી એક ચીજ એમને કહેવામાં આવતી તો તેની સામે “ના” કહેવાની એમને હીંમત ન હતી. આવા નરમ અને અસ્વસ્થ સ્વભાવને લીધે એમનું ટુંક જીવન જો કે પ્રજાને ઉપયોગી થઈ પડયું હતું તોપણ આપી શકાય તેટલો લાભ તેઓ ન આપી શક્યા. મર્હુમની જીંદગી એ એક સાદાઈનો નમુનો હતો. ગર્ભશ્રીમંત હેાવા છતાં દ્રવ્યથી બીલકુલ નિર્લોભ હતા. સારા કામમાં દ્રવ્યનો ભોગ આપવાને તેઓ હંમેશા તત્પર રહેતા. એમના હાથે સંખ્યાબંધ માણસો ધંધે ચડ્યા હતા; અને એમની સલાહથી સંખ્યાબંધનું કલ્યાણ થયું છે. બાળકની માફક તેએા સદા ઉત્સાહી રહેતા.

કૉલેજ છોડ્યા પછી શરૂઆતમાંથી સમાજ સેવા, સાહિત્ય સેવા વગેરે, કામો કરવાના હેતુથી “પ્રજાબંધું” નામનું સાપ્તાહિક પત્ર અમદાવાદમાં ઇ. સ. ૧૮૯૮ ના માર્ચમાં પ્રગટ કર્યું. સ્વતંત્ર વિચારોવાળા લેખોને માટે તે પત્ર અમદાવાદની પ્રજામાં થોડાક વખતમાં ઘણી સારી સ્થિતિમાં આવ્યું; અને ગુજરાતી અઠવાડિક પત્રોમાં તે ઉંચી પંક્તિનું હતું. એમ ઘણાએાએ પોતાનો મત જાહેર કર્યો.

હિંદુસ્તાનની પ્રજાની ઉન્નતિ જુદી જુદી કોમ, જ્ઞાતિ જુદા જુદા ધર્મ દ્વારા થશે એમ એમની માન્યતા હતી અને તેના કારણમાં તેઓ એવો અભિપ્રાય દર્શાવતા હતા કે એક વ્યક્તિને, નિકટના સંબંધવાળા સમુદાયમાં ઉદ્ભવતા પ્રશ્નો તેનું મન વધારે રોકે છે અને જાહેર યા અંગત નિર્ણય પર આવવાની તેને જરૂર પડે છે. તેવી માન્યતાને લીધે પોતાની જૈન કોમની અને જૈન ધર્મની સેવા કરવા તરફ તેમનું લક્ષ હંમેશ કાયમ રહેતું, પણ તેમની જાહેર જીંદગીના શરૂઆતના વર્ષો સાર્વજનિક સેવા તરફ દોરાયા હતા. જ્યારે જૈન કોમમાં પોતાની કોમની ઉન્નતિને માટે ચળવળ થવા માંડી તે વખતે તેમનું લક્ષ તે તરફ વધારે દોરાયું અને પોતાના ધર્મ અને જાતિની સેવા કરવાની ઇચ્છાથી ઈ. સ. ૧૯૦૩ની સાલમાં “જૈન" નામે સાપ્તાહિક પત્ર પ્રગટ કર્યું. જૈન કોમમાં કેટલાંક માસિકો અને મુખ્યત્વે કેવળ ધાર્મિક જ વિષયોને ચર્ચનારા નીકળતાં હતાં, પણ થોડાક જ વખતમાં જૈન કોમમાં તે પત્રે અગ્રગણ્ય પદ પ્રાપ્ત કર્યું. કોમના મહત્વના ધાર્મિક, સાંસારિક, તેમ જ વ્યવહારીક પ્રશ્નો તેઓ બહુ જ દક્ષતાથી અને દીર્ઘદૃષ્ટિથી ચર્ચતા. જૈનોમાં પોતાના તીર્થના રક્ષણને માટે લાગણી ઘણી તીવ્ર હોય છે અને તીર્થના હકો પર જરાએ તરાપ મારવામાં આવે છે એમ તેમને લાગતું કે, તુરત જ તેઓ તેવા સવાલો ચર્ચવામાં પાછી પાની કરતા નહીં. અનેક રીતે તેએાએ જૈન ધર્મની અને પ્રજાની સેવા કરી છે.

તેમની તબીયત તેમના પર ચાલેલા કેસ પછી બગડવા લાગી અને તે સુધારવાની ઈચ્છાથી તેઓ યૂરોપ ગયા, જ્યાં પેરીસ પાસેના બર્ક ગામમાં તા. ૧૦ મી સપ્ટેમ્બરે તેઓએ સ્વર્ગવાસ કર્યો. તેઓ પોતાની પાછળ એક વૃદ્ધ પિતા, બે સુકોમળ બાલિકાઓ, અને એક મોટા મિત્રમંડળને વિલાપ કરતું મૂકી ગયા છે. તેઓ પ્રત્યે અમારી દિલસોજી છે.

‘જૈન’ અને ‘પ્રજાબંધુ’ ઉપરાંત તેઓએ ત્રૈમાસિક ‘સમાલોચક’ માસિક ‘જૈન પતાકા’ અને અંગ્રેજી સાપ્તાહિક ‘પેટ્રીયટ’ નામનાં પત્રો કહાડ્યાં હતાં. લોકોમાં અંગ્રેજીનો અભાવ હોવાથી કેટલીક મુદ્દત બાદ ‘પેટ્રીયટ’ બંધ કરવામાં આવ્યું હતું. તેમણે જૈનોમાં વાચન મનનનો શોખ વધારવા અને જૈન સાહિત્યને સસ્તી કીંમતે બહાર પાડવા સારૂ ‘શ્રી જૈન જ્ઞાનપ્રસારક મંડળ’ અને ‘શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ભંડાર’ ઉભા કરાવવામાં તેમની સ્તુતિપાત્ર અને કિંમતી મદદ કરી હતી. તેમ જ બંને ખાતઓને અંત સૂધી પોતે તનમનથી મદદ આપવાનું જારી રાખ્યું હતું. સ્વામી વિવેકાનંદ પર તેમની અથાગ ભક્તિને લીધે તેમને કર્મયોગ, રાજયોગ, પાતાંજલ યોગદર્શન, ભક્તિયોગ વગેરે પુસ્તકો; અને સ્વર્ગસ્થ વીરચંદ ગાંધી ઉપર તેમને પ્રેમ હોવાને લીધે તેમને તેના અંગ્રેજી પુસ્તકો જેવાં કે જૈન ફિલૉસૉફી, યોગ ફિલૉસૉફી અને કર્મ ફિલૉસૉફીનાં ભાષાંતરો બહાર પાડ્યાં હતાં.

રા. ભગુભાઈએ ઈંગ્લીશ ગુજરાતી ચાર ડીક્ષનરીઓ રચી છે, તે ઉપરાંત તેઓએ ટોડના રાજસ્થાનનું ભાષાન્તર કર્યું હતું, તે ઉપરાંત સદ્ગુણી સુશીલા, પંચ બાલિકા, રાજભાષા, કુમુદા, લંડન રાજ્ય રહસ્ય, લંડન રહસ્ય, વિવેકવિલાસ, શત્રુંજય મહાત્મ્ય, શ્રાદ્ધવિધિ, શ્રીપાલચરિત્ર, ધર્મબિંદુ, વિગેરે ઘણા નાના મોટા ગ્રંથો લખી ગુજરાતી સાહિત્યની સારી સેવા કરી છે.*[1]


  1. *બુદ્ધિપ્રકાશ, નવેમ્બર ૧૯૧૪

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.