ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. ભુલાભાઈ જીવનજી દેસાઈ
એઓ જ્ઞાતે અનાવિલ બ્રાહ્મણ, મૂળ ચીખલીના વતની પણ એમના પિતાશ્રી ધંધાર્થે વલસાડ જઈ વસેલા ત્યારથી એમનો વસવાટ ત્યાં રહેલો; અને પ્રાથમિક શિક્ષણ વલસાડમાં લીધું હતું.
સન ૧૮૯૧ માં તેઓ મુંબઈ ગયા અને સન ૧૮૯૩ માં પંદર વર્ષની વયે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી, ગવર્નમેન્ટ- સ્કૉલર તરીકે એલ્ફીન્સ્ટન કૉલેજમાં દાખલા થયા હતા; ત્યાંથી સન ૧૮૯૭ માં તેમણે બી. એ; ની પરીક્ષા પહેલા વર્ગમાં પાસ કરી, જે કારણે તેઓ પ્રથમ દક્ષિણા ફૅલો અને પછીથી કૉલેજમાં લેકચરર નિમાયા હતા. એમની ઈચ્છા ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાવાની હતી અને તે માટે એમને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સ્કૉલરશીપ આપવાનું નક્કી થયું હતું; પણ એમના પિતાની માંદગીને લઈને એ યોજના પડી ભાંગી અને તેઓ સન ૧૮૯૮ માં અંગ્રેજી અને ફારસી લઈને એમ. એ; માં ઉત્તિર્ણ થયા હતા. એ પછી એમની ગુજરાત કૉલેજમાં પ્રોફેસર તરીકે નિમણુંક થઈ હતી; જ્યાં એમની કારકીર્દિ, યશસ્વી નિવડી હતી અને વિદ્યાર્થીઓમાં તેઓ બહુ લોકપ્રિય થયા હતા. અમદાવાદના વસવાટ દરમિયાન તેઓ પ્રોફેસર આનન્દશંકર ધ્રુવના નિત્ર થઈ પડયા હતા અને લગભગ સાથે ફરતા હરતા હતા અને વસન્ત માસિક તે અરસામાં આચાર્ય આનન્દશંકરે કાઢયું હતું, તેમાં તેઓ ગુજરાતીમાં લેખો લખવા પ્રેરાયા હતા.
પણ કૉલેજનું ક્ષેત્ર એમની મહત્વાકાંક્ષા અને અસાધારણ શક્તિ માટે મર્યાદિત જણાયું, તેથી તેમણે કાયદાનો અભ્યાસ કરવાનું યોગ્ય વિચાર્યું. પરિણામે કૉલેજ છોડી તેઓ હાઈકોર્ટના એડવોકેટ થયા. સૌ કોઈ જાણે છે કે મુંબાઈ બારના એક બાહોશ એડવોકેટ તરીકે એમણે બહોળી કીર્તિ પ્રાપ્ત કરેલી છે; એટલું જ નહિ પણ સારી સંપત્તિ મેળવવા શક્તિમાન થયલા છે.
દેશમાં રાજકીય ચળવળ મજબુત થતાં તેમણે એમાં સક્રિય ભાગ લેવા માંડ્યો હતો. હોમરૂલ લીગના તેઓ સભ્ય થયલા અને મોન્ટેગ્યુ અત્રે આવેલા ત્યારે હિન્દીરાજકીય સુધારણા સંબંધમાં જુબાની આપવા એમને નિમંત્રણ મળ્યું હતું.
અસહકારની ચળવળ પછી એમની રાજકીય પ્રવૃત્તિ વધતી આવી એટલે દરજ્જે કે સવિનય કાયદા ભંગની ચળવળ વખતે તેમણે જેલ સુદ્ધાંતમાં જવા પાછી પાની કરી નહોતી.
બારડોલી કમિશન વખતે એમની સેવા બહુ ઉપયોગી થઈ પડી હતી; અને પંડિત મોતીલાલ નહેરૂના અવસાન પછી એસેમ્બ્લીમાં મહાસભાના તેઓ જ અગ્રેસર નેતા થઈ પડેલા છે; અને પ્રજાકીય પક્ષના એક સમર્થ પ્રતિનિધિ તરીકે એમણે સજ્જડ છાપ બેસાડેલી છે.
એમણે ઈચ્છયું હોત તો હાઈકોર્ટના ન્યાયાસન પર જઈ શક્યા હોત; કારોબારી કૌન્સિલના સભ્ય નિમાયા હોત પણ એવા માનની પરવા ન કરતાં લેકસેવા કરવાનું એમણે વ્યાજબી ધાર્યું હતું.
સન ૧૯૩૧ માં બંધારણ પ્રશ્નના અંગે ગુજરાતી સાહિત્ય પરિષદની ખાસ બેઠક નડિયાદ મુકામે મળેલી તેના પ્રમુખ તરીકે, એમની પસંદગી કરવામાં આવી હતી; અને એમના નેતૃત્વ નીચે બંધારણુનું કેાકડું સફળતાપૂર્વક ઉકેલાયું હતું.
એમના પત્ની સૌ. ઈચ્છાબ્હેનનું સન ૧૯૨૪ માં મૃત્યુ થયું હતું, અને એમના પુત્ર શ્રીયુત ધીરૂભાઈએ આંતરજાતિય લગ્ન કરેલું છે.
શ્રીયુત ભુલાભાઈની દેશ સેવા વધુ ને વધુ યશસ્વી અને ફતેહમંદ નિવડે એમ સૌ કોઈ દેશપ્રેમી ઈચ્છશે.