ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/(ડૉ.) ભગવાનલાવ ઇંદ્રજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ડૉ. ભગવાનલાલ ઇંદ્રજી

ડૉ. ભગવાનલાલ ઈંદ્રજીનો જન્મ તા.૭-૧૧-૧૮૩૯ ના રોજ જૂનાગઢમાં થયો હતો. તે ન્યાતે પ્રશ્નોરા હતા. તેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ જ શાળામાં બેસીને લીધું હતું, પરન્તુ શાસ્ત્રપારંગત પિતા તથા ભાઈ પાસે સંસ્કૃતનો અભ્યાસ કરેલો તે એમને ભાવિ જીવનકાર્યમાં ખૂબ ઉપયોગી નીવડ્યો હતો. ગિરનાર જતાં આવતાં તેની તળેટીમાં પડેલા અશોકના શિલાલેખો ઉકેલવાની તેમને પ્રેરણા થઈ અને જેમ્સ પ્રિન્સેપે છુપાવેલા બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોની કાગળ ઉપર નકલ ઉતારી લઈ તેની મદદથી એ લેખો તેમણે ઉકેલવા માંડ્યા. કાઠિયાવાડના પોલીટીકલ એજંટ કર્નલ લેંગ અને મુંબઈના પુરાવિદ ડૉ. ભાઉ દાજીના પ્રોત્સાહનથી પોતે કરેલા શિલાલેખોના ઉકેલ લઈ તે ઈ.સ.૧૮૬૧માં મુંબઈ ગયા, જ્યાંની રૉયલ એશિયાટિક સોસાયટીમાં એમણે કરેલો ઉકેલ માન્ય થયો. એ નાના પંડિત જેવો દુર્લભ સહકારી મળી આવવાથી ડૉ. ભાઉ દાજીએ તેમને ૧૯૬૨માં મુંબઈમાં બોલાવી લીધા. એ જ વર્ષમાં અજંતા જઈને પોતાના બધા અંગ્રેજ પુરોગામીઓના કરતાં ગુફાના લેખોની વધુ શુદ્ધ નકલો તે ઉતારી લાવ્યા અને ૧૮૬૩માં નાસિક, કાર્લા, ભાજા, જુન્નર, નાનાઘાટ વગેરેની ગુફાઓના લેખો ઉકેલી જેસલમેરના જૈન ભંડારોના દુર્મિલ ગ્રંથોની નકલો કરવા તે ગયા. ત્યાં સતત ભેજમાં કામ કરવાથી તે ટાઈફોઈડની બિમારીનો ભોગ થઈ પડ્યા. બાદ ડૉ. ભાઉ દાછએ તેમને બંગાળ, ઉત્તર હિંદ અને વાયવ્ય પ્રાંતમાં પડેલી અઢળક પુરાસામગ્રી તપાસવા મોકલ્યા. નાગપુર, જબલપુર, અલાહાબાદ, બનારસ, ભિટ્ટા, મથુરા, દિલ્હી આદિ સ્થળે ખૂબ રખડીને તે ૧૮૬૮માં પ્રાચીન સિક્કાઓ તથા લેખસામગ્રી મેળવી લાવ્યા. નાણાંને અભાવે તે બરાબર પ્રવાસ કરી શક્યા નહિ એમ જોઈને ડૉ. ભાઉ દાજીએ તેમને રાજ્યના એક અમલદાર તરીકે માસિક રૂા.૨૦૦ના પગારથી રખાવ્યા અને વધુ મુસાફરીની સગવડ કરાવી આપી. ૧૮૭૧ થી ૧૮૭૪ સુધીમાં તેમણે આખા હિંદનાં બધાં મુખ્ય શહેરો જોઈ લીધાં અને છેક નેપાળ સુધી ઘૂમી આવ્યા. તે માત્ર શુષ્ક પુરાવિદ નહિ પણ પુરાજ્ઞાનપિપાસુ હોઈ સફર દરમિયાન પુરાતત્ત્વ ઉપરાંત પ્રાંતે પ્રાંતના રીતરીવાજ, ભાષા, પહેરવેશ, ધર્મ વગેરેનું જ્ઞાન મેળવતા અને તેની નોંધ રાખતા. ૧૮૭૪માં ડૉ. ભાઉ દાજી અવસાન પામ્યા, પણુ ભગવાનલાલભાઈએ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. મળેલી સામગ્રી ઉપરથી ઈતિહાસ નિર્માણ કરવાની એમની શક્તિ અજબ હતી. અસંભવિત મનાતી ક્ષત્રપોની વંશાવલિ માત્ર સિક્કાઓને જ ઉકેલીને એમણે સળંગ યોજી આપી હતી. ખારવેલના અઘરા મનાતા લેખો થોડા વખતમાં ઉકેલીને એમણે જે નિર્ણયો આપ્યા હતા તેમાં હજીસુધી કોઈ કશો ફેરફાર દર્શાવી શક્યું નથી. પરદેશમાં પણ તેમની કીર્તિ પ્રસરી હતી. ડૉ. બર્જેસ, પીટર્સન અને કૉડિગ્ટન જેવા તેમના મિત્રો હતા. ડૉ. બુલ્હર તેમના ગુજરાતી લેખોનું અંગ્રેજી કરતા હતા. ૧૮૭૭માં મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીએ એમને માનદ સભ્ય બનાવ્યા હતા. ૧૮૮૨માં મુંબઈ યુનિવર્સિટીએ ફેલો નીમીને તેમને સન્માન્યા હતા. ૧૮૮૩માં હેગની રૉયલ ઇન્સ્ટીટ્યુટે તેમને ફોરીન મેમ્બર બનાવ્યા હતા. ૧૮૮૪માં લંડન યુનિવર્સિટીએ તેમને ડૉક્ટર ઓફ લિટરેવરની પદવી આપી હતી. ડૉ. ભગવાનલાલ ૧૮૮૮માં અવસાન પામ્યા હતા. શિલાલેખોમાંથી ઇતિહાસ તારવી કાઢીને નિર્જીવ પત્થરોને સજીવન કરી બતાવનાર એ વિરલ પ્રતિભાધારી 'વિદ્વાનની શતાબ્દી ગુજરાતે ૧૯૩૯માં ઉજવી હતી. ૧૯૪૩માં મુંબઈ યુનિવર્સિટીમાં તેમની પ્રતિમા વડોદરાનરેશને હસ્તે ખુલ્લી મુકાઈ હતી. તેમના મૃત્યુ પછી ૫૫ વર્ષે પણ તેમની સેવાનું સ્મારક થયું તે એ સેવાની મૂલ્યવત્તાનું નિદર્શક બને છે. પુરાતત્ત્વવિષયક લેખો તેમનો મૂલ્યવાન સાહિત્યવારસો છે. પોતાની પાસેના જૂના લેખો, સિક્કાઓ તથા બીજી કેટલીક મૂલ્યવાન વસ્તુઓ તેમણે મુંબઈની એશિયાટિક સોસાયટીને, બ્રિટિશ મ્યુઝિયમને અને મુંબઈની નેટીવ જનરલ લાયબ્રેરીને સોંપી દીધેલાં છે. તેમના વંશમાં હાલ કોઈ પણ નથી.

***