ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/(સર) મનુભાઈ નંદશંકર મહેતા
આ સાહિત્યપ્રેમી રાજપુરુષનો જન્મ ગુજરાતની પહેલી ગદ્ય નવલ ‘કરણઘેલા'ના કર્તા રાવ બહાદુર નંદશંકર તુળજાશંકર મહેતાને ત્યાં, વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં, એમના વતન સુરતમાં ઈ.સ.૧૮૬૮ના જુલાઈની ૨૨ મી તારીખે થયો હતો. એમનાં માતાનું નામ નંદગૌરી. પ્રાથમિક શિક્ષણ લુણાવાડામાં અને માધ્યમિક ભાવનગર તથા મુંબઈમાં લઈને મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેઓ ગ્રેજ્યુએટ થયા. એમની કૉલેજની કારકીર્દિ અત્યંત ઉજ્જવળ હતી. ત્યાંનું ઍલ્ફિન્સ્ટન પ્રાઇઝ તેમજ હોમજી કરસેદજી દાદી પ્રાઈઝ મેળવવા ઉપરાંત તેઓ ઍલિસ સ્કૉલર તેમજ આર્નોલ્ડ સ્કૉલર હતા, અને અર્થશાસ્ત્ર, ઈતિહાસ, તર્કશાસ્ત્ર તેમજ તત્ત્વશાસ્ત્રમાં પોતાની બુદ્ધિ દાખવી તેઓ એમ. એ., અને પછી એલ. એલ. બી. થયા. આજે પણ એમના અભ્યાસના પ્રિય વિષયો એ જ રહ્યા છે-લૉજિક, ફિલૉસોફી, લૉ, હિસ્ટરી અને પોલિટિકલ ઇકૉનૉમી. જીવનની શરુઆત તેમણે વડોદરા કૉલેજમાં પ્રૉફેસર તરીકે કરી. ત્યાં સ્વ. સયાજીરાવ ગાયકવાડે એમની પ્રતિભા પરખી રાજ્યના વહીવટી તંત્રમાં ખેંચી લીધા અને ત્યાં તેઓ નાયબ દીવાન, લીગલ રીમેમ્બ્રેન્સર અને પછી મુખ્ય દીવાનના પદે ચડી લાંબો કાળ રહ્યા. ત્યારબાદ તેઓ ઉત્તરોત્તર બિકાનેરના પ્રાઈમ મિનિસ્ટર અને ગ્વાલિયરના હોમ મિનિસ્ટર તથા પોલિટિકલ મિનિસ્ટર થયા. હિંદી પ્રશ્ન વિચારવા માટેની ઈ.સ.૧૯૩૧-૧૯૩૪ની રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સના તેમજ ઈ.સ.૧૯૩૩-૩૫ની લંડનની પાર્લમેન્ટ કમિટીના પણ તેઓ મેમ્બર હતા. એમની રાજપ્રકરણીય દક્ષતાને લીધે હિંદના અગ્રણી રાજપુરુષોમાં એમની ગણના થાય છે. એમનું લગ્ન પ્રથમ ઈ.સ.૧૮૮૭માં સ્વ. હર્ષદકુંવર સાથે સુરતમાં થયું હતું. ત્યારબાદ ઈ.સ.૧૯૦૭માં હાલનાં અ. સૌ. લેડી ધનવંતા સાથે સુરતમાં એમનું બીજીવાર લગ્ન થયું. એમને ચાર પુત્રો-કાન્તિચન્દ્ર એમ. એ. કૅન્ટાબ, ચન્દ્રહાસ બી. એ. કૅન્ટાબ, આશુતોષ કુમાર તથા જગદીશ કુમાર તથા સાત પુત્રીઓ-સૌ. જયશ્રી રાયજી, સૌ. હંસા મહેતા, સૌ. પન્ના દફતરી, સૌ. નિવેદિતા દેસાઈ સા. રામદુલારી મોદી, તથા કુમારી મીનળદેવી–છે. એમના જીવનવિષયક વિશેષ માહિતી Who is Whoમાં તેમજ Knights and Baronsમાંથી મળી શકે છે. જીવનભર રાજકારણમાં તન્મય રહેવા છતાં એમનો સાહિત્યપ્રેમ અખંડ રહ્યા કર્યો છે, અને એની શાખ સાહિત્ય તેમજ પુસ્તકાલય પરિષદોમાં એમણે અવારનવાર આપેલાં વ્યાખ્યાનો પૂરે છે. એમના રચેલા ગ્રન્થઃ હિંદ રાજસ્થાન ઇ.સ.૧૮૯૫, પ્રમાણશાસ્ત્ર (Evidence Law.)
***